17 May, 2023 11:27 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
અર્જુન તેન્ડુલકર
ગઈ કાલે લખનઉમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચ ખાસ કરીને સ્પિનર્સને મદદરૂપ થનારી પિચ પર રમાવાની હોવાથી લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર અર્જુન તેન્ડુલકરના રમવાની સંભાવના હતી તો ઓછી, પરંતુ આગલા દિવસે (સોમવારે) લખનઉમાં તેને કડવો અનુભવ થયો હતો. લખનઉના ફ્રૅન્ચાઇઝીએ ટ્વિટર પર પોસ્ટ કરેલા વિડિયોમાં અર્જુન તેના મિત્રો યુધવીર સિંહ અને મોહસિન ખાનને ડાબો હાથ (બોલિંગવાળો હાથ) બતાવતાં કહી રહ્યો હતો કે કૂતરો કરડ્યો હોવાથી મને હાથમાં થોડો દુખાવો છે.
રવિવારે અર્જુન લખનઉના સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કર્યા પછી બહાર એક દુકાનમાં બન-મસકા ખાઈ રહ્યો હતો ત્યારે એક ડૉગે તેના હાથ પર બચકું ભર્યું હતું. લખનઉ શહેરમાં સ્ટ્રીટ ડૉગ્સથી શહેરીજનો ત્રાસી ગયા છે. કૂતરા કરડવાના શહેરમાં ઘણા બનાવ બન્યા છે જેમાંના એક બનાવમાં મહિલાનું મૃત્યુ થયું હતું. લખનઉમાં નગરપાલિકાના કર્મચારીઓ કૂતરા વિશેની ફરિયાદ મળવાને પગલે લોકોની સલામતી માટે ત્વરિત પગલાં લેતા જ હોય છે. અર્જુન તેન્ડુલકરને કૂતરું કરડ્યું હોવાના બનાવને કર્મચારીઓએ ગંભીરતાથી લીધો છે અને રસ્તે રખડતા કૂતરાઓને શેલ્ટરમાં મોકલી રહ્યા છે.