18 May, 2023 10:40 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
મંગળવારે લખનઉમાં મુંબઈ સામેના રોમાંચક વિજય બાદ ચાહકોનો આભાર માનવા લખનઉ સુપર જાયન્ટ્સે વિજયી પરેડ કાઢી હતી. તસવીર પી.ટી.આઇ.
લખનઉ સુપર જાયન્ટ્સે મંગળવારે લખનઉમાં મુંબઈ ઇન્ડિયન્સને પાંચ રનથી હરાવ્યું હતું. આ જીત સાથે લખનઉ ૧૫ પૉઇન્ટ સાથે ચેન્નઈની બરાબરીમાં આવી ગયું છે અને ત્રીજા નંબરે આવી ગયું છે. મુંબઈ ચોથા નંબરે હોવા છતાં એને માટે હવે પ્લે-ઑફ થોડું મુશ્કેલ થઈ ગયું છે.
મંગળવારે લખનઉએ માર્કસ સ્ટૉઇનિસ (૮૯ અણનમ, ૪૭ બૉલ, આઠ સિક્સર, ચાર ફોર)ની કરીઅર-બેસ્ટ ઇનિંગ્સની મદદથી તેમ જ કૅપ્ટન કૃણાલ પંડ્યા (૪૯ રિટાયર્ડ હર્ટ, ૪૨ બૉલ, એક સિક્સર, એક ફોર) વચ્ચેની ત્રીજી વિકેટ માટેની ૮૨ રનની ભાગીદારીની મદદથી ૩ વિકેટે ૧૭૭ રન બનાવ્યા બાદ મુંબઈની ટીમ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૨ રન બનાવી શકી હતી. એમાં ઈશાન કિશન (૫૯ રન, ૩૯ બૉલ, એક સિક્સર, આઠ ફોર), રોહિત શર્મા (૩૭ રન, પચીસ બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) અને ટિમ ડેવિડ (૩૨ અણનમ, ૧૯ બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)નાં સૌથી મોટાં યોગદાન હતાં. રોહિત-કિશન વચ્ચે ૯૦ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. જોકે ૯૦ રનની આ ભાગીદારી પછી મુંબઈએ બીજા ૫૪ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. લખનઉના બોલર્સમાં ખાસ કરીને રવિ બિશ્નોઈની બોલિંગ અસરદાર હતી, પરંતુ મુંબઈના મોટા ભાગના બૅટર્સે વિકેટ ફેંકી દીધી હતી.
૨૦મી ઓવરની જવાબદારી લખનઉના કૅપ્ટન કૃણાલ પંડ્યાએ યુવા લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર મોહસિન ખાનને સોંપી હતી અને તેની એ ઓવરમાં મુંબઈના કૅમેરન ગ્રીનની સ્લો બૅટિંગને કારણે તેમ જ પિંચ-હિટર ટિમ ડેવિડને ૬માંથી ફક્ત બે બૉલ રમવા મળતાં મુંબઈ જીતવા માટેના જરૂરી ૧૧ને બદલે પાંચ રન બનાવી શક્યું અને છેવટે પાંચ રનથી પરાજિત થયું હતું. રવિ બિશ્નોઈએ ૨૬ રનમાં બે વિકેટ, યશ ઠાકુરે ૪૦ રનમાં બે વિકેટ અને ૨૦મી ઓવરના હીરો મોહસિન ખાને ૨૬ રનમાં એક વિકેટ લીધી હતી. કૃણાલ, નવીન-ઉલ-હક અને સ્વપ્નિલ સિંહને વિકેટ નહોતી મળી.
કમનસીબે અમે લખનઉ સામે હારી ગયા. જોકે અમારી ટીમે માથું ઊંચું રાખવું પડશે. હવે અમારે રવિવારે વાનખેડેમાં હૈદરાબાદ સામે જીતવું જ પડશે. - રોહિત શર્મા