ગાંગુલીએ હાથ મિલાવવાનું ટાળ્યું તો કોહલીએ ઇન્સ્ટા પર તેમને ફૉલો કરવાનું બંધ કરી દીધું

18 April, 2023 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ વચ્ચેનો દોઢ વર્ષ જૂનો ગજગ્રાહ ફરી સપાટી પર આવ્યો

શનિવારે હોમ ગ્રાઉન્ડ બૅન્ગલોરમાં આરસીબીના મૅચવિનર કોહલીએ દિલ્હીના બૅટરનો કૅચ પકડ્યા પછી ડગઆઉટમાં બેઠેલા ગાંગુલી સામે ખુન્નસથી જોયું હતું

ઑક્ટોબર ૨૦૨૧માં સૌરવ ગાંગુલી બીસીસીઆઇના પ્રમુખ હતા એ સમયગાળામાં સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલાં વિરાટ કોહલીને વન-ડે ટીમના કૅપ્ટનપદેથી હટાવવામાં આવ્યો અને ત્યાર બાદ કોહલીએ ટી૨૦ની કૅપ્ટન્સી પણ છોડી દીધી અને બધો બોજ રોહિત શર્મા પર આવી ગયો ત્યારથી કોહલી અને ગાંગુલી વચ્ચેના સંબંધ બગડેલા રહ્યા છે, પરંતુ તાજેતરમાં એવી કેટલીક ઘટના બની ગઈ જેમાં ભારતીય ક્રિકેટના આ બે દિગ્ગજો વચ્ચેનો ગજગ્રાહ સપાટી પર આવી ગયો છે.

શનિવારે બૅન્ગલોરમાં કોહલીએ હાફ સેન્ચુરી (૩૪ બૉલમાં ૫૦ રન) ફટકારી એ પછી દિલ્હી કૅપિટલ્સની ઇનિંગ્સમાં કોહલીએ વૉર્નર અને માર્શનો કૅચ પકડ્યા બાદ અમન હકીમ ખાનનો લૉન્ગ ઑન પર બાઉન્ડરીલાઇનની નજીક કૅચ પકડ્યો ત્યારે તેણે (કોહલીએ) દિલ્હીના ડગઆઉટમાં બેઠેલા ટીમના ડિરેક્ટર ઑફ ક્રિકેટ ગાંગુલી સામે ખુન્નસથી જોયું હતું. ત્યાર બાદ બૅન્ગલોરની જીત અને દિલ્હીની લાગલગાટ પાંચમી હાર સાથે મૅચ પૂરી થઈ ત્યાર પછી બન્ને ટીમના ખેલાડીઓ અને અધિકારીઓ એકમેક સાથે હાથ મિલાવવા મેદાન પર ઊતર્યા ત્યારે ગાંગુલીએ બૅન્ગલોરના દરેક ખેલાડી સાથે હાથ મિલાવ્યા હતા, પણ કોહલી નજીક આવ્યો ત્યારે તેની સાથે શેક-હૅન્ડ કરવાનું ટાળ્યું હતું. વિડિયોમાં જોવા મળ્યા મુજબ દિલ્હીના હેડ-કોચ રિકી પૉન્ટિંગે કોહલીને ઊભો રાખીને કંઈક પૂછ્યું ત્યારે પૉન્ટિંગની પાછળથી ગાંગુલી દૂર હટીને કોહલી પછીના ખેલાડી સાથે હાથ મિલાવવા લાગ્યા હતા.

ગઈ કાલે કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર ગાંગુલીને અનફૉલો કરવાનું શરૂ કરી દીધું છે. કોહલી અત્યાર સુધી ગાંગુલીના અકાઉન્ટ સહિત કુલ ૨૭૬ અકાઉન્ટ ફૉલો કરતો હતો, પરંતુ એમાંથી હવે ગાંગુલીને ફૉલો કરવાનું કોહલીએ બંધ કર્યું હોવાનું કેટલાક અહેવાલમાં જણાવાયું હતું.

દિલ્હીના પ્રારંભિક પતનનો દોષ પૉન્ટિંગ સ્વીકારે : સેહવાગ

દિલ્હી કૅપિટલ્સની ટીમ શનિવારે સતત પાંચમી મૅચ હારી ગઈ ત્યાર બાદ ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દર સેહવાગે કહ્યું કે ‘દિલ્હીના આ પતનભર્યા આરંભ માટેનો દોષ ટીમના હેડ-કોચ રિકી પૉન્ટિંગે સ્વીકારવો જોઈએ. કોઈ ટીમ જ્યારે જીતે ત્યારે કોચને બિરદાવવામાં આવતા હોય છે, તો પછી પરાજય થાય ત્યારે પણ કોચ જ જવાબદાર ગણાય. મારા મતે દિલ્હીની ટીમ હવે પછી શું કરવું એ બાબતમાં મૂંઝાઈ ગઈ છે.’

 વૉર્નરના નેતૃત્વમાં અમારી દિલ્હી કૅપિટલ્સની ટીમ પાંચેપાંચ મૅચ હારી ગઈ, પણ એ નિરાશા ભૂલીને આ ટીમ બાકીની નવેનવ લીગ મૅચ જીતી શકે એમ છે. અમારો સૌથી ખરાબ સમયગાળો પૂરો થયો અને હવે પછી અમારો સારો સમય જોવા મળશે. સૌરવ ગાંગુલી (દિલ્હીની ટીમના ડિરેક્ટર ઑફ ક્રિકેટ)

વિડિયો-ગ્રૅબ પરથી જાણવા મળ્યા મુજબ મૅચ પછી ગાંગુલીએ પૉન્ટિંગની આડશમાં રહીને કોહલી સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું.

sports news sports cricket news indian premier league royal challengers bangalore sourav ganguly virat kohli