ઑસ્ટ્રેલિયનો માટે મૉલદીવ્ઝ કે શ્રીલંકાથી ચાર્ટર્ડ ફ્લાઇટની વ્યવસ્થા કરાઈ રહી છે

06 May, 2021 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ગઈ કાલે કહ્યું કે ભારતનો અનહદ સહયોગ મળી રહ્યો છે અને બધાને સુરક્ષિત સ્વદેશ મોકલવા તેઓ કટિબદ્ધ છે

પ્રતીકાત્મક તસવીર

આઇપીએલની ૧૪મી સીઝન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા બાદ હવે ખેલાડીઓ પોતપોતાના ઘરે પહોંચી રહ્યા છે. સૌથી વધુ ચિંતા ઑસ્ટ્રેલિયનોની છે. ઑસ્ટ્રેલિયન ગવર્નમેન્ટે ભારતની ફ્લાઇટો પર ૧૫ મે સુધી બૅન લગાવી દીધો છે. ખેલાડીઓ, કોચિંગ-સ્ટાફ, અમ્પાયર્સ અને કૉમેન્ટેટર એમ મળીને કુલ ૧૪ જેટલા ઑસ્ટ્રેલિયનો હાલમાં આઇપીએલ સાથે સંકળાયેલા હતા. આ બધા વહેલાસર સુરક્ષિત રીતે ઘરભેગા થવા માર્ગ વિચારી રહ્યા છે. ચેન્નઈના બૅટિંગકોચ માઇક હસીનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ હવે તે ૧૦ દિવસ માટે ક્વૉરન્ટીન હોવાથી કદાચ ખેલાડીઓ સાથે તરત પાછો નહીં જઈ શકે.  

ભૂતપૂર્વ ક્રિકેટર અને આઇપીએલમાં કૉમેન્ટરી સાથે સંકળાયેલો માઇકલ સ્લેટર ભારતથી નીકળીને મૉલદીવ્ઝ જતો રહ્યો હોવાથી બાકીના ઑસ્ટ્રેલિયનોને એ બેસ્ટ ઑપ્શન લાગે છે. તેઓ પણ વહેલાસર મૉલદીવ્ઝ જતા રહેવા માગે છે અને ત્યાંથી ઑસ્ટ્રેલિયા જતા રહેવું સરળ પડશે. બીજો ઑપ્શન ભારતથી શ્રીલંકા જતા રહેવાનો પણ વિચારણા હેઠળ છે. ઉપરાંત મૉલદીવ્ઝ કે શ્રીલંકાથી ઑસ્ટ્રેલિયનોને સ્વદેશ જવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ ચાર્ટર્ડ ફ્લાઇટની વ્યવસ્થા કરી રહ્યું હોવાનું ઑસ્ટ્રેલિયન કિક્રેટ બોર્ડે ગઈ કાલે જણાવ્યું હતું. 

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ઇન્ટરીમ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર નિક હોકલીએ જણાવ્યું હતું કે ‘અમે બધા જ ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, અમ્પાયર્સ, કૉમેન્ટેટર્સ વગેરેને જેમ બને એમ જલદી સુરક્ષિત પાછા લાવવા માટે કામ કરી રહ્યા છીએ. અમુક કાર્ય અમારે કરવાનું છે અને અમુક ભારતીય ક્રિકેટ બોર્ડે. તેઓ અદ્ભુત રીતે સહકાર કરી રહ્યા છે અને બધાને ભારતની બહાર મોકલવા તનતોડ મહેનત કરી રહ્યા છે. ઘણા બધા માર્ગો વિચાર્યા બાદ મૉલદીવ્ઝ કે શ્રીલંકા યોગ્ય જણાઈ રહ્યું છે. આ બાબતે કામ ચાલી રહ્યું છે અને અમને આશા છે કે બે કે ત્રણ દિવસમાં અમલ શરૂ થઈ જશે.’

ભારતીય ક્રિકેટ બોર્ડ પર ઓવારી ગયેલા હોકલીએ વધુમાં કહ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટ બોર્ડ અદ્ભુત છે. તેમણે ઑસ્ટ્રેલિયનોને ભારતથી મૉલદીવ્ઝ કે શ્રીલંકા નહીં પણ ત્યાંથી ઑસ્ટ્રેલિયા માટે ચાર્ટર્ડ ફ્લાઇટની વ્યવસ્થા કરી આપવા કટિબદ્ધતા જાહેર કરી છે.’

ખેલાડીઓને આઇપીએલ માટે મોકલ્યા એ બદલ અફસોસ થાય છે એવા સવાલના જવાબમાં હોકલીએ કહ્યું હતું કે ‘જરાય નહીં. ભારતીયો માટે અમારા દિલમાં માન છે. આઇપીએલ માટે તેમને ખૂબ જ મહેનત કરી હતી અને એ સમયે પરિસ્થિતિ પ્રમાણે આયોજન કરવાનું નક્કી કર્યું હતું. પરિસ્થિતિ બદલાતાં દરેકની સુરક્ષાને ધ્યાનમાં લઈને તરત આઇપીએલ સસ્પેન્ડ કરવાનો નિર્ણય પણ લીધો હતો.’

ઇંગ્લૅન્ડના ૧૧માંથી આઠ ખેલાડીઓ પહોંચી ગયા
આઇપીએલમાં સામેલ ઇંગ્લૅન્ડના ૧૧ ખેલાડીઓમાંથી આઠ લંડન પહોંચી ગયા છે. તેઓ ગઈ કાલે પહોંચ્યા હતા અને હવે નિયમ પ્રમાણે ૧૦ દિવસ ક્વૉરન્ટીનમાં રહેશે. ઇંગ્લૅન્ડે તેના નાગરિકો પાછા ફરવાની ૧૦ દિવસના ક્વૉરન્ટીન અને બે ટેસ્ટના પાલન સાથે છૂટ આપી છે. 
આ આઠ ખેલાડીઓમાં જૉની બૅરસ્ટો, જેસન રૉય, ક્રિસ વૉક્સ, ટૉમ કરૅન, સૅમ બિલિંગ, સૅમ કરૅન, મોઇન અલી અને જોસ બટલરનો સમાવેશ છે. હવે બાકી રહેલા ત્રણ ઇઓન મૉર્ગન, ક્રિસ જૉર્ડન અને ડેવિડ મલાન આજકાલમાં લંડન માટે રવાના થઈ જવાની શક્યતા છે. 

cricket news sports news ipl 2021 indian premier league david warner