પોલાર્ડ પાવરે અપાવી મુંબઈને જીત

02 May, 2021 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅરિબિયન જાયન્ટના તૂફાનના જોરે રોહિતસેનાએ ચેઝ કર્યો તેમનો હાઇએસ્ટ સ્કોર : ચાર વિકેટે ચેન્નઈને પછાડ્યું

પોલાર્ડ

દિલ્હીમાં બે બળિયાઓ વચ્ચેના જંગમાં ગઈ કાલે ચેન્નઈ સુપર કિંગ્સને હાઈ-સ્કોરિંગ મૅચમાં ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને ચાર વિકેટે હરાવીને દબદબો જાળવી રાખ્યો હતો. છેલ્લા ૯ મુકાબલામાં ચેન્નઈ સામે મુંબઈની આ સાતમી જીત હતી. ચેન્નઈએ આપેલા ૨૧૯ રનના ટાર્ગેટને મુંબઈ છેલ્લા બૉલમાં ૬ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. સાતમી મૅચમાં મુંબઈની આ ચોથી જીત હતી અને પૉઇન્ટ ટેબલ પર એ ચોથા સ્થાને જ રહ્યું હતું.  ચેન્નઈ પણ હાર્યા છતાં પ્રથમ નંબરે રહ્યું હતું. 

પોલાર્ડે ગજાવ્યું દિલ્હી
૨૧૯ રનના ટાર્ગેટ સામે મુંબઈએ સારી શરૂઆત કર્યા બાદ ફસડાઈ પડશે એવું લાગતું હતું ત્યારે પહેલાં કૃણાલ પંડ્યા ૩૨ અને હાર્દિક પંડ્યાના ૧૬ રનના નાનકડા સહયોગ સાથે કિરોન પોલાર્ડે ૩૪ બૉલમાં ૮ સિક્સર અને ૬ ફોર સાથે અણનમ ૮૭ રન ફટકારીને ટીમને એકલાહાથે વિજય અપાવ્યો હતો. મુંબઈની છેલ્લી ૩ ઓવરમાં ૪૮ અને છેલ્લી ઓવરમાં ૧૬ રન બનાવવાના હતા, જે પોલાર્ડે એક સિક્સર અને બે ફોર વડે બનાવી લીધા હતા. 

ચેન્નઈ ઑન હાઈ
મુંબઈના કૅપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નઈએ તેની ટીમમાં કોઈ બદલાવ નહોતો કર્યો, પણ મુંબઈએ નૅથન કોલ્ટર-નાઇલ અને જયંત યાદવને ડ્રૉપ કરીને જિમી નીશેમ અને ધવલ કુલકર્ણીને મોકો આપ્યો હતો. ઋતુરાજ ગાયકવાડને વહેલા ગુમાવ્યા બાદ મોઇન અલી (૩૬ બૉલ પાંચ સિક્સર અને પાંચ ફોર સાથે ૫૮ રન) અને  ફૅફ ડુ પ્લેસિસ (૨૮ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે ૫૦ રન) વચ્ચે બીજી વિકેટ માટે ૧૦૮ રનની પાર્ટનરશિપે ટીમને કમબૅક કરાવ્યું હતું. જોકે ત્યાર બાદ ચાર રનમાં ૩ વિકેટ પડતાં મિની ધબડકો થયો હતો, પણ અંબાતી રાયુડુ (૨૭ બૉલ સાત સિક્સર અને ચાર ફોર સાથે અણનમ ૭૨) અને રવીન્દ્ર જાડેજા (૨૨ બૉલમાં બે ફોર સાથે અણનમ ૨૨)એ ૮ ઓવરમાં સિક્સરની રમઝટ સાથે ૧૦૨ ફટકારીને ટીમનો સ્કોર ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૨૧૮ રન બનાવ્યા હતા. ચેન્નઈનો મુંબઈ સામે આ હાઇએસ્ટ સ્કોર હતો. આ પહેલાં ૨૦૮ રન હાઇએસ્ટ હતો. કિરોન પોલાર્ડને બે વિકેટ મળી હતી.

ટૂંકો સ્કોર
ચેન્નઈ (૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૧૮ રન - રાયુડુ અણનમ ૭૨, મોઇન ૫૮, પ્લેસિસ ૫૦, જાડેજા ૨૨, પોલાર્ડ ૧૨/૨, બુમરાહ ૫૬/૧, બોલ્ટ ૪૨/૧) સામે મુંબઈ (૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૧૯ રન - પોલાર્ડ અણનમ ૮૭, ડિકૉક ૩૮, રોહિત ૩૫, કૃણાલ ૩૨, કરૅન ૩૪/૩, જાડેજા ૨૯/૧)નો ચાર વિકેટે વિજય.

ગઈ કાલની મૅચ એ સુરેશ રૈનાની 200મી મૅચ હતી. આ સાથે આઇપીએલમાં ૨૦૦ની ક્લબમાં સામેલ થનાર એ મહેન્દ્ર સિંહ ધોની (૨૧૧), રોહિત શર્મા (૨૦૭) અને દિનેશ કાર્તિક (૨૦૨) બાદ ચોથો પ્લેયર બની ગયો હતો.

cricket news sports news ipl 2021 indian premier league kieron pollard rohit sharma