અમદાવાદમાં પ્રથમ નાઇટ કલકત્તાના નામે

27 April, 2021 02:24 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલની પ્રથમ મૅચમાં શાહરુખની ટીમ સામે પ્રીતિ ઝિન્ટાની ટીમ પાંચ વિકેટે પરાસ્ત : કૅપ્ટન મૉર્ગન મૅચનો હીરો

કલકત્તા નાઈટ રાઈડર્સ

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલની પ્રથમ મૅચમાં પ્રથમ જીત નાઇટ રાઇડર્સ કલકત્તાના નામે લખાઈ ગઈ છે. તેમણે પંજાબ કિંગ્સને પાંચ વિકેટે હરાવી દીધું હતું. સતત ચાર પરાજય બાદ કલકત્તાએ મહામુલ્ય વિજય મેળવ્યો હતો. પંજાબે આપેલો ૧૨૪ રનનો ટાર્ગેટ કલકત્તાએ ૧૬.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. આ જીત સાથે કલકત્તા નામોશીભર્યા છેલ્લા સ્થાન પરથી પાંચમા સ્થાને પહોંચી ગયું હતું. 

પ્રીતિને હરાવી દીધી શાહરુખે
પ્રીતિ ઝિન્ટાની માલિકીવાળી પંજાબ કિંગ્સે આપેલા માત્ર ૧૨૪ રનના ટાર્ગેટ છતાં શાહરુખ ખાનની માલિકીવાળી કલકત્તા ૧૭ રનમાં ૩ વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. ત્યાર બાદ પહેલાં રાહુલ ત્રિપાઠીએ ૩૧ બૉલમાં ૪૧ રન અને આ સીઝનમાં ફૉર્મ મેળવવા ઝઝૂમી રહેલા કૅપ્ટન ઇઓન મૉર્ગને અણનમ ૪૭ રન સાથે હાથમાં આવેલી બાજી છૂટવા નહોતી દીધી. ઍન્દ્રે રસેલ ૯ બૉલમાં ૧૦ રન બનાવીને રનઆઉટ થઈ ગયો હતો. છેલ્લે દિનેશ કાર્તિકે ૬ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૨ રન સાથે ટીમને થોડી વહેલી જીત અપાવી રનરેટમાં સુધારો કરાવી આપ્યો હતો. આમ બૉલીવુડ કિંગ શાહરુખ ખાન સામે પ્રીતિ ઝિન્ટા પરાસ્ત થઈ ગઈ હતી. 

ધીમી શરૂઆત પછી ફસડાયા
કલકત્તાએ ટીમમાં કોઈ બદલાવ નહોતો કર્યો, પણ પંજાબે ફૅબિયન ઍલનને બદલે અનુભવી ક્રિસ જૉર્ડનને મોકો આપ્યો હતો. ૫.૪ ઓવરમાં ૩૬ રનની ઓપનિંગ પાર્ટનરશિપથી ધીમી શરૂઆત બાદ પંજાબે નિરંતર વિકેટ ગુમાવતાં એની ૧૪.૨ ઓવરમાં ૬ વિકેટે ૭૯ રનના દયનીય હાલત થઈ ગઈ હતી. શાહરુખ ખાન (૧૩) અને ક્રિસ જૉર્ડન (૩૦)એ છેલ્લે થોડો પ્રતિકાર કરતાં ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે સન્માનજનક ૧૨૩ રન સુધી પહોંચી શકી હતી. કલકત્તા વતી પ્રસિદ્ધ ક્રિષ્ણાએ ૩ તથા પૅટ કમિન્સ અને સુનીલ નારાયણે ૨-૨ વિકેટ લીધી હતી. યુવા પેસર શિવમ માવીને એક જ અને એ પણ ગેઇલની વિકેટ મળી હતી. તેણે ચાર ઓવરમાં માત્ર ૧૩ જ રન આપ્યા હતા.

cricket news sports news kolkata knight riders punjab kings ipl 2021 indian premier league motera stadium