IPL 2022 : આઇપીએલમાં ‘હાર્દિકોત્સવ’

12 May, 2022 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સીમાં નવી ટીમ ગુજરાત ટાઇટન્સ પ્લે-ઑફમાં જનારી પહેલી ટીમ બની ઃ નામાંકિત ખેલાડીઓએ તેના સુકાનનાં ભરપેટ વખાણ કર્યાં

ગુજરાત ટાઇટન્સની ટીમ

ગુજરાત ટાઇટન્સ નામની નવી આઇપીએલ-ટીમ પહેલી જ સીઝનમાં સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કરીને પ્લે-ઑફમાં જનારી પહેલી ટીમ બનશે એવી કોઈએ કલ્પના પણ નહીં કરી હોય, પરંતુ મંગળવારે એ વાસ્તવિકતા હતી. સીઝનની બીજી નવી અને બીજી બેસ્ટ ટીમ લખનઉ સુપર જાયન્ટ્સને ગુજરાતે ૬૨ રનના તોતિંગ માર્જિનથી હરાવ્યું હતું અને એ સાથે ગુજરાત ૧૮ પૉઇન્ટ અને ૦.૩૭૬ના નેટ રન-રેટ સાથે સત્તાવાર રીતે પ્લે-ઑફમાં જનારી પ્રથમ ટીમ બની હતી.

હાર્દિકના સુકાનમાં ગુજરાતની ટીમ ૧૨માંથી સૌથી વધુ ૯ મૅચ જીતી છે. હાર્દિકની કૅપ્ટન્સીની ખૂબ પ્રશંસા થઈ રહી છે અને કેટલાક તો તેને ભારતના ભાવિ સુકાની તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે. ગુજરાતની ટીમમાં સેકન્ડ-હાઇએસ્ટ ૩૪૪ રન બનાવવા ઉપરાંત ચાર વિકેટ લઈ ચૂકેલા હાર્દિકે કૅપ્ટન તરીકે પહેલી જ આઇપીએલમાં અસાધારણ પર્ફોર્મન્સથી ગુજરાતી પ્રજાનું, ગુજરાત રાજ્યનું અને ગુજરાત ટાઇટન્સનું ગૌરવ વધાર્યું છે.

સુનીલ ગાવસકરે શું કહ્યું?
હાર્દિક પંડ્યાની મહેનત જોઈને તેને ‘હૅટ્સ-ઑફ’ કહેવાનું મન થાય છે. ઈજાને કારણે તે આઇપીએલની આ સીઝન પહેલાં મહિનાઓ સુધી રમ્યો જ નહોતો અને હવે જુઓ તેની બૅટિંગમાં કેવી સરસ શિસ્ત (સમજદારી) જોવા મળી રહી છે. પાવરપ્લેમાં તે સારું રમી રહ્યો છે અને ફીલ્ડિંગનાં નિયંત્રણોનો પૂરો લાભ લઈ રહ્યો છે. તેની ફીલ્ડિંગ ખૂબ જ સારી છે અને દરેક મૅચમાં તેની કૅપ્ટન્સીમાં અને તેના પર્ફોર્મન્સમાં સુધારો જોવા મળી રહ્યો છે.’

હરભજન પણ આફરીન
મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં હાર્દિક સાથે રમી ચૂકેલા નિવૃત્ત ખેલાડી હરભજન સિંહે કહ્યું, ‘ગુજરાતની કૅપ્ટન્સી સંભાળવામાં હાર્દિક એક પ્રકારની આઝાદી મહેસૂસ કરવાને કારણે પર્ફોર્મન્સમાં સુધારો પણ બતાવી રહ્યો છે. આ સીઝનમાં મારી દૃષ્ટિએ તે સર્વશ્રેષ્ઠ સુકાની છે. તે પૂરી જવાબદારીપૂર્વક રમીને સાથીઓને મોટિવેટ કરવાની સાથે સારી બૅટિંગ કરી રહ્યો છે અને પૂરી ૪ ઓવર બોલિંગ પણ કરી રહ્યો છે.’

હેડને પણ કર્યાં વખાણ
૨૦૧૦માં ધોનીના સુકાનમાં ટ્રોફી જીતનાર ચેન્નઈની ટીમના ખેલાડી મૅથ્યુ હેડને સ્ટાર સ્પોર્ટ્સ પરના ક્રિકેટ લાઇવ શોને સંબોધતાં કહ્યું, ‘હાર્દિકમાં મને લીડર તરીકેના બધા જ સારા ગુણો દેખાઈ રહ્યા છે. તે મોટી-મોટી ટીમો સામે સારું રમી રહ્યો છે. સારા ક્રિકેટરો, સારા કૅપ્ટનો પોતાની બેસ્ટ ક્ષમતાને બેસ્ટ સમયગાળા માટે સાચવીને રાખતા હોય છે અને હાર્દિક અત્યારે એવું જ કરી રહ્યો છે. મને તેની ઊર્જા અને ઉત્સાહ જોવાની ખૂબ મજા આવે છે.’

2
ગુજરાતની હવે આટલી જ લીગ મૅચ બાકી છે. વાનખેડેમાં રવિવારે ચેન્નઈ સામે અને આવતા ગુરુવારે બૅન્ગલોર સામે મૅચ રમાશે.

ગુજરાતની હરાજીમાં નબળી બૅટિંગ લાઇન-અપ પસંદ કરાઈ હોવાની ટીકા થયેલી

ગુજરાત ટાઇટન્સની ટીમ ૧૪મી અને છેલ્લી લીગ મૅચ રમ્યા પહેલાં જ પ્લે-ઑફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. ફેબ્રુઆરીમાં ૧૦ ટીમો માટે જે મોટા પાયે ખેલાડીઓની હરાજી થઈ હતી એમાં ગુજરાત ટાઇટન્સે નબળી બૅટિંગ લાઇન-અપ પસંદ કરી હોવાની ટીકા કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓએ કરી હતી, પરંતુ હાર્દિકે તેમને ખોટા પાડ્યા છે.

હાર્દિકે મંગળવારે લખનઉ સામેની શાનદાર જીત બાદ કહ્યું, ‘મને મારા ખેલાડીઓ પર ખરેખર ખૂબ ગર્વ છે. અમે હંમેશાં આત્મવિશ્વાસ સાથે રમ્યા છીએ. અમે જે પણ મૅચ જીત્યા એ બધી ખૂબ પ્રેશરમાં જીત્યા અને અમે પ્રત્યેક મૅચમાંથી કંઈક ને કંઈક નવું શીખ્યા છીએ.’

મંગળવારે ગુજરાતે મૅન ઑફ ધ મૅચ ગિલના ૬૩ રનની મદદથી ૪ વિકેટે ૧૪૪ રન બનાવ્યા હતા. લખનઉની ટીમ રાશિદ ખાનની ચાર વિકેટ તેમ જ યશ દયાલ અને આર. સાઇ કિશોરની બે-બે વિકેટને કારણે તેમ જ ખાસ કરીને મોહમ્મદ શમીની બોલિંગ (૩-૦-૫-૧)ને લીધે ફક્ત ૮૨ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

sports sports news cricket news indian premier league ipl 2022 gujarat titans