ભારતીય મહિલાઓ આજે સાત વર્ષે રમશે પહેલી ટેસ્ટ-મૅચ

16 June, 2021 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડની ટીમ સાથે મિતાલી ઍન્ડ કંપનીની આજથી જોરદાર ટક્કર ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલી ભારતીય મહિલા ટીમની આજે (ભારતીય સમય મુજબ બપોરે ૩.૩૦થી) બ્રિસ્ટલ ખાતે યજમાન ઇંગ્લૅન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ શરૂ થઈ રહી છે.

વિશ્વની ટોચની પેસ બોલર ઝુલન ગોસ્વામી.

ઇંગ્લૅન્ડની ટીમ સાથે મિતાલી ઍન્ડ કંપનીની આજથી જોરદાર ટક્કર ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલી ભારતીય મહિલા ટીમની આજે (ભારતીય સમય મુજબ બપોરે ૩.૩૦થી) બ્રિસ્ટલ ખાતે યજમાન ઇંગ્લૅન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ શરૂ થઈ રહી છે. 

ભારતીય મહિલાઓ સાત વર્ષે ફરી ટેસ્ટ-જર્સીમાં જોવા મળશે. છેલ્લે તેઓ નવેમ્બર ૨૦૧૪માં મૈસૂરમાં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ રમી હતી અને જીતી હતી.

આજે શરૂ થઈ રહેલી ટેસ્ટ પૂર્વે સુકાની મિતાલી રાજે ગઈ કાલે પત્રકારોને કહ્યું હતું કે ‘અમારી પ્લેયરો માટે મનઃસ્થિતિ ઘણી ભૂમિકા ભજવશે. યુવા પ્લેયરો સહિતની આ ટીમ અહીં સઘન પ્રૅક્ટિસ કરીને ટેસ્ટ રમવા ઊતરી રહી છે.’

ભૂતપૂર્વ ભારતીય ખેલાડી રમેશ પોવાર ભારતની મહિલા ટીમનો કોચ છે. હરમનપ્રીત કૌર વાઇસ-કૅપ્ટન છે. ભારતીય મહિલા ટીમ આ ટેસ્ટ રમ્યા પછી સપ્ટેમ્બરમાં ઑસ્ટ્રેલિયા જઈને પિન્ક-બૉલ ટેસ્ટ રમશે. હીધર નાઇટ ઇંગ્લૅન્ડની ટીમની સુકાની છે.

ભારતીય ટીમ ઃ મિતાલી રાજ (કૅપ્ટન), હરમનપ્રીત કૌર (વાઇસ કૅપ્ટન), એકતા બિશ્ત, તાનિયા ભાટિયા (વિકેટકીપર), સ્મૃતિ મંધાના, ઝુલન ગોસ્વામી, શિખા પાન્ડે, પૂનમ યાદવ, પ્રિયા પુનિયા, સ્નેહ રાણા, પૂનમ રાઉત, અરુંધતી રેડ્ડી, જેમાઇમા રૉડ્રિગ્સ, ઇન્દ્રાણી રૉય, શેફાલી વર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ તથા દીપ્તિ શર્મા.

બધાની નજર શેફાલી વર્મા પર
આજે ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી એકમાત્ર ટેસ્ટમાં સૌકોઈની નજર ભારતીય ઓપનિંગ બૅટ્સવુમન શેફાલી વર્મા પર રહેશે. રોહતકની ૧૭ વર્ષની આ પ્લેયર અત્યારે મહિલા ક્રિકેટની ‘હાર્ડેસ્ટ હિટર્સ’માં ગણાય છે. હજી સુધી વન-ડે ન રમેલી આ યુવા પ્લેયર એકેય ટેસ્ટ નથી રમી એ સમજી શકાય, કારણ કે સાત વર્ષથી ભારતીય ટીમ એકેય ટેસ્ટ નહોતી રમી. ભારતની ગઈ ટેસ્ટ વખતે તે માંડ ૧૦ વર્ષની હતી. તેણે ભારત વતી બાવીસ ટી૨૦ મૅચમાં ૬૧૭ રન બનાવ્યા છે. તેને તેના પિતા સંજીવ વર્માએ પર્સનલ કોચિંગ આપ્યું છે.

cricket news sports news sports indian womens cricket team