CSK vs GT : ફાઇનલમાં પહેલી વાર યોજાશે ડિજિટલ લાઇટ શો

28 May, 2023 08:39 AM IST  |  Mumbai | Shailesh Nayak

આઇસીસી, એશિયન ક્રિકેટ કાઉન્સિલ, એમસીએ સહિત જુદાં-જુદાં સ્ટેટ ક્રિકેટ અસોસિએશનના હોદ્દેદારોને આમંત્રણ, મનોરંજન કાર્યક્રમને લઈને પ્રેક્ષકોને બપોરે સાડાત્રણ વાગ્યાથી સ્ટેડિયમમાં અપાશે એન્ટ્રી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લગાડવામાં આવેલાં ગુજરાતના કૅપ્ટન હાર્દિક પંડ્યા અને ચેન્નઈના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનાં પોસ્ટર.

ગુજરાતના અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આઇપીએલની ફાઇનલ મૅચનો રોમાંચક મુકાબલો યોજાશે. આ મુકાબલા પહેલાં આઇપીએલની ફાઇનલ મૅચમાં પહેલી વાર ડિજિટલ લાઇટ શો યોજાશે. ક્રિકેટ ચાહકોને એન્ટરટેઇનમેન્ટ અને ફાઇનલ મૅચનો ડબલ ડોઝ મળવાનો હોવાથી પ્રેક્ષકોને બપોરે સાડાત્રણ વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી અપાશે. આ ફાઇનલ મૅચનો રોમાંચ માણવા માટે આઇસીસી, એશિયન ક્રિકેટ કાઉન્સિલ, એમસીએ સહિત ભારતનાં જુદાં-જુદાં સ્ટેટ ક્રિકેટ અસોસિએશનના ડિગ્નિટીઝ અને વીવીઆઇપીઓને આમંત્રિત કરાયા છે.

ગુજરાત ક્રિકેટ અસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફાઇનલ મૅચ પહેલાં સમાપન સમારોહમાં પોણો કલાક એન્ટરટેઇનમેન્ટ કાર્યક્રમ યોજાશે, જેમાં પહેલી વાર ભારતમાં ડિજિટલ લાઇટ શો યોજાશે. આ લાઇટ શો જોવાનો લહાવો અનેરો હશે. આ ઉપરાંત ફાયર વર્ક્સ થશે. મૅચ પૂરી થયા બાદ પણ આતશબાજી થશે. આ શો ઉપરાંત ગીત-સંગીતનો કાર્યક્રમ યોજાશે. મૅચ પહેલાં સમાપન સમારોહમાં મનોરંજન કાર્યક્રમનું આયોજન કર્યું હોવાથી પ્રેક્ષકોને બપોરે સાડાત્રણ વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે.’

તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે ભારતનાં દરેક સ્ટેટ ક્રિકેટ અસોસિએશનના પ્રેસિડન્ટ, સેક્રેટરી ઉપરાંત આઇસીસી તેમ જ એશિયન ક્રિકેટ કાઉન્સિલના મેમ્બર્સને ઇન્વાઇટ કર્યા છે. પહેલી વાર એમસીએના હોદ્દેદારો પણ આવશે. જયભાઈએ એમસીએના બધા અધિકારીઓ અને કોચીસને ઇન્વાઇટ કર્યા છે. આ ઉપરાંત અમેરિકન ડેલીગેશન સહિત અંદાજે ૫૦૦ જેટલા વીવીઆઇપી અને ડિગ્નિટીઝ ફાઇનલ મૅચ જોવા આવશે. ફાઇનલ મૅચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બધી વ્યવસ્થા કરી છે, જેથી આમંત્રિતો અને પ્રેક્ષકો મૅચ સારી રીતે જોઈ શકે અને કોઈ મુશ્કેલી પડે નહીં.’

મહેન્દ્ર  સિંહ ધોની અને હાર્દિક પંડ્યાની ટીમ વચ્ચે ફાઇનલ ટક્કર હોવાથી ક્રિકેટ ફૅન્સમાં એની ભારે ઉત્કંઠા છે અને ટિકિટ મેળવવા દોડાદોડી કરી મૂકી છે ત્યારે અનિલ પટેલે એની વ્યવસ્થાની બાબતે કહ્યું હતું કે ‘અમારી ધારણા છે કે ફાઇનલ મૅચમાં એક લાખથી વધુ પ્રેક્ષકો સ્ટેડિયમમાં મઈચ જોવા આવશે. જે લોકોએ ઑનલાઇન ડિજિટલ ટિકિટ લીધી છે તેમના માટે સ્ટેડિયમ પર બૉક્સ ઑફિસમાં ૨૦ વિન્ડો ખોલીને ટિકિટો ઇશ્યુ કરી હતી. એ ઉપરાંત ગાંધીનગર રોડ પર પણ ટિકિટ મળી રહે એની વ્યવસ્થા કરી હતી.’

વરસાદ પડે તો શું?

મુંબઈ અને ગુજરાત વચ્ચેની મૅચ વરસાદને કારણે અડધો કલાક મોડી શરૂ થઈ હતી, પરંતુ આજની મૅચમાં વરસાદ પડે તો શું એવો સવાલ ક્રિકેટરસિકોના મનમાં થાય છે. આઇપીએલના નિયમ મુજબ ફાઇનલમાં જો વરસાદ પડ્યો તો ૯.૪૦ સુધી રાહ જોવામાં આવશે. જો રાત્રે ૯.૪૦ બાદ મૅચ શરૂ થઈ તો ઓવરો ઘટાડવામાં આવશે, પરંતુ જો કોઈક કારણસર ૧૧.૫૬ સુધી મૅચ ન થઈ તો રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. એથી લીગ મૅચો દરમ્યાન સૌથી વધુ પૉઇન્ટ મેળવનારને વિજેતા જાહેર કરાશે. આમ આવા સંજોગોમાં ગુજરાતને ચૅમ્પિયન જાહેર કરાશે.

જીતનાર ટીમને મળશે ૨૦ કરોડ રૂપિયા

આઇપીએલ ૨૦૨૩માં જીતનાર ટીમને ૨૦ કરોડ રૂપિયાનું ઇનામ મળશે તો રનર્સ અપ ટીમને ૧૩ કરોડ રૂપિયા આપવામાં આવશે. ૨૦૧૬થી ઇનામની આ રકમ નક્કી કરવામાં આવી છે.  ત્રીજા ક્રમાંકે આવનાર મુંબઈની ટીમને ૭ કરોડ તો ચોથા ક્રમાંકે આવનાર લખનઉની ટીમને ૬.૫ કરોડ રૂપિયા મળશે. ઑરેન્જ કૅપ અને પર્પલ કૅપના વિજેતાઓને ૧૫-૧૫ લાખ રૂપિયા તેમ જ ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ સીઝનના ૧૫ લાખ અને મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર ઑફ ધ સીઝનને ૧૨ લાખ રૂપિયા આપવામાં આવશે.

sports sports news cricket news indian premier league ipl 2023 gujarat titans chennai super kings motera stadium ahmedabad shailesh nayak