DC vs RR : અશ્વિનનું વિચિત્ર બૅટિંગ-સ્ટાન્સ

13 May, 2022 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અશ્વિને ૩૮ બૉલમાં બે સિક્સર અને ચાર ફોરની મદદથી ૫૦ રન બનાવ્યા હતા

બુધવારે દિલ્હી સામેના મુકાબલા દરમ્યાન કુલદીપ યાદવની ઓવર વખતે વિચિત્ર સ્ટાન્સમાં ઊભેલો રવિચન્દ્રન અશ્વિન.

આઇપીએલ ચાલતી હોય અને રવિચન્દ્રન અશ્વિન ચર્ચામાં ન આવે એવું બને જ નહીં. બુધવારે પણ એને લગતો એક ‘આઉટ-ઑફ-બૉક્સ’નો કિસ્સો બની ગયો.

વિશ્વના ટોચના સ્પિનરોમાં ગણાતા અશ્વિને ૨૦૧૯ની સીઝનની એક મૅચમાં પોતે બૉલ ફેંકે એ પહેલાં ઇંગ્લૅન્ડનો જૉસ બટલર નૉન-સ્ટ્રાઇકર્સ એન્ડ પરથી રન દોડવા બહાર નીકળી ગયો અને અશ્વિને તેને આઉટ કરી દેતાં વિવાદ થયો હતો. ‘માંકડેડ’ તરીકે જાણીતા એ પ્રકારના રનઆઉટને હવે તો કાયદેસરનું રૂપ મળી ગયું છે અને અશ્વિનની સાથે બટલર પણ આ વખતે રાજસ્થાન રૉયલ્સની ટીમમાં એકમેકના સાથી છે. બીજું, આ સીઝનમાં અશ્વિને ‘રિટાયર્ડ આઉટ’ની નવી પ્રથા શરૂ કરી છે. ૧૨ એપ્રિલે અશ્વિન આઇપીએલમાં ‘રિટાયર આઉટ’ થનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. લખનઉ સામેની મૅચમાં અશ્વિન ૨૮ રન પર હતો ત્યારે તે ૧૯મી ઓવરમાં પોતાને ‘રિટાયર્ડ આઉટ’ જાહેર કરીને નીકળી ગયો હતો અને તેના સ્થાને રિયાન પરાગ બૅટિંગમાં આવી શક્યો હતો.

બુધવારે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં રાજસ્થાન રૉયલ્સના અશ્વિનને બટલરની વિકેટ પડ્યા પછી બૅટિંગ લાઇન-અપમાં (વનડાઉનમાં) પ્રમોટ કરવામાં આવ્યો હતો. ૩૫ વર્ષના અશ્વિનને ‘પિંચ-હિટર’ તરીકે ત્રીજા નંબરે મોકલવામાં આવ્યો હતો. અશ્વિને પાવરપ્લેની એ ઓવર્સમાં આવતાવેંત ચોક્કા-છગ્ગા ફટકાર્યા હતા. જોકે એક તબક્કે અશ્વિન રમૂજી કહેવાય એવા સ્ટાન્સમાં ઊભેલો જોવા મળ્યો હતો. કહેવાય છે કે તે લેફ્ટ-આર્મ સ્પિનર કુલદીપ યાદવની એકાગ્રતા તોડવા વિચિત્ર સ્ટાન્સમાં ઊભો રહી ગયો હતો.

અશ્વિને ૩૮ બૉલમાં બે સિક્સર અને ચાર ફોરની મદદથી ૫૦ રન બનાવ્યા હતા અને આઇપીએલમાં પોતાની પહેલી હાફ સેન્ચુરી પૂરી કર્યા પછી મિચલ માર્શના બૉલમાં ડેવિડ વૉર્ડરને મિડ-ઑફ પર કૅચ આપી બેઠો હતો.

400
ડેવિડ વૉર્નરે બુધવારે આ સીઝનમાં આટલા રન પૂરા કર્યા હતા. તેણે કુલ આઠ સીઝનમાં ૪૦૦ કે એથી વધુ રન બનાવ્યા છે ઃ ૨૦૧૩, ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬, ૨૦૧૭, ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૨.

4000
રિષભ પંત બુધવારે ટી૨૦ ક્રિકેટમાં આટલા રનના આંક પર પહોંચી ગયો હતો.

2
રાજસ્થાનનો જૉસ બટલર બુધવારે માત્ર આટલામી વાર પોતાના ૧૦થી ઓછા સ્કોર પર આઉટ થયો હતો. સૌથી વધુ ૬૨૫ રન બદલ આ વખતે ઑરેન્જ કૅપ તેની પાસે છે.

"આ સીઝનની શરૂઆતમાં જ કહી દેવાયેલું કે મને ટૉપ-ઑર્ડરમાં મોકલવામાં આવશે. મેં કેટલીક પ્રૅક્ટિસ મૅચમાં ઓપનિંગમાં બૅટિંગ કરી હતી અને મને એ ક્રમે રમવાની બહુ મજા આવી હતી." : રવિચન્દ્રન અશ્વિન

રાજસ્થાન સામે દિલ્હીનો મિચલ માર્શ મૅન ઑફ ધ મૅચ

બુધવારે રાજસ્થાનને ૧૬૦/૬ના સ્કોર સુધી સીમિત રખાવવામાં ચેતન સાકરિયા (૪-૦-૨૩-૨) અને ઍન્રિક નૉર્કિયા (૪-૦-૩૯-૨) ઉપરાંત ઑલરાઉન્ડર મિચલ માર્શ (૩-૦-૨૫-૨)નું પણ મોટું યોગદાન હતું. દિલ્હીએ જવાબમાં ૧૮.૧ ઓવરમાં માત્ર બે વિકેટે ૧૬૧ રન બનાવી લીધા હતા. મિચલ માર્શ (૮૯ રન, ૬૨ બૉલ, સાત સિક્સર, પાંચ ફોર) ૧૧ રન માટે સદી ચૂકી ગયો હતો, પરંતુ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. તેની અને ડેવિડ વૉર્નર વચ્ચે બીજી વિકેટ માટે ૧૪૩ રનની ભાગીદારી થઈ હતી. કૅપ્ટન રિષભ પંત બે સિક્સરથી બનેલા ૧૩ રને અણનમ રહ્યો હતો.

sports sports news cricket news indian premier league ipl 2022 rajasthan royals delhi capitals ravichandran ashwin