LSG vs MI: મુંબઈને હવે રોકવું મુશ્કેલ : બીજા પ્લે-ઑફની વહેલી એક્ઝિટ ટાળવાના ટેન્શનમાં લખનઉ

24 May, 2023 11:02 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

આજે ચેન્નઈમાં એલિમિનેટરનો જંગ : જીતશે એ ટીમ શુક્રવારે ક્વૉલિફાયર-ટૂમાં રમશે, હારશે એ થઈ જશે આઉટ

વાનખેડેના વટ પછી આજે ચેન્નઈમાં ચમત્કારની આશા રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સે હૈદરાબાદને હરાવીને પ્લે-ઑફ માટેની આશા જીવંત રાખી અને મોડી રાતે ગુજરાત સામે બૅન્ગલોર હારી જતાં મુંબઈને પ્લે-ઑફમાં આવવા મળ્યું. તસવીર આશિષ રાજે

સૌથી વધુ પાંચ વખત આઇપીએલ-ચૅમ્પિયન બનેલા મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની બૅટિંગ વધુ સારી થઈ હોવાથી પ્લે-ઑફમાં એની નાટ્યાત્મક એન્ટ્રી થઈ હોવાથી આજે ચેન્નઈના એલિમિનેટરમાં એના બૅટર્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના બોલર્સ, જેમાં ખાસ કરીને સ્પિનર્સે કંઈક ચમત્કાર કરી દેખાડવો પડશે. મુંબઈના ખેલાડીઓમાં હવે ભરપૂર આત્મવિશ્વાસ છે અને તેમને હવે રોકવા મુશ્કેલ છે અને બીજી બાજુ લખનઉની ટીમ સતત બીજી સીઝનમાં પ્લે-ઑફમાં પહોંચવા છતાં લાગલગાટ બીજા પ્લે-ઑફની વહેલી એક્ઝિટથી બચવા માગે છે. ગઈ સીઝનમાં લખનઉની ટીમે ડેબ્યુ કર્યું હતું, પણ પ્લે-ઑફના એલિમિનેટરમાં બૅન્ગલોર સામે ૧૪ રનથી હારી જતાં લખનઉએ વહેલું બહાર થઈ જવું પડ્યું હતું.

મુંબઈની ટીમે ગઈ સીઝનમાં સૌથી ખરાબ પર્ફોર્મ કર્યું હતું અને છેક ૧૦મા નંબર પર રહી હતી. જોકે ગુજરાત ટાઇટન્સે રવિવારે આરસીબીને હરાવતાં મુંબઈ માટે મોટો ટર્ન આવી ગયો અને એક્ઝિટને બદલે પ્લે-ઑફમાં ચમત્કારિક એન્ટ્રી થઈ. ઈજાગ્રસ્ત રાહુલની ગેરહાજરીમાં લખનઉની કૅપ્ટન્સી સંભાળી રહેલો ખુદ કૃણાલ પંડ્યા તેમ જ રવિ બિશ્નોઈ, અમિત મિશ્રા, આવેશ ખાન, નવીન-ઉલ-હક જેવા બોલર્સ આજની મૅચ ચેન્નઈની સ્લો પિચ પર રમાવાની હોવા છતાં મુંબઈના સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, ઇશાન કિશન, નેહલ વઢેરા, ટિમ ડેવિડ તેમ જ હવે તો સેન્ચુરિયન કૅમેરન ગ્રીનને પણ હળવાશથી નહીં લઈ શકે. લખનઉની બૅટિંગને ખાસ કરીને ત્રણ વિદેશીઓ કાઇલ માયર્સ (કુલ ૩૬૧ રન), માર્કસ સ્ટોઇનિસ (૩૬૮ રન) અને નિકોલસ પૂરને (૩૫૮ રન) પાવરફુલ બનાવી છે.

જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં મુંબઈની બોલિંગમાં હવે આજે જેસન બેહરનડૉર્ફ તેમ જ અનુભવી પીયૂષ ચાવલા, આકાશ મઢવાલ અને ક્રિસ જૉર્ડન વગેરે બોલર્સની ચેન્નઈમાં ખરી કસોટી છે.
આજે જીતનારી ટીમ શુક્રવારે ક્વૉલિફાયર-ટૂમાં (સેમી ફાઇનલમાં) રમશે અને આજે હારનારી ટીમ ટુર્નામેન્ટની બહાર થઈ જશે.

10
મુંબઈની ટીમ ૧૬ સીઝનમાંથી આટલામી વખત પ્લે-ઑફમાં પહોંચી છે.

 

sports news sports cricket news ipl 2023 indian premier league lucknow super giants mumbai indians