આઇપીએલ કદાચ ૨૭ માર્ચથી શરૂ થશે

23 January, 2022 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં યોજવાનું શક્ય નહીં બને તો યુએઈ અને સાઉથ આફ્રિકામાં થઈ શકે છે આયોજન

ફાઇલ તસવીર

ક્રિકેટ વેબસાઇટ ક્રિકઇન્ફોના અહેવાલ પ્રમાણે આઇપીએલની ૧૫મી સીઝન ૨૭ માર્ચથી શરૂ થઈ શકે છે અને મે મહિનાના અંતમાં પૂરી થશે. વેબસાઇટના અહેવાલ અનુસાર ગઈ કાલે ૧૦ ટીમ સાથેની એક મીટિંગમાં આઇપીએલના અધિકારીઓએ તેમને આગામી ૧૫મી સીઝન ૨૭ માર્ચથી શરૂ કરવાના આયોજન વિશે માહિતી આપી હતી. 
અધિકારીઓએ ટીમને આ સીઝન ભારતમાં અને ખાસ કરીને મુંબઈમાં જ રમાડવાનું આયોજન થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. જો માર્ચ સુધીમાં કોરોનાનો પ્રકોપ કન્ટ્રોલમાં આવી જશે તો અમુક મૅચો ખાસ કરીને પ્લે-ઑફ રાઉન્ડ અમદાવાદમાં રમાડી શકાય છે. જો કોરોનાનો કેર વધી ગયો તો આ વર્ષે પણ બૅકઅપ પ્લાન તરીકે આઇપીએલને ભારતની બહાર રમાડવા વિશે વિચારણા ચાલી રહી છે. જો એમ થયું તો એ માટે પહેલી પસંદગી જ્યાં છેલ્લી બે સીઝનનું આયોજન થયું છે એ યુએઈ છે. એ ઉપરાંત સાઉથ આફ્રિકામાં પણ આયોજન થઈ શકે છે. જોકે આ માટેનો ફાઇનલ નિર્ણય ૨૦ ફેબ્રુઆરી સુધીમાં લેવાઈ જશે. 
મુંબઈમાં વાનખેડે, બ્રેબૉર્ન અને ડી. વાય. પાટીલ એમ ત્રણ-ત્રણ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ હોવાથી ટીમમાં કોરોનાના માહોલમાં વધુ ટ્રાવેલ ન કરવું પડે એ માટે મુંબઈમાં જ આખી ૧૫મી સીઝન રમાડવાની યોજના ઘડાઈ રહી છે. જરૂર પડે તો મુંબઈની નજીક પુણેમાં પણ અમુક મૅચો યોજાઈ શકે છે. 

sports sports news indian premier league ipl 2022