IPL 2022 : ૧૧૭ કિલોનો થીક્શાના હવે ફિટનેસ-ફિટ અને ચેન્નઈનો નંબર-વન સ્પિનર બન્યો છે

12 May, 2022 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રીલંકન ઑફ-બ્રેક સ્પિનરે ૮ મૅચમાં ૧૨ વિકેટ લીધી છે : બૅન્ગલોર સામે એક મૅચ જિતાડી છે

મહીશ થીકશાના

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પ્લે-ઑફની રેસમાંથી ભલે ઑલમોસ્ટ આઉટ થઈ ગઈ, પરંતુ એના કેટલાક બોલર્સ ધૂમ મચાવી રહ્યા છે. શ્રીલંકાના ઑફ-બ્રેક સ્પિનર મહીશ થીક્શાના વિશે પછીથી વિગતવાર ચર્ચા કરીશું, પરંતુ ટીમના અન્ય બોલર્સની વાત કરીએ તો એવરગ્રીન ઑલરાઉન્ડર ડ્વેઇન બ્રાવો ટીમના તમામ બોલર્સમાં ૧૬ વિકેટ સાથે નંબર-વન છે જ, બીજો ફાસ્ટ બોલર મુકેશ ચૌધરી ૧૦ મૅચમાં ૧૩ વિકેટ લઈને છવાઈ ગયો છે. ઘૂંટણની ઈજામાંથી મુક્ત થયેલો બ્રિટિશ સ્પિનર મોઇન અલી બોલિંગ-ઍક્શનમાં બદલાવ લાવ્યા બાદ રવિવારે દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં ૧૩ રનમાં ત્રણ વિકેટ લઈને મૅચ-વિનર સાબિત થયો હતો.

૨૧ વર્ષના મહીશ થીકશાનાએ ૮ મૅચમાં ૧૨ વિકેટ લીધી છે અને ચેન્નઈના આ સીઝનના સ્પિનરોમાં અત્યારે નંબર-વન છે. ૭.૪૧ તેનો ઇકૉનૉમી-રેટ છે. ખાસ કરીને તે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામેની બન્ને મૅચમાં ચમક્યો છે. ૪થી મેએ પુણેમાં તેના ત્રણ વિકેટના તરખાટ પછી ડેવૉન કૉન્વે (૩૭ બૉલમાં ૫૬ રન) અને મોઇન અલી (૨૭ બૉલમાં ૩૪ રન)ને બાદ કરતાં ચેન્નઈના બાકીના બૅટર્સ નિષ્ફળ જતાં છેવટે બૅન્ગલોરનો ૧૩ રનથી વિજય થયો હતો. જોકે એ પહેલાં ૧૨મી એપ્રિલે ડી. વાય. પાટીલમાં બૅન્ગલોર સામેની મૅચમાં થીકશાનાએ ૩૩ રનમાં ચાર વિકેટ લઈને ચેન્નઈને જિતાડ્યું હતું.

થીક્શાના ૨૧ વર્ષનો છે. બે વર્ષ પહેલાં તે જ્યારે શ્રીલંકા વતી અન્ડર-૧૯ ક્રિકેટ મૅચો રમતો હતો ત્યારે તેનું વજન ૧૧૭ કિલો હતું જેને કારણે તેણે ફિટનેસના માપદંડોનો અમલ કરવા ખૂબ મહેનત અને સંઘર્ષ કરવા પડતા હતા. ક્યારેક તો વધુપડતા વજનને કારણે તેને નહોતું રમવા મળતું. ક્યારેક તે ત્રણ દિવસની મૅચમાં સાથી ખેલાડીઓ માટે પાણી અને એનર્જી ડ્રિન્ક લઈ જવાનું કામ કરતો હતો. ૨૦૨૦ની સાલમાં તેણે ફિટનેસ પર સૌથી વધુ ધ્યાન આપ્યું અને વજન ઘટાડવા રોજ કલાકો સુધી જિમ્નેશ્યમમાં વર્ક-આઉટ કર્યું હતું.

sports sports news cricket news indian premier league ipl 2022 chennai super kings