રાયુડુ બીજી વાર રિસાયો, ફરી નિવૃત્તિ પાછી ખેંચી

15 May, 2022 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૯માં રિટાયરમેન્ટ ૫૬ દિવસમાં પાછું ખેંચેલું, ગઈ કાલે ૩૦ જ મિનિટમાં યુ-ટર્ન લીધો

અંબાતી રાયુડુ

આંધ્ર પ્રદેશના ૩૬ વર્ષના રાઇટ-હૅન્ડ બૅટર અંબાતી રાયુડુએ બે વર્ષ બાદ ગઈ કાલે ફરી એક વાર નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે બીજી વાર રિટાયરમેન્ટ પાછું ખેંચી લેવા બદલ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં તેનું નવું પ્રકરણ શરૂ થયું હતું. ૨૦૧૯માં તેણે વન-ડેના વર્લ્ડ કપ માટેની ટીમમાં સમાવેશ ન થતાં (આઇપીએલ સહિત) તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી અને છેક ૫૬ દિવસ પછી પાછી ખેંચી હતી. ગઈ કાલે તો તેણે હદ જ કરી નાખી. આઇપીએલમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું હોવાનું જાહેર કર્યા બાદ પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમના મૅનેજમેન્ટે સમજાવી લેવાથી માત્ર ૩૦ મિનિટમાં યુ-ટર્ન લઈને નિવૃત્તિ પાછી ખેંચી લીધી હતી.

છેલ્લી આઇપીએલની જાહેરાત
સવારે રાયુડુએ ટ્વીટમાં લખ્યું હતું કે ‘મને જણાવતાં આનંદ થાય છે કે આ મારી છેલ્લી આઇપીએલ છે. એમાં રમ્યો એ મારો ઉત્તમ સમયકાળ હતો અને આ ૧૩ વર્ષમાં મને બે ગ્રેટ ટીમ વતી રમવાનો અવસર મળ્યો. આ યાદગાર સફર બદલ હું મુંબઈ ઇન્ડિયન્સ અને સીએસકેનો આભારી છું.’

જોકે સીએસકેના સંચાલકોએ રાયુડુ સાથે વાતચીત કરી હતી જેને પગલે રાયુડુએ ફક્ત અડધા કલાકમાં ટ્વીટ ડિલીટ કરી નાખ્યું હતું.

રાયુડુએ મેસેજ પોસ્ટ કર્યો કે તરત જ ઇરફાન પઠાણ સહિતના કેટલાક ભૂતપૂર્વ સાથી-ખેલાડીઓ અને ચાહકોએ તેને સુંદર કરીઅર બદલ અભિનંદન આપ્યાં હતાં.

ગઈ નિવૃત્તિના ‘નાટક’ પછી કૅપ્ટન
રાયુડુએ ૨૦૧૯ની સાલમાં ચીફ સિલેક્ટર સીએસકે પ્રસાદને ટાર્ગેટ બનાવી કમેન્ટ કર્યા બાદ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા પછી ૫૬ દિવસ બાદ રિટાયરમેન્ટ પાછું ખેંચ્યું હતું અને બે અઠવાડિયાં પછી તેને હૈદરાબાદની ટીમનો કૅપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો હતો.

૨૦૧૮માં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ છોડેલું
રાયુડુએ નવેમ્બર ૨૦૧૮માં મર્યાદિત ઓવર્સના ક્રિકેટ પર વધુ ધ્યાન આપવા ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું. થોડા જ દિવસમાં એ સમયના કૅપ્ટન વિરાટ કોહલીએ તેને ચોથા નંબરના બૅટર તરીકે ટીમમાં લેવડાવ્યો હતો. રાયુડુએ વેસ્ટ ઇન્ડીઝ સામેની ચાર ઇનિંગ્સમાં (મુંબઈની મૅચ-વિનિંગ ૧૦૦ રનની ઇનિંગ્સ સહિત) કુલ ૨૧૭ રન બનાવીને કોહલીની પસંદગીને યથાર્થ ઠેરવી હતી.

1
રાયુડુની આ વખતે માત્ર આટલી હાફ સેન્ચુરી ૧૦ મૅચમાં છે. તેના સ્કોર્સ ઃ ૧૫, ૨૭, ૧૩, ૨૭, ૪૬, ૪૦, ૭૮, ૧૦, ૫ અને ૧૦.

4187
રાયુડુએ આઇપીએલમાં કુલ આટલા રન બનાવ્યા છે જેમાં એક સેન્ચુરી અને બાવીસ હાફ સેન્ચુરીનો સમાવેશ છે.

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં જબરદસ્ત નારાજગી
૧૧મી મેએ રવીન્દ્ર જાડેજા અચાનક સીએસકે ટીમ છોડીને રાજકોટ પાછો જતો રહ્યો હતો. ટીમ મૅનેજમેન્ટના જણાવ્યા મુજબ જાડેજાને પાંસળીમાં ઈજા થવાથી તેણે આ સીઝનની બાકીની મૅચમાં રમવાનું માંડી વાળ્યું હતું. જોકે કેટલાંક સૂત્રોએ જણાવ્યા મુજબ જાડેજાની ટીમ-મૅનેજમેન્ટ સાથે કંઈક ખટપટ થઈ હોવાથી તે ટીમનું બાયો-બબલ છોડીને જતો રહ્યો હતો. ગઈ કાલે અંબાતી રાયુડુએ નિવૃત્તિ જાહેર કર્યા પછી મનામણાં બાદ જાહેરાત પાછી ખેંચી લીધી હતી. કહેવાય છે કે સુરેશ રૈનાને આ વખતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન સીએસકેની ટીમમાં ન સમાવાયો હોવાથી અને ટીમ વહેલી સ્પર્ધાની બહાર થઈ ગઈ હોવાથી ટીમમાં એના અસંખ્ય ચાહકોમાં અસંતોષ અને નારાજગી છે.

"હું ખાતરીથી કહું છું કે અંબાતી રાયુડુ નિવૃત્તિ નથી લઈ રહ્યો. તેણે કદાચ ભાવુક હાલતમાં રિટાયરમેન્ટનું ટ્વીટ પોસ્ટ કર્યું હશે. તેની સાથે બધી વાત થઈ ગઈ છે અને તેણે એ પોસ્ટ પાછી ખેંચી લીધી છે." : કાસી વિશ્વનાથન, સીએસકેના સીઈઓ

sports sports news cricket news indian premier league ipl 2022 chennai super kings ambati rayudu