PBKS vs RCB : પંજાબ માટે હવે વિજયની હૅટ-ટ્રિક જરૂરી, પણ આજે બૅન્ગલોર બાજી બગાડી શકે

13 May, 2022 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પંજાબે પ્લે-ઑફની આશા જીવંત રાખવા આજે જીતવું જરૂરી છે

૨૭ માર્ચે ડી. વાય. પાટીલમાં ઑડિયન સ્મિથે ૮ બૉલમાં ત્રણ સિક્સરની મદદથી અણનમ પચીસ રન બનાવીને પંજાબને બૅન્ગલોર સામે રોમાંચક વિજય અપાવ્યો હતો. સિરાજની ૧૮મી ઓવરમાં બનેલા પચીસ રન બૅન્ગલોરને ભારે પડ્યા હતા. (તસવીર : બીસીસીઆઇ/આઇપીએલ)

બ્રેબર્ન સ્ટેડિયમમાં આજે એવી બે ટીમ વચ્ચે ટક્કર છે જેમાંની એક ટીમ (રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર) છેલ્લી કેટલીક મૅચ જીતીને ફરી જુસ્સેદાર બની છે, જ્યારે બીજી ટીમ (પંજાબ કિંગ્સ) થોડા દિવસથી સતત સારું ન રમતી હોવાથી હવે એણે બાકીની ત્રણેય મૅચ જીતવાનો સમય આવી ગયો છે અને એ મિશન એણે આજે શરૂ કરવાનું છે. જોકે છેલ્લી ત્રણમાંની આજની પહેલી જીત મેળવતાં પંજાબના નાકે દમ આવી શકે.

પંજાબની ટીમ અગિયારમાંથી પાંચ જ મૅચ જીતી શકી છે અને ૬ હારી છે. બૅન્ગલોરે ૧૨માંથી ૭ મૅચમાં વિજય મેળવ્યો છે અને પાંચમાં પરાજય જોયો છે.

ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ કોહલીની સરિયામ નિષ્ફળતાને બાદ કરતાં બૅન્ગલોરના મોટા ભાગના બૅટર્સ ફૉર્મમાં છે. નવોદિત રજત પાટીદાર અને મહિપાલ લૉમરોરે કૅપ્ટન ફૅફ ડુ પ્લેસી અને ગ્લેન મૅક્સવેલને બૅટિંગમાં સારો સપોર્ટ આપ્યો છે. દિનેશ કાર્તિકની તો વાત જ શું કરવી! ગુજરાતના રાહુલ તેવતિયાની જેમ કાર્તિક આ ટુર્નામેન્ટના બેસ્ટ ફિનિશર તરીકે ઓળખાય છે.

બૅન્ગલોરનો બોલિંગ-પાવર
જૉશ હેઝલવુડ સારા ફૉર્મમાં છે અને હર્ષલ પટેલ હંમેશની માફક ભરોસાપાત્ર છે. મોહમ્મદ સિરાજ તેના બેસ્ટ ફૉર્મમાં નથી, પરંતુ ટીમ માટે મોટા ભાગે ઉપયોગી તો થયો જ છે.
વનિન્દુ હસરંગા ૨૧ વિકેટ સાથે આ સીઝનના ટોચના બોલર્સમાં સામેલ છે એટલે બૅન્ગલોરને સાધારણ ટાર્ગેટ પણ ડિફેન્ડ કરવામાં ચિંતા જેવું નહીં રહે.

પંજાબ બીજી વાર જીતશે?
પંજાબ કિંગ્સે આ સીઝનમાં બૅન્ગલોરને હરાવીને જ શરૂઆત કરી હતી. જોકે આજે પંજાબ હારશે તો એ એની હૅટ-ટ્રિક હાર કહેવાશે અને આજથી શરૂઆત કરીને હૅટ-ટ્રિક જીત મેળવવાના એના મિશનને મોટો ઝટકો લાગશે.

પંજાબને બૅટિંગમાં શિખર ધવન, ભાનુકા રાજાપક્સા, લિઆમ લિવિંગસ્ટન અને જિતેશ શર્માનો સહિયારો બૅટિંગ-પ્રયત્ન આજે જિતાડી શકે. જૉની બેરસ્ટૉ પણ ફૉર્મ પાછું મેળવી રહ્યો છે.
બોલિંગમાં સંદીપ શર્મા પર સૌથી વધુ ભરોસો પંજાબની ટીમ કદાચ ન પણ કરે, પરંતુ કુલ ૧૮ વિકેટ લઈ ચૂકેલા કૅગિસો રબાડા અને અર્શદીપ સિંહ પર ખાસ કરીને ડેથ ઓવર્સમાં મદાર રાખી શકાશે.

ટૂંકમાં, પંજાબે પ્લે-ઑફની આશા જીવંત રાખવા આજે જીતવું જરૂરી છે.

sports sports news cricket news indian premier league ipl 2022 punjab kings royal challengers bangalore