રાજસ્થાન કરશે જીતની હૅટ-ટ્રિક કે મુંબઈ લેશે હારનો બદલો?

22 April, 2024 07:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે ૧ વિકેટ લઈને IPLમાં ૨૦૦ વિકેટ લેનારો પહેલો બોલર બનશે યુઝવેન્દ્ર ચહલ

યુઝવેન્દ્ર ચહલ

આજની મૅચ: મુંબઈ ઇન્ડિયન્સ v/s રાજસ્થાન રૉયલ્સ, સાંજે ૭.૩૦ વાગ્યે,  જયપુર
આવતી કાલની મૅચ : ચેન્નઈ સુપર કિંગ્સ v/s લખનઉ સુપર જાયન્ટ્સ, સાંજે ૭.૩૦ વાગ્યે,  ચેન્નઈ

આજે જયપુરમાં રાજસ્થાન રૉયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે સીઝનની બીજી ટક્કર થશે. કૅપ્ટન સંજુ સૅમસનના નેતૃત્વમાં રાજસ્થાન ૧૨ પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં નંબર વન ટીમ બની છે, જ્યારે હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સી હેઠળની મુંબઈની ટીમ ૬ પૉઇન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે. પાંચ વખતનું ચૅમ્પિયન મુંબઈ છેલ્લે રાજસ્થાન સામેની મૅચમાં ૬ વિકેટે હારી ગયું હતું. રાજસ્થાનની નજર આજે જીતની હૅટ-ટ્રિક કરી પ્લેઑફ માટે ક્વૉલિફાય થવા પર હશે તો બીજી તરફ મુંબઈ જીતનો લય જાળવી રાખવાનો પ્રયાસ કરશે. જસપ્રીત બુમરાહ આ IPLમાં ૧૩ વિકેટ લઈને સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ટોચ પર છે. તેનો ઇકૉનૉમી-રેટ પણ બીજા નંબરનો સર્વશ્રેષ્ઠ છે અને તેણે છથી ઓછા રન આપ્યા છે. જ્યારે તે શાનદાર બોલિંગ કરી રહ્યો છે ત્યારે તેના સાથી-બોલરો આમ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ગેરાલ્ડ કોએત્ઝીએ પણ ૧૨ વિકેટ લઈને પ્રભાવિત કર્યા છે, પરંતુ તેણે ઘણા રન આપ્યા છે.

હાર્દિક પંડ્યાએ તેના અનુભવી અફઘાનિસ્તાનના ઑલરાઉન્ડર મોહમ્મદ નબીના અનુભવનો બોલર તરીકે ઉપયોગ કરવાની જરૂર છે. રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર અને તિલક વર્મા સહિતના બૅટ્સમેન સારું પ્રદર્શન કરી રહ્યા છે. રાજસ્થાન સામેની છેલ્લી મૅચમાં મુંબઈની હાલત ખૂબ ખરાબ હતી જેમાં ટ્રેન્ટ બોલ્ટે તેના ત્રણ ટૉપ ઑર્ડર બૅટ્સમેનને રમવા પણ નહોતા દીધા અને આ અનુભવી ઝડપી બોલર તેમને માટે ફરી મોટો ખતરો બની રહેશે. આવેશ ખાન અને કુલદીપ સેન પણ મુંબઈના બૅટર્સને હેરાન કરતા જોવા મળશે. અડધી સીઝનથી સંઘર્ષ કરી રહેલો ઑફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિન જો આજે ૩ વિકેટ લેશે તો IPLમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલરોના લિસ્ટમાં ચોથા ક્રમે પહોંચી જશે. અશ્વિન ૧૭૨ વિકેટ સાથે હાલમાં છઠ્ઠા ક્રમે છે, જ્યારે અમિત મિશ્રા ૧૭૩ વિકેટ સાથે પાંચમા અને ભુવનેશ્વર કુમાર ૧૭૪ વિકેટ સાથે ચોથા ક્રમે છે. 

લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ રાજસ્થાનના બોલિંગ-વિભાગમાં ૧૨ વિકેટ લઈને સૌથી મહત્ત્વનો ખેલાડી બન્યો છે. તે આજે ૨૦૦ IPL વિકેટનો કીર્તિમાન સ્થાપિત કરી શકે છે. રિયાન પરાગ (૩૧૮ રન) અને સંજુ સૅમસન (૨૭૬ રન) પોતાનું સર્વશ્રેષ્ઠ આપી રહ્યા છે. 

કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની છેલ્લી મૅચમાં ઇંગ્લૅન્ડના જોસ બટલરે એકલા હાથે રાજસ્થાનને જીત અપાવી હતી, પરંતુ સાથી ઓપનિંગ પાર્ટનર યશસ્વી જાયસવાલનું ફૉર્મ ચિંતાનો વિષય છે, કારણ કે તે સારી શરૂઆત અપાવી એને મોટા સ્કોરમાં ફેરવવામાં સફળ નથી થઈ રહ્યો. જરૂર પડે ત્યારે શિમરન હેટમાયર પણ સારી બૅટિંગ કરી રહ્યો છે.

IPLના ટૉપ ફાઇવ વિકેટ-ટેકર્સ

નામ

મૅચ

ઇનિંગ્સ

વિકેટ

યુઝવેન્દ્ર ચહલ

૧૫૨

૧૫૧

૧૯૯

ડ્વેઇન બ્રાવો

૧૬૧

૧૫૮

૧૮૩

પીયૂષ ચાવલા

૧૮૫

૧૮૪

૧૮૧

ભુવનેશ્વર કુમાર

૧૬૭

૧૬૭

૧૭૪

અમિત મિશ્રા

૧૬૧

૧૬૧

૧૭૩

મુંબઈ-રાજસ્થાન :હેડ-ટુ-હેડ રેકૉર્ડ 
કુલ મૅચ - ૨૯
મુંબઈની જીત - ૧૫
રાજસ્થાનની જીત - ૧૩
નો રિઝલ્ટ - ૦૧

sports news sports cricket news IPL 2024 Yuzvendra Chahal mumbai indians rajasthan royals