DC vs GT : પંતની હાજરીમાં દિલ્હીને શમી, રાશિદ, અલ્ઝારીએ અંકુશમાં રાખ્યું

05 April, 2023 10:35 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગુજરાતના કૅપ્ટન હાર્દિક પંડ્યાને તેમ જ યશ દયાલને અને જૉશ લિટલને વિકેટ નહોતી મળી

દિલ્હી કૅપિટલ્સનો મુખ્ય કૅપ્ટન રિષભ પંત ગઈ કાલે સ્ટેડિયમમાં આવ્યો હતો.

પાટનગર દિલ્હીમાં ગઈ કાલે ડેવિડ વૉર્નરના સુકાનમાં દિલ્હી કૅપિટલ્સે ગુજરાત ટાઇટન્સના બોલર્સ સામે ખૂબ સંઘર્ષ કર્યો હતો અને છેવટે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૬૨ રનનો સાધારણ સ્કોર નોંધાવી શકી હતી. મોહમ્મદ શમી (૪૧ રનમાં ત્રણ), રાશિદ ખાન (૩૧ રનમાં ત્રણ) અને અલ્ઝારી જોસેફ (૨૯ રનમાં બે)ની અસરદાર બોલિંગને કારણે દિલ્હીની ટીમમાં એકેય હાફ સેન્ચુરી નહોતી જોવા મળી.

ટીમના ટૉપ-સ્કોરર વૉર્નરને ૩૭ રનના તેના સ્કોર પર જોસેફે ક્લીન બોલ્ડ કર્યો હતો તો સેકન્ડ-હાઇએસ્ટ સ્કોરર અને આક્રમક ઇનિંગ્સ રમનાર અક્ષર પટેલ (૩૬ રન, બાવીસ બૉલ, ત્રણ સિક્સર, બે ફોર)ને શમીએ કમબૅકમૅન ડેવિડ મિલરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

ઇનિંગ્સ દરમ્યાન હેલ્મેટ પર બૉલ વાગતાં નજીવી ઈજા પામેલા વિકેટકીપર અભિષેક પોરેલે બે સિક્સરની મદદથી ૨૦ રન બનાવ્યા હતા. ગુજરાતના કૅપ્ટન હાર્દિક પંડ્યાને તેમ જ યશ દયાલને અને જૉશ લિટલને વિકેટ નહોતી મળી, પરંતુ દિલ્હીના બૅટર્સને કાબૂમાં રાખવામાં તેમનું મોટું યોગદાન હતું.

5
ગુજરાતના જૉશ લિટલની બોલિંગમાં સતત આટલા ડૉટ બૉલ પછી એક બાઉન્ડરી ગઈ હતી.

દિલ્હી કૅપિટલ્સનો મુખ્ય કૅપ્ટન રિષભ પંત ગઈ કાલે સ્ટેડિયમમાં આવ્યો હતો. કાખઘોડી સાથે આવેલા પંતે વીઆઇપી સ્ટૅન્ડમાંથી સાથીઓને તેમ જ હજારો ચાહકોને હાથ બતાવીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. પંત કાર-અકસ્માત બાદ પહેલી વાર જાહેરમાં આવ્યો છે. તે આઇપીએલમાં તો નહીં જ રમી શકે, લગભગ ઑક્ટોબરના ઓડીઆઇ વર્લ્ડ કપમાં પણ રમી શકવાનો નથી.  તસવીર twitter.com/DelhiCapitals

sports news sports cricket news ipl 2023 gujarat titans delhi capitals Rishabh Pant hardik pandya mohammed shami indian premier league