સિડનીમાં ખેલાડીઓ ઉપરાંત ભારતીય પ્રેક્ષક પણ બન્યો હતો રંગભેદનો શિકાર

17 January, 2021 01:48 PM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

સિડનીમાં ખેલાડીઓ ઉપરાંત ભારતીય પ્રેક્ષક પણ બન્યો હતો રંગભેદનો શિકાર

સ્પર્ધા જરૂરી છે, રંગભેદ નહીં: કાર-પાર્કિંગ એરિયામાં બૅનર સાથે કૃષ્ણ કુમાર.

સિડનીમાં મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ સાથે થયેલી રંગભેદની ઘટના હજી થાળે નથી પડી ત્યાં વધુ એક રંગભેદની ઘટના સામે આવી છે. સિડનીમાં ત્રીજી ટેસ્ટ મૅચ જોવા આવેલા કૃષ્ણ કુમાર નામના એક ભારતીય દર્શકે સ્ટેડિયમના સિક્યૉરિટી ગાર્ડ સામે ગેરવર્તણૂક કરી હોવાનો આરોપ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે સિક્યૉરિટી ગાર્ડે મને કહ્યું હતું કે તું જેને લાયક છે ત્યાં પાછો જતો રહે.’

શું હતી ઘટના?

વાસ્તવમાં સિડનીમાં ત્રીજા અને ચોથા દિવસે ભારતીય પ્લેયરો સાથે બનેલી રંગભેદની ઘટના બાદ મૅચના પાંચમા અને અંતિમ દિવસે કૃષ્ણ કુમાર રંગભેદનો વિરોધ કરતાં ‘નો રેસિઝમ મૅટ’, ‘બ્રાઉન ઇક્લ્યુઝન મૅટર્સ’, ‘રાઇવરી ઇઝ ગુડ, રેસિઝમ ઇઝ નૉટ’ અને ‘ક્રિકેટ ઑસ્ટ્રેલિયા... મોર ડાઇવર્સિટી પ્લીઝ’ એમ ચાર સંદેશ લખેલાં બૅનર લઈને સ્ટેડિયમ પહોંચ્યો હતો. આ બૅનર સાથે તે સ્ટેડિયમમાં પ્રવેશવા માગતો હતો, પણ તેને ગેટ પર જ રોકી દેવામાં આવ્યો હતો. આ વિશે એક અખબારને આપેલી મુલાકાતમાં કૃષ્ણ કુમારે કહ્યું કે ‘મને  સ્ટેડિયમમાં પ્રવેશ ન મળતાં મેં સિક્યૉરિટી સુપરવાઇઝર સાથે વાત કરી અને તેમણે મને કહ્યું કે તું જેને લાયક છે ત્યાં પાછો જતો રહે. મારી પાસેના બૅનર ઘણાં નાનાં હતાં છતાં મને એને અંદર નહોતાં લઈ જવા દીધાં.’

બૅનર વિના સ્ટેડિયમમાં પ્રવેશ

સિક્યૉરિટી અધિકારીઓના મતે ચાર બૅનરમાંનું એક બૅનર સાઇઝમાં મોટું હતું જેને લીધે તેને ગેટ પર અટકાવવામાં આવ્યો હતો. સિક્યૉરિટી ચેકિંગ વખતે પણ કૃષ્ણ કુમારને ખાસ્સો હેરાન કરવામાં આવ્યો હતો અને તેની આખી બૅગ ખાલી કરીને તપાસવામાં આવી હતી. આ ઉપરાંત મિડ-રૅન્કિંગ સિક્યૉરિટી ઑફિસરે પણ તેની સાથે અપશબ્દો વાપર્યા હતા. ટૂંકમાં આ ક્રિકેટપ્રેમીએ પોતાનાં બૅનર્સ કારમાં મૂકીને મૅચ જોવા બેસવું પડ્યું હતું અને તેની સીટ પાસે મૂળ ભારતની એક મહિલા ગાર્ડને તહેનાત કરી દેવામાં આવી હતી જેથી કૃષ્ન કુમાર કંઈપણ બોલે તો તે ગાર્ડ સમજી શકે. ઉલ્લેખનીય છે કે સિડનીના અધિકારીઓએ કૃષ્ણ કુમારના મામલે તપાસ શરૂ કરી દીધી છે.

sports sports news cricket news india australia test cricket