આઇપીએલ પહેલાં ખેલાડીઓની ઈજા : સૌથી મોટો કોયડો

24 December, 2023 07:50 AM IST  |  Mumbai | Ajay Motivala

ઇન્ટરનૅશનલ મૅચો ગુમાવવા છતાં ખેલાડીઓની ઇન્જરીની સમસ્યા ઘટવાનું નામ નથી લેતી

ફાઇલ તસવીર

ઑસ્ટ્રેલિયાના ૩૦ વર્ષના બૅટર અને પાર્ટ-ટાઇમ સ્પિનર ઍશ્ટન ટર્નરને લખનઉ સુપર જાયન્ટ્સે ૧૯ ડિસેમ્બરે ઑક્શનમાં એક કરોડ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો એના ૨૪ કલાકમાં જ તે ઈજાને કારણે મેદાનથી દૂર થઈ ગયો. એક તો તેને બે વર્ષ પછી પહેલી વાર (સપ્ટેમ્બર ૨૦૨૩માં) ફરી ઇન્ટરનૅશનલ મૅચ રમવા મળી અને આઇપીએલમાં (૨૦૧૯ બાદ) ચાર વર્ષે પાછો કોઈએ યાદ કર્યો છે ત્યાં તેને ઈજાનું ગ્રહણ નડી ગયું. તે રેગ્યુલર બોલર છે નહીં છતાં તેણે એ દિવસે (૨૦ ડિસેમ્બરે) બિગ બૅશની એક મૅચમાં છઠ્ઠા બોલર તરીકે પોતે બોલિંગ કરી અને પહેલો જ બૉલ ફેંક્યા બાદ પગની ઇન્જરીને લીધે પૅવિલિયનમાં જતો રહ્યો હતો. હૉબાર્ટ હરિકૅન સામે તેની કૅપ્ટન્સીમાં તેની ટીમ (સ્કૉર્ચર્સ) મૅચ જીતી તો ગઈ, પણ ઈજાએ તેને થોડો ચિંતામાં મૂકી દીધો. ટેન્શન એ છે કે માર્ચમાં આઇપીએલમાં તો આવું કંઈ નહીં થાયને?

થોડાં વર્ષોથી મોટા ભાગના ક્રિકેટર્સ માટે આઇપીએલ અને બીજી લીગ ટુર્નામેન્ટ્સ રોજીરોટી માટેનાં મુખ્ય માધ્યમ બન્યાં છે એટલે ઘણા ખેલાડીઓ ઇન્ટરનૅશનલ ક્રિકેટ છોડી ચૂક્યા છે, કેટલાક છોડી રહ્યા છે અને અમુક પ્લેયર્સે છોડવાનો પ્લાન બનાવી રાખ્યો હશે.

૨૦૦૮માં આઇપીએલ શરૂ થઈ અને પછી બિગ બૅશ કે સીપીએલ વગેરે ફ્રૅન્ચાઇઝી બેઝ્‍ડ લીગ ટુર્નામેન્ટ્સ અસ્તિત્વમાં આવી ત્યાર બાદ ક્યારેય કોઈ પ્લેયરની બાબતમાં એવું નથી સાંભળ્યું કે તેણે લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય મૅચ રમવા લીગ ટુર્નામેન્ટ્સને ગુડબાય કરી દીધું હોય. હા, કોઈએ લીગને અવૉઇડ જરૂર કરી હશે, પરંતુ ધીકતી કમાણી કરાવતા આખેઆખા લીગ કન્સેપ્ટને અલવિદા નથી કર્યું.

લેજન્ડ્સ પણ બિઝી

જુઓને, હવે તો લેજન્ડ્સ લીગનું પણ ચલણ વધી ગયું છે. ઇન્ટરનૅશનલ રિટાયર પ્લેયર પણ હવે વર્ષ દરમ્યાન બિઝી રહેતો હોય છે. લીગમાં ન રમતો હોય તો કૉમેન્ટરી-બૉક્સમાં જોવા મળે અથવા કોચિંગની જૉબમાં વ્યસ્ત હોય... અને પછી લેજન્ડ્સ લીગ તો છે જ.

આઇપીએલ જેવો ઇજારો કોઈનો નહીં

આઇપીએલનો ઇજારો એવો છે કે એને દર વર્ષે ઠાઠમાઠથી આવકાર મળે છે. જેમ કોઈ માર્ગ પર ઐરાવતની સવારી આવવાની હોય એ પહેલાં એના આગમન માટે રસ્તો કેવો ખાલી થઈ જાય એમ આઇપીએલ માટે ખુદ આઇસીસી દ્વારા દર વર્ષે બે મહિના (એપ્રિલ-મે) ખાલી રાખવામાં આવે છે. આ જ આઇપીએલની વૅલ્યુ પ્રત્યેક ખેલાડીને હોય છે અને એટલે જ તેઓ આઇપીએલ પહેલાં પૂરેપૂરા સજ્જ રહેવાનો પૂરો પ્રયત્ન કરતા હોય છે.

ઍશ્ટન ટર્નરના કિસ્સામાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. તેની પગની ઇન્જરી અત્યારે ગંભીર તો નથી, પરંતુ હવે પછી ખૂબ કાળજી રાખશે, કારણ કે માર્ચ-મેમાં લખનઉની ટીમને પૂરો સાથ આપશે તો તેના એક કરોડ રૂપિયા પાકશે.

હવે સૂર્યાએ વધારી ચિંતા

ઈજાની રામાયણ આપણા પ્લેયર્સમાં ક્યાં ઓછી છે. હાર્દિક પંડ્યા અને દીપક ચાહરની ઈજાનો મામલો હજી ઠંડો નથી પડ્યો ત્યાં મોહમ્મદ શમી પગની ઘૂંટીની ઈજામાં ફસડાયો છે. તેના પરની ચર્ચા હજી માંડ ઓછી થઈ ત્યાં સૂર્યકુમાર યાદવના સમાચારે આંચકો આપ્યો છે. સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટી૨૦માં ચોથી ધમાકેદાર સદી ફટકાર્યા પછી ફીલ્ડિંગમાં તેનો પગ મચકોડાઈ ગયો અને હવે તેને ૭ અઠવાડિયાંનો ખાટલો આવી ગયો છે.

જોકે આ બધા ઇન્જર્ડ ખેલાડીઓના કરોડો ચાહકોએ ચિંતા કરવાની જરાય જરૂર નથી. જરૂર પડશે તો પણ ઇન્ટરનૅશનલ અને ડોમેસ્ટિક મૅચો ગુમાવીનેય તેઓ આઇપીએલ પહેલાં સાજામાજા થઈ જશે.

બિગેસ્ટ કરોડપતિઓ રમશે?

હા, ૨૦૨૪ની આઇપીએલ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બે મોટા ઑસ્ટ્રેલિયનોને ખરીદનાર ફ્રૅન્ચાઇઝીઓએ પણ ટેન્શન લેવાની જરૂર નથી. ૨૪.૭૫ કરોડ રૂપિયાનો આસામી મિચલ સ્ટાર્ક ઈજા માટે જાણીતો છે એટલે તો ફરી છેક ૮ વર્ષે આઇપીએલમાં તેની પધરામણી થવાની છે. જોકે કલકત્તાના ફ્રૅન્ચાઇઝીએ બહુ ખિસ્સાં ખાલી નહીં કરવાં પડે, કારણ કે તે ઈજાને લીધે ફુલ ટુર્નામેન્ટ માટે ઉપલબ્ધ નહીં જ રહે. પૅટ કમિન્સનું પણ કંઈક એવું જ છે. હૈદરાબાદના માલિકોએ પણ તેને પૂરા ૨૦.૫૦ કરોડ રૂપિયા આપવાનો વારો નહીં આવે. કારણ એ છે કે યા તો તે તેના દેશ વતી રમવાનું પહેલાં પસંદ કરશે અથવા તેને પણ ઈજા સતાવશે.

indian premier league IPL 2024 mumbai indians gujarat titans chennai super kings sunrisers hyderabad punjab kings royal challengers bangalore delhi capitals rajasthan royals kolkata knight riders lucknow super giants hardik pandya suryakumar yadav rohit sharma cricket news sports sports news