30 May, 2025 08:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યા, શુભમન ગિલ
IPL 2025ની એલિમિનેટર મૅચ આજે શુભમન ગિલના નેતૃત્વવાળી ગુજરાત ટાઇટન્સ (GT) અને કૅપ્ટન હાર્દિક પંડ્યાની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. ન્યુ ચંડીગઢના મુલ્લાંપુરમાં આયોજિત આ મૅચમાં જે ટીમ હારશે એ ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થઈ જશે, જ્યારે જીતનારી ટીમ અમદાવાદમાં ૧ જૂને રમાનારી ક્વૉલિફાયર-ટૂ મૅચ રમશે.
બન્ને ટીમ વચ્ચેની આ ટક્કર રોમાંચક બનશે, કારણ કે ગુજરાતની ટીમે વર્તમાન સીઝનની બે મૅચ સહિત મે ૨૦૨૩ બાદ ચારેય મૅચમાં મુંબઈને હરાવ્યું છે. હાર્દિક પંડ્યા પોતાની જૂની ટીમ સામે આ સિલસિલો તોડશે તો જ ટ્રોફીની વધુ નજીક પહોંચી શકશે. મુલ્લાંપુરમાં બન્ને ટીમ એકબીજા સામે પહેલી વાર ટકરાશે. ગુજરાત અને મુંબઈ આ મેદાન પર ૨૦૨૪માં હોમ ટીમ પંજાબ કિંગ્સ સામે એક-એક મૅચ રમ્યાં છે અને જીત્યાં છે.
|
હેડ ટુ હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૭ |
|
GTની જીત |
૫ |
|
MIની જીત |
૨ |
બન્ને ટીમનો પ્લેઑફ્સનો રેકૉર્ડ કેવો રહ્યો છે?
આ બન્ને ટીમ વચ્ચે IPL પ્લેઑફ્સની ૨૦૨૩માં એકમાત્ર ટક્કર થઈ છે જેમાં ગુજરાતે એલિમિનેટર મૅચમાં ૬૨ રને મુંબઈને હરાવ્યું હતું. મુંબઈએ પ્લેઑફ્સની ૨૦ મૅચમાંથી ૧૩માં જીત અને સાતમાં હાર નોંધાવી છે, જ્યારે ગુજરાત પાંચમાંથી ત્રણ મૅચમાં જીત્યું છે અને બે મૅચમાં હાર્યું છે.
એલિમિનેટર મૅચ રમ્યા બાદ માત્ર એક જ ટીમ બની છે ચૅમ્પિયન
૨૦૧૧માં IPLમાં એલિમિનેટર ફૉર્મેટ શરૂ થયા પછી ફક્ત એક જ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (૨૦૧૬) એલિમિનેટર મૅચ રમીને ટાઇટલ જીતી શકી છે. એ સમયે આ ટીમ પૉઇન્ટ્સ ટેબલ પર ત્રીજા ક્રમે હતી. ચોથા ક્રમે રહેલી કોઈ પણ ટીમ હજી સુધી ચૅમ્પિયન બની નથી. ગ્રુપ-સ્ટેજ બાદ પૉઇન્ટ્સ ટેબલમાં પહેલા ક્રમની ટીમ પાંચ વાર જ્યારે બીજા ક્રમની ટીમ સૌથી વધુ આઠ વાર ચૅમ્પિયન બની છે.