04 June, 2025 06:56 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ૬ રનથી જીતી IPL 2025ની ફાઇનલ (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)
ઇન્ડિયન પ્રીમિયર લીગ - આઇપીએલ (Indian Premier League – IPL)ને મળી ગઈ નવી ચેમ્પિયન ટીમ. આઇપીએલની હાલ ચાલી રહેલી સિઝન આઇપીએલ ૨૦૨૫ (IPL 2025)ની ફાઇનલ મેચ (IPL 2025 Finals)માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru)એ પંજાબ કિંગ્સ (Punjab Kings)ને ૬ રનથી હરાવીને IPL 2025ની ટ્રોફી જીતી લીધી. IPLના ૧૮ વર્ષના ઇતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ - આરસીબી પહેલીવાર ચેમ્પિયન બન્યું છે.
૩ જૂન, મંગળવારના રોજ અમદાવાદ (Ahmedabad)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં આઇપીએલ ૨૦૨૫ની ફાઇનલ (IPL 2025 Finals) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચે રમાઈ હતી. બેંગલુરુએ ફાઇનલમાં પંજાબ કિંગ્સને ૬ રનથી હરાવીને પ્રથમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ખિતાબ જીત્યો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા, RCBએ ૧૯૦-૯ નો સામાન્ય સ્કોર બનાવ્યો અને પછી PBKSને ૧૮૪-૭ પર રોકી દીધું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા RCB એ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબની ટીમ સાત વિકેટ ગુમાવીને 184 રન જ બનાવી શકી હતી. આ પહેલી વાર છે જ્યારે અમદાવાદમાં IPL ફાઇનલ રમાઈ રહી છે અને પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે.
પ્રથમ બેટિંગ કરતા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે ૨૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને ૧૯૦ રન બનાવ્યા. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા બેંગ્લોરની શરૂઆત ખરાબ રહી. ફિલ સોલ્ટ ૯ બોલમાં ૨ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૧૬ રન બનાવ્યા બાદ આઉટ થયો. તેને જેમિસન દ્વારા આઉટ કરવામાં આવ્યો. આ પછી, વિરાટ કોહલીએ મયંક અગ્રવાલ સાથે ઇનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ મયંક મોટા શોટનો પીછો કરતા આઉટ થયો. તે ૧૮ બોલમાં ૨ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૨૪ રન બનાવ્યા બાદ આઉટ થયો. આ પછી, રજત પાટીદાર ૧૬ બોલમાં ૨૬ રન બનાવીને પેવેલિયન ગયો. વિરાટે લિવિંગસ્ટોન સાથે ૩૬ રનની ભાગીદારી કરી. વિરાટે ૩૫ બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી ૪૩ રન બનાવ્યા બાદ અઝમતુલ્લાહનો શિકાર બન્યો. જીતેશ શર્માએ જ્વલંત ઇનિંગ રમી, પરંતુ મોટા શોટનો પીછો કરતા તે વિજયકુમાર દ્વારા બોલ્ડ થયો. જીતેશે ૧૦ બોલમાં ૨ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૨૪ રનની ઇનિંગ રમી. અર્શદીપે છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ લીધી. તેણે ૨૦મી ઓવરના બીજા બોલ પર રોમારિયો શેફર્ડ (૧૭ રન), ચોથા બોલ પર કૃણાલ પંડ્યા (૪ રન) અને ભુવનેશ્વર કુમાર (૧ રન)ની વિકેટ લીધી. પંજાબ તરફથી અર્શદીપ અને જેમિસને ૩-૩ વિકેટ લીધી. તે જ સમયે, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, વિજયકુમાર વિશાક અને યુઝવેન્દ્ર ચહલને એક-એક વિકેટ મળી.
૧૯૧ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમની શરૂઆત સારી રહી હતી. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે ૪૩ રનની ભાગીદારી નોંધાવી હતી. પ્રિયાંશ ૨૪ રન બનાવ્યા બાદ હેઝલવુડના બોલ પર આઉટ થયો હતો. ત્યારબાદ પ્રભસિમરન સિંહ ૨૨ બોલમાં ૨૬ રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ ઐયરનું બેટ ફાઇનલમાં કામ ન આવ્યું. તે ૧ રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. જોશ ઇંગ્લિસે સારી બેટિંગ કરી હતી, પરંતુ ૨૩ બોલમાં ૧ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૩૯ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. નેહલ વાઢેરાએ ૧૫ રન બનાવ્યા હતા અને માર્કસ સ્ટોઇનિસ ૬ રન બનાવીને આઉટ થયો હતો. અઝમતુલ્લાહ ઓમરઝાઈ ૧ રન બનાવી શક્યો હતો. શશાંકે ૩૦ બોલમાં ૩ ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી ૬૧ રન બનાવ્યા હતા, પરંતુ તે જીત માટે પૂરતું નહોતું. બેંગ્લોર માટે ભુવનેશ્વર કુમાર અને કૃણાલ પંડ્યાએ ૨-૨ વિકેટ લીધી હતી. તે જ સમયે, યશ દયાલ, જોશ હેઝલવુડ અને રોમારિયો શેફર્ડને ૧-૧ વિકેટ મળી હતી.