મૅચ પહેલાં મનોરંજન : અમદાવાદમાં આવતી કાલે ડબલ બોનાન્ઝા

30 March, 2023 01:06 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

આઇપીએલની પ્રારંભિક મૅચ પહેલાંની ઓપનિંગ સેરેમનીમાં સાઉથની હિરોઇન રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયા પર્ફોર્મન્સ સાથે ક્રિકેટ-ફૅન્સને કરશે ઘાયલ : અરિજિત સિંહનો ૩૦ મિનિટનો લાઇવ પર્ફોર્મન્સ

અમદાવાદના સ્ટેડિયમમાં કૉમેન્ટરી બૉક્સની બાજુના સ્ટૅન્ડમાં ઊંચું સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. સ્ટેજની હાઇટ એટલી ઊંચી છે કે સ્ટેડિયમમાં બેઠેલા તમામ દર્શકો કલાકારોના પર્ફોર્મન્સ જોઈ શકશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતી કાલે પ્રથમ વાર આઇપીએલની ઓપનિંગ સેરેમની અને ઓપનિંગ મૅચ યોજાશે, જેમાં ક્રિકેટ-ફૅન્સને મૅચ સાથે મનોરંજનનો મહાથાળ માણવા મળશે. અમદાવાદમાં પહેલી વાર સાઉથની હાર્ટથ્રોબ હિરોઇન રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયા ધમાકેદાર પર્ફોર્મન્સ આપશે. એટલું જ નહીં, સિંગર અરિજિત સિંહ પહેલી વાર આઇપીએલની ઓપનિંગ સેરેમનીમાં અડધો કલાક લાઇવ પર્ફોર્મ કરીને ચાહકોને સૂરોથી ડોલાવશે.

આવતી કાલે આઇપીએલ ૨૦૨૩ની સીઝન શરૂ થશે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મૅચ રમાશે. હાર્દિક પંડ્યા ગુજરાતની ટીમનો અને ભારતીય લેજન્ડ મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈનો કૅપ્ટન છે. એક લાખથી વધુ પ્રેક્ષકોની સંખ્યાની દૃષ્ટિએ વિશ્ના સૌથી મોટા આ ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી વાર આઇપીએલની ઓપનિંગ સેરેમની યોજાશે, જેને યાદગાર બનાવવા માટે કોઈ કસર બાકી રાખવામાં નહીં આવે.

સૂત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ક્રિકેટચાહકોને મૅચના આરંભ પહેલાં મનોરંજનની મહેફિલ માણવા મળશે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સહિત દેશમાં સાઉથની ફિલ્મોનાં ગીતોએ લોકચાહના મેળવી હોવાથી અને સાઉથનાં સૉન્ગ્સ હમણાં ફેસમ હોવાથી આ સેરેમનીમાં સાઉથની ટોચની બે હિરોઇન રશ્મિકા મંધાના અને તમન્ના ભાટિયા કોરિયોગ્રાફર શામક દાવરના ગ્રુપ સાથે વીસેક મિનિટ સુધી બૉલીવુડ અને સાઉથની મેલડી પર પર્ફોર્મ કરશે. સાંજે ૬ વાગ્યે કાર્યક્રમ શરૂ થશે. એકંદરે ૪૫થી ૬૦ મિનિટનો ઓપનિંગ સેરેમની કાર્યક્રમ યોજાશે.’

5

આટલાં વર્ષે આઇપીઅેલમાં ઓપનિંગ સેરેમની યોજાઈ રહી છે જેમાં ટાઇગર શ્રોફ અને કૅટરિનાના પર્ફોર્મ કરવા વિશે પણ ચર્ચા છે.

sports news sports cricket news t20 indian premier league arijit singh chennai super kings gujarat titans ahmedabad shailesh nayak motera stadium ipl 2023