લખનઉ કે રાજસ્થાન, કોનો વિજયરથ આજે અટકશે?

27 April, 2024 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાન આ સીઝનમાં ૮માંથી ૧ જ મૅચ હાર્યું છે અને કુલ ૧૪ પૉઇન્ટ સાથે ટૉપ પર છે, જ્યારે લખનઉ આઠમાંથી ત્રણ હાર અને પાંચ જીત સાથે કુલ ૧૦ પૉઇન્ટ મેળવીને ચોથા નંબરે છે

બન્ને કૅપ્ટનની ફાઇલ તસવીર

આજે સાંજે લખનઉમાં બીજી ટક્કર ટૉપ-ફોરમાં બિરાજમાન રાજસ્થાન રૉયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે છે. રાજસ્થાન આ સીઝનમાં ૮માંથી ૧ જ મૅચ હાર્યું છે અને કુલ ૧૪ પૉઇન્ટ સાથે ટૉપ પર છે, જ્યારે લખનઉ આઠમાંથી ત્રણ હાર અને પાંચ જીત સાથે કુલ ૧૦ પૉઇન્ટ મેળવીને ચોથા નંબરે છે. રાજસ્થાને આ સીઝનમાં પહેલી વાર ગુજરાત સામે હાર જોયા બાદ સતત ત્રણ મૅચમાં વિજય મેળવ્યો છે, જ્યારે લખનઉએ દિલ્હી અને કલકત્તા સામે સતત બે મૅચમાં હાર્યા બાદ શાનદાર કમબૅક કરીને ચેન્નઈ જેવી ટીમને બે વાર હરાવવાની કમાલ સાથે ફરી જોશ મેળવી લીધો છે. આજે આ બન્નેના જોશમાં ચાહકો પૈસાવસૂલ ટક્કરની અપેક્ષા રાખી રહ્યા છે.

આ સીઝનના પ્રથમ દિવસે જ રાજસ્થાન અને લખનઉ વચ્ચે ટક્કર જામી હતી અને રાજસ્થાને ૨૦ રનથી જીત મેળવીને શરૂઆત કરી હતી. આજે વધુ એક જીત સાથે રાજસ્થાનનો ઇરાદો ટૉપ-ટૂમાં સ્થાન મજબૂત કરવાનો હશે, જ્યારે લખનઉ એ હારનો બદલો લઈને ટૉપ-ફોરમાં જળવાઈ રહેવા તત્પર હશે.

રાજસ્થાનના બે-બે ઓપનર બૅટર્સ જોસ બટલર (બે વાર) અને યશસ્વી જાયસવાલ આ સીઝનમાં સેન્ચુરી ફટકારી ચૂક્યા છે. જાયસવાલે છેલ્લી મૅચમાં મુંબઈ સામે સેન્ચુરી ફટકારીને સીઝનમાં પહેલી વાર દમ બતાવ્યો હતો અને રાજસ્થાનની બૅટિંગ લાઇનઅપને વધુ મજબૂત બનાવી હતી. સંજુ સૅમસન અને રિયાન પરાગ પણ મજબૂત શરૂઆતને મોટા સ્કોર સુધી લઈ જવામાં મહત્ત્વનો સપોર્ટ આપી રહ્યા છે. બોલિંગમાં યુઝવેન્દ્ર ચહલ ૧૩ વિકેટ સાથે સયુંક્ત રીતે આ સીઝનમાં હાઇએસ્ટ વિકેટ-ટેકર છે. ટ્રેન્ટ બોલ્ટ શરૂઆતી ઝટકા આપી રહ્યો છે અને છેલ્લી મૅચમાં સંદીપ શર્માએ સીઝનની પહેલી જ મૅચમાં મુંબઈ સામે પાંચ વિકેટ ઝડપીને કમાલ કરી હતી.

લખનઉની વાત કરીએ તો કૅપ્ટન કે. એલ. રાહુલ ૩૦૨ રન સાથે ટૉપમાં છે અને નિકોલસ પૂરન (૨૮૦) અને ક્વિન્ટન ડી કૉક (૨૨૮) ઉપયોગી સાથ આપી રહ્યા છે. છેલ્લી મૅચમાં ચેન્નઈમાં ચેન્નઈ સામે આ સીઝનનો હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર અણનમ ૧૨૪ રન ફટકારીને માર્કસ સ્ટૉઇનિસે એનો પાવર બતાવી દીધો હતો અને રાજસ્થાને આજે તેને કન્ટ્રોલમાં રાખવા ખાસ પ્લાન બનાવવો પડશે.

આજની મૅચ

દિલ્હી કૅપિટલ્સ v/s મુંબઈ ઇન્ડિયન્સ, બપોરે ૩.૩૦ વાગ્યે, દિલ્હી

લખનઉ સુપર જાયન્ટ્સ v/s રાજસ્થાન રૉયલ્સ, સાંજે ૭.૩૦ વાગ્યે, લખનઉ

આવતી કાલની મૅચ

ગુજરાત ટાઇટન્સ v/s રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ, બપોરે ૩.૩૦ વાગ્યે, અમદાવાદ

ચેન્નઈ સુપર કિંગ્સ v/s સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે ૭.૩૦ વાગ્યે, ચેન્નઈ

indian premier league IPL 2024 lucknow super giants rajasthan royals kl rahul sanju samson cricket news sports sports news