21 April, 2025 07:02 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગરમીને લીધે હેરાન થયેલા ઇશાંત શર્મા અને જૉસ બટલર.
અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે બપોરે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની મૅચ દરમ્યાન ખરા તડકે મૅચ જોવા આવેલા ૧૦૭ પ્રેક્ષકોએ સારવાર લેવી પડી હતી. મૅચ જોવા આવેલાં બાળકો તેમ જ યંગસ્ટર્સને ડીહાઇડ્રેશનની ફરિયાદ થતાં તેમને ઓરલ રીહાઇડ્રેશન સૉલ્ટ (ORS)નું પાણી પીવડાવાયું હતું.
અમદાવાદમાં આમ પણ બપોરે ગરમી ચરમસીમાએ હોય છે અને ગરમ પવન પણ ફૂંકાતા હોય છે. ગઈ કાલે શહેરમાં ૪૧ ડિગ્રી તાપમાન હતું અને ગરમીનો પ્રકોપ વર્તાવો હોવા છતાં ક્રિકેટ-ક્રેઝી ફૅન્સ ભરતડકે મૅચ જોવા ઊમટી આવ્યા હતા. જોકે આ પ્રેક્ષકો પૈકી કેટલાકને હેડેક, ચક્કર, બેહોશી સહિતની તકલીફ થતાં તેમણે સ્ટેડિયમમાં તહેનાત રખાયેલી ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં સારવાર લેવી પડી હતી.
ગરમીને કારણે ગુજરાત ટાઇટન્સનો બોલર ઇશાંત શર્મા ડીહાઇડ્રેશનનો ભોગ બન્યો હતો અને બૅટિંગ વખતે જૉસ બટલરની હાલત ખરાબ થઈ હતી.