27 February, 2025 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં જુનિયર યુવરાજ સિંહની એન્ટ્રી થઈ હતી
મંગળવારે ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગમાં ઇંગ્લૅન્ડ માસ્ટર્સે ૨૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ઇન્ડિયા માસ્ટર્સને ૧૩૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇન્ડિયા માસ્ટર્સ માટે કૅપ્ટન સચિન તેન્ડુલકરે ૨૧ બૉલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૩૪ રનની ઇનિંગ્સ રમી શાનદાર શરૂઆત અપાવી હતી. ઓપનર ગુરકીરત સિંહ માન (૩૫ બૉલમાં ૬૩ રન અણનમ) અને યુવરાજ સિંહ (૧૪ બૉલમાં ૨૭ રન અણનમ)એ ધમાકેદાર બૅટિંગ કરીને ૧૧.૪ ઓવરમાં એક વિકેટના નુકસાન સાથે ૧૩૩ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. સતત બે મૅચ જીતીને ઇન્ડિયા માસ્ટર્સ ચાર પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ પર પહોંચ્યું છે.
ઇંગ્લૅન્ડ સામે ૫૦ બૉલ પહેલાં જીત નોંધાવ્યા બાદ ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં જુનિયર યુવરાજ સિંહની એન્ટ્રી થઈ હતી. યુવીની પત્ની હેઝલ કીચ પોતાના દીકરા ઓરિયન કીચ સિંહને લઈને મેદાન પર આવી પહોંચી હતી ત્યારે ત્રણ વર્ષના જુનિયર યુવીએ પપ્પા સાથે મસ્તી કર્યા બાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર સાથે પણ મુલાકાત કરી હતી. યુવરાજ સિંહ પહેલી વાર ક્રિકેટના મેદાન પર દીકરા સાથે જોવા મળ્યો હતો.