CSK vs DC : ડેવોનના દમ પર ચેન્નઈના ૨૦૮

09 May, 2022 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડરે ફૉર્મ જાળવી રાખતાં ફટકાર્યા ૪૯ બૉલમાં ૮૭ રન

ડેવોન કૉન્વે

ગઈ કાલે વાનખેડેમાં દિલ્હી સામે ચેન્નઈએ શાનદાર પર્ફોર્મ કરતાં ૬ વિકેટે ૨૦૮ રન બનાવ્યા હતા. ટૉસ હાર્યા બાદ પ્રથમ બૅટિંગનું આમંત્રણ મળ્યા બાદ ઓપનર ડેવોન કૉન્વે (૮૭ રન, ૪૯ બૉલ, પાંચ સિક્સર, સાત ફોર) અને ઋતુરાજ ગાયકવાડે (૪૧) ૧૧૦ રનની ઓપનિંગ પાર્ટનરશિપ સાથે મજબૂત શરૂઆત કરી હતી. ત્યાર બાદ શિવમ દુબે (૧૯ બૉલમાં ૩૨), મહેન્દ્ર સિંહ ધોની (૮ બૉલમાં ૨૧)ની ફટકાબાજીને લીધે ચેન્નઈ ૨૦૮ રનનો મસમોટો સ્કોર ખડકી શક્યું હતું. દિલ્હી વતી ઍન્રિકૈૈૈ નૉર્કિયાએ ૩ અને ખલીલ અહમદે બે વિકેટ લીધી હતી. 

કોરોનાએ ફરી દિલ્હીને ડરાવ્યા

દિલ્હી કૅમ્પમાં કોરોનાએ ફરી એન્ટ્રી મેળવીને ચેન્નઈ સામેની મૅચ વિશે શંકા જન્માવી હતી. દિલ્હીનો એક નેટ બોલરનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવતાં ખેલાડીઓને તરત પોતપોતાની રૂમમાં આઇસોલેટ કરી દેવામાં આવ્યા હતા. બીજા રાઉન્ડની ટેસ્ટ બાદ જ ચેન્નઈ સામેની મૅચ માટે ગ્રીન સિગ્નલ મળ્યું હતું. આ પહેલાં પણ દિલ્હી કૅમ્પમાં ફિ‍ઝિયો તેમ જ મિચલ માર્શ, ટીમ સેફર્ટ ઉપરાંત ત્રણ નૉન-પ્લેઇંગ ખેલાડીઓનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેમની મૅચો પુણેમાંથી મુંબઈમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી.  

પૃથ્વી શૉ તાવને લીધે હૉસ્પિટલમાં, જોકે કોરોના-રિપોર્ટ નેગેટિવ

દિલ્હીના ઓપનર બૅટર પૃથ્વી શૉને ગઈ કાલે સખત તાવને લીધે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પૃથ્વી આ પહેલાં હૈદરાબાદની મૅચ પણ નહોતો રમી શક્યો. જોકે રાહતની બાબત એ છે કે તેનો કોરોના-રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

sports sports news cricket news indian premier league ipl 2022 chennai super kings delhi capitals