IPL 2023 : કોહલીને એક કરોડ રૂપિયાનો દંડ ભલે કર્યો, બે મૅચ માટે સસ્પેન્ડ પણ કરો

04 May, 2023 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવા અર્થમાં ગાવસકરે સ્ટાર સ્પોર્ટ‍્સ સાથેની મુલાકાતમાં ક્હ્યું : વિરાટને સીઝનના ૧૫ કરોડ રૂપિયા મળે છે એટલે સરેરાશ એક મૅચના તેના ભાગમાં ૮૦ લાખથી ૧ કરોડ રૂપિયા આવે

સુનિલ ગાવસ્કર

ભારતના બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે અઠવાડિયા પહેલાં પંજાબ સામેની ૫૯ રન અને કલકત્તા સામેની ૫૪ રનની ઇનિંગ્સ બદલ રન-મશીન વિરાટ કોહલીનાં ખૂબ વખાણ કર્યાં હતાં, પરંતુ સોમવારે લખનઉમાં કોહલીનો લખનઉ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર સાથે જે વિવાદ થયો એ વિશે કોહલી પર ગાવસકર ગુસ્સામાં છે. બીસીસીઆઇએ કોહલી અને ગંભીર, બેઉની ૧૦૦-૧૦૦ ટકા મૅચ-ફી કાપી નાખી છે. એ ઉપરાંત લખનઉના પેસ બોલર નવીન-ઉલ-હકને ૫૦ ટકા મૅચ ફીનો દંડ કરાયો છે.

બૅન્ગલોરે લખનઉને રોમાંચક મુકાબલામાં હરાવ્યું હતું. મૅચ પછી કોહલી-ગંભીર વચ્ચે (ફુટબૉલના મેદાન પર સામાન્ય રીતે જોવા મળતી હોય એવી) જે અભૂતપૂર્વ તકરાર થઈ એ બાબતમાં સનીએ સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં કહ્યું કે ‘મેં સોમવારની એ મૅચ લાઇવ જોઈ તો નહોતી. માત્ર વિઝ્યુઅલ્સ જોયા છે. જોકે જે કંઈ બની ગયું એ નહોતું બનવું જોઈતું અને ફરી બનવું પણ ન જોઈએ. મને એ નથી સમજાતું કે બીસીસીઆઇએ કોહલી અને ગંભીર, બન્નેને કેમ આટલી ઓછી સજા કેમ કરી?’

બૅન્ગલોરની ટીમનું ફ્રૅન્ચાઇઝી કોહલીને એક સીઝનના ૧૫ કરોડ રૂપિયા આપે છે. જો કોહલી સીઝનમાં ૧૪ લીગ મૅચ અને (બૅન્ગલોરની ટીમ પ્લે-ઑફ તથા ફાઇનલમાં પહોંચે તો) બીજી બે-ત્રણ મૅચ ગણીને કુલ ૧૭ મૅચ રમે એટલે તેને સીઝનના સરેરાશ ૮૦ લાખથી એક કરોડ રૂપિયા મળે.

કોહલી-ગંભીરને બે મૅચ માટે સસ્પેન્ડ કરી દેવાના સંકેત સાથે ગાવસકરે ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘સોમવારની મૅચ પછી જે કંઈ બન્યું એ જરાય સારું ન કહેવાય. ૧૦૦ ટકા મૅચ ફીનો દંડ એટલે વળી શું? ૧૦૦ ટકા મૅચ છે કેટલી? ધારી લઈએ કે કોહલીને સીઝનના ૧૭ કરોડ રૂપિયા મળે છે અને સેમી ફાઇનલ તથા ફાઇનલ સહિત તે કુલ ૧૬ મૅચ રમે તો તે એક મૅચના આશરે એક કરોડ રૂપિયા કમાયો કહેવાય. તેની એક મૅચની ૧૦૦ ટકા મૅચ-ફીનો દંડ એટલે તેના એક કરોડ રૂપિયા કપાઈ ગયા કહેવાય. આ બહુ મોટો દંડ તો કહેવાય, પરંતુ બન્નેને એક-બે મૅચમાંથી નીકળી જવાનું પણ કહેવું જોઈએ. હરભજન સિંહ અને શ્રીસાન્તવાળો કિસ્સો બધાને યાદ હશે જ. અમે રમતા ત્યારે હળવી મજાક થતી, પણ આવી આક્રમકતા ક્યારેય નહોતી જોવા મળી. ટીમને નુકસાન થાય એવું કદી ન કરવું જોઈએ. હવે તો ઝીણું-ઝીણું ટીવી પર બતાવાતું હોય છે. તેમણે આવું કરતાં પહેલાં વિચારવું જોઈએ કે તેમના પર કૅમેરા હશે જ.’

sports news sports cricket news ipl 2023 indian premier league royal challengers bangalore gautam gambhir sunil gavaskar virat kohli lucknow super giants