ઋતુરાજ ગાયકવાડ બનશે ભારતનો નવો ક્રિકેટ સ્ટાર : ફ્લેમિંગ

17 October, 2021 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેન્નઈની ટીમના કોચે ટ્રોફીની જીત પાછળ યુવા ખેલાડીને મહત્ત્વનું કારણ ગણાવ્યો

ઋતુરાજ ગાયકવાડ

કલકત્તા સામે ફાઇનલમાં જીત્યા બાદ ચેન્નઈની ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે ઋતુરાજ ગાયકવાડને ભારતીય ક્રિકેટનો નવો સુપરસ્ટાર ગણાવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમને ડેડ આર્મી કહીને ઘણી વખત ટીકા કરવામાં આવે છે, પરંતુ આ ટીમમાં ૨૪ વર્ષના પુણેના ખેલાડીએ પોતાની અલગ છાપ પાડી હતી. આ ટ્રોફી-વિજય માટે ફ્લેમિંગે તેને મહત્ત્વનું કારણ ગણાવ્યો હતો. દુબઈમાં વિજય બાદ ફ્લેમિંગે કહ્યું હતું કે ‘તે મારા નજરમાં ક્યારનો સ્ટાર હતો, પરંતુ હું તેને ભારતીય ક્રિકેટનો નવો સ્ટાર ગણું છું.’

ફાઇનલમાં ગાયકવાડ (૨૭ બૉલમાં ૩૨ રન) અને ડુ પ્લેસીએ (૫૯ બૉલમાં ૮૬ રન) ૮.૧ ઓવરમાં ૬૧ રન કરીને શાનદાર શરૂઆત કરાવી આપી હતી, જેને કારણે ટીમ કલકત્તાને વિજય માટે ૧૯૩ રનનો લક્ષ્યાંક આપી શકી હતી. યુવા બૅટરની પ્રશંસા કરતાં ફ્લેમિંગે કહ્યું હતું કે ‘ગયા વર્ષે જ્યારે એનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અમારી એની પાસેથી ઘણી બધી અપેક્ષા હતી.’ ગયા વર્ષે ચેન્નઈનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને ટીમ સાતમા ક્રમાંકે રહી હતી. વળી ઋતુરાજને કોરોના થયો હતો. જોકે એમ છતાં તે જે ૬ મૅચ રમ્યો હતો એમાં તેણે ૨૦૪ રન કર્યા હતા.

આ સીઝનમાં તે ઑરેન્જ કૅપ મેળવનાર (સૌથી વધુ ૬૩૫ રન) સૌથી યુવા ખેલાડી બન્યો હતો. ફ્લેમિંગે કહ્યું કે ‘તેણે ડુ પ્લેસી સાથે મળીને ટીમને ઘણી વખત સારી શરૂઆત કરાવી આપી હતી. તેની ઉંમર કરતાં પણ વધુ સમજ તેણે બતાવી છે.’

sports sports news cricket news chennai super kings indian premier league