મિલર-મૉરિસનો મૅજિક શૉ

16 April, 2021 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિડલ ઑર્ડરના બૅટ્સમૅન અને આઇપીએલના સૌથી મોંઘા પ્લેયરે રાજસ્થાનને દિલ્હી સામે અપાવ્યો રોમાંચક વિજય

બૅટિંગ દરમ્યાન ક્રિસ મૉરિસ અને ડેવિડ મિલર

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રૉયલ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે રમાયેલી મૅચમાં ગઈ કાલે રાજસ્થાને ૩ વિકેટથી બાજી મારી લીધી હતી. દિલ્હીએ આપેલા વિજય માટેના ૧૪૮ રનના લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાનની શરૂઆત સારી નહોતી અને એણે ૪૨ રનમાં જ પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યાર બાદ ડેવિડ મિલર (૪૩ બૉલમાં ૬૨ રન) અને રાહુલ તેવટિયા (૧૯) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૪૮ રનની પાર્ટનરશિપ થઈ હતી. આ જોડી તૂટતાં ફરી એક વાર રાજસ્થાન હારશે એવું લાગતું હતું, પરંતુ ૧૬.૨૫ કરોડ રૂપિયામાં ખરીદાયેલા ઑલરાઉન્ડર ક્રિસ મૉરિસે પોતે કેમ આટલો મોંઘો છે એ સાબિત કરતાં ૧૮ બૉલમાં ૪ સિક્સરની મદદથી ૩૬ રન ફટકારીને બાજી પલટી નાખી હતી. રાજસ્થાને ટૉસ જીતીને દિલ્હીને પહેલાં બૅટિંગનું આમંત્રણ આપ્યું અને દમદાર દેખાતી દિલ્હી ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૪૭ રન જ બનાવી શકી

મુંબઈની પિચ પર મુંબઈકર નિષ્ફળ

ચેન્નઈ સામેની મૅચમાં પહેલી વિકેટ માટે દમદાર શરૂઆત કરનાર પૃથ્વી શૉ અને શિખર ધવન આ મૅચમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયા હતા. મુંબઈકર પૃથ્વી શૉ અને અજિંક્ય રહાણે અનુક્રમે બે અને આઠ રને આઉટ થયા હતા, જ્યારે શિખર ધવન ૯ રન બનાવી શક્યો હતો. નોંધનીય છે કે દિલ્હી માટે રમતા મૂળ મુંબઈના પૃથ્વી શૉ અને અજિંક્ય રહાણે મુંબઈની જ પિચ પર પોતાની ટીમ માટે મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

પંતની કૅપ્ટન્સ ઇનિંગ્સ

દિલ્હી કૅપિટલ્સની શરૂઆતની ત્રણ વિકેટ ૩૬ રનમાં પડ્યા બાદ ટીમની ચોથી વિકેટ ૩૭ રનના સ્કરે માર્ક્સ સ્ટૉઇનિસની પડી હતી. જોકે ટીમના યુવા કપ્તાન રિષભ પંત શાનદાર ફટકાબાજી કરતાં ૩૨ બૉલમાં ૯ ચોગ્ગા ફટકારી ૫૧ રનની પાયાની ઇનિંગ્સ રમ્યો હતો. તે આઉટ થયા બાદ લલિત યાદવ ૨૪ બૉલમાં ૨૦ રન અને ટૉમ કરૅન ૧૬ બૉલમાં ૨૧ રન કરીને આઉટ થયા હતા. રવિચંદ્રન અશ્વિન સાત રને રનઆઉટ થયો હતો. ક્રિસ વૉક્સ અને કૅગિસો રબાડાએ અનુક્રમે અણનમ ૧૫ અને ૯ રન બનાવ્યા હતા. જયદેવ ઉનડકટ, મુસ્તફિઝુર રહેમાન અને ક્રિસ મૉરિસને અનુક્રમે ત્રણ, બે અને એક વિકેટ મળી હતી.

અક્ષર પટેલના સ્થાને દિલ્હી સાથે જોડાયો મુલાની

દિલ્હી કૅપિટલ્સની ટીમમાં અક્ષર પટેલના રિપ્લેસમેન્ટ તરીકે શમ્સ મુલાની જોડાયો છે. આઇપીએલ શરૂ થતાં પહેલાં અક્ષર કોરોના-પૉઝિટિવ થયો હતો. દિલ્હીએ નિવેદનમાં કહ્યું હતું કે ‘દિલ્હી કૅપિટલ્સે કોરોનાગ્રસ્ત અક્ષર પટેલના રિપ્લેસમેન્ટ તરીકે મુંબઈના લેફ્ટ આર્મ બોલર શમ્સ મુલાનીને થોડા સમય માટે આઇપીએલ ૨૦૨૧ની ટીમમાં સામેલ કર્યો છે.’

અક્ષર પટેલ કોરોનાગ્રસ્ત હોવાને લીધે હાલમાં આઇસોલેશનમાં છે અને ભારતીય ક્રિકેટ બોર્ડની મેડિકલ ટીમ તેની સારવાર કરી રહી  છે.

ટૂંકો સ્કોર
દિલ્હી- ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૭ રન રિષભ-૫૧, ટૉમ કરૅન-૨૧, લલિત યાદવ-૨૦, ક્રિસ વૉક્સ-૧૫ (ઉનડકટ ૧૫/૩, મુસ્તફિઝુર રહમાન ૨૯/૨, ક્રિસ મૉરિસ૨૭/૧) સામે રાજસ્થાન ૧૯.૪ ઓવરમાં ૭ વિકેટે ૧૫૦ રન. મિલર-૬૨, મૉરિસ-૩૬*, તેવટિયા-૧૯, ઉનડકટ-૧૧*  (આવેશ ૩૨/૩, વૉક્સ ૨૨/૨, રબાડા ૩૦/૨)નો ૩ વિકેટથી વિજય

indian premier league ipl 2021 cricket news sports news delhi capitals rajasthan royals