ડીને ૭૨ વખત ક્રીઝ વહેલી છોડી હતી!

28 September, 2022 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાયદામાં તો બૅટરને ચેતવણી આપવાનું પણ નથી લખ્યું : ગિલેસ્પી

ડીને ૭૨ વખત ક્રીઝ વહેલી છોડી હતી!

શનિવારે લૉર્ડ્સમાં ભારતની સ્પિનિંગ-ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ ઇંગ્લૅન્ડની ઇન્ફૉર્મ બૅટર અને બૉલ ફેંકાય એ પહેલાં જ નૉન-સ્ટ્રાઇક એન્ડ પર ક્રીઝની બહાર નીકળી ગયેલી શાર્લી ડીનને (ક્રિકેટના કાયદાની અંદર રહીને) રનઆઉટ કરી અને એ સાથે ભારતના હાથે ઇંગ્લૅન્ડનો ૩-૦થી વાઇટવૉશ થયો એ પછી દીપ્તિની ટીકા કરતાં વાહ-વાહ વધુ થઈ રહી છે. દીપ્તિએ કહ્યું કે મેં ડીનને વહેલી ક્રીઝ ન છોડવા ઘણી વાર ચેતવી હતી અને અમ્પાયરને પણ વાકેફ કર્યા હતા. ઇંગ્લૅન્ડની કૅપ્ટન હીધર નાઇટે કહ્યું કે ‘દીપ્તિ જુઠ્ઠું બોલે છે, તેણે કોઈ વૉર્નિંગ નહોતી આપી.’ જોકે રવિચન્દ્રન અશ્વિન, વીરેન્દર સેહવાગ, વસીમ જાફર, આકાશ ચોપડા ઉપરાંત ખુદ ઇંગ્લૅન્ડના ઓપનર ઍલેક્સ હેલ્સે દીપ્તિની ફેવર કરી છે.

એ તો ઠીક, પણ જાણીતા અમેરિકી પત્રકાર પીટર ડેલાએ એક રસપ્રદ વિશ્ર્લેષણ પછી મીડિયામાં લખ્યું છે : ૧૦૬ મિનિટની ઇનિંગ્સમાં ૪૭ રન બનાવનાર શાર્લી ડીન જ્યારે દીપ્તિની ૪૪મી ઓવરના ત્રીજા બૉલમાં નૉન-સ્ટ્રાઇકર્સ એન્ડ પર રનઆઉટ થઈ એ પહેલાં તેણે (ડીને) ૭૨ વખત બૉલ ફેંકાય એ પહેલાં જ ક્રીઝ છોડી હતી અને દીપ્તિનાે રનઆઉટવાળો તેનો એવો ૭૩મો બૉલ હતો. ડીન મોટા ભાગે એકથી બે ફુટ બહાર જતી રહી હોય ત્યાર પછી બૉલ ફેંકાયો હોવાનું ઘણી વાર બન્યું હતું. બીજી તરફ તેની કોઈ પણ જોડીદારે નૉન-સ્ટ્રાઇકર્સ એન્ડ પર બૉલ ફેંકાતાં પહેલાં ક્યારેય ક્રીઝ નહોતી છોડી, કારણ કે તેઓ સાવચેતીથી રમતી હતી.

ગઈ કાલે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પીએ ટ્વિટર પર લખ્યું કે ‘સ્પિરિટ ઑફ ક્રિકેટની બાબતમાં ઘણા મતમતાંતર છે, પરંતુ ખરું કહું તો બોલરે બૉલ ફેંકતાં પહેલાં બૅટરને ચેતવણી આપવી જોઈએ એવું ક્રિકેટના કાયદામાં નથી લખાયું. દરેકે કાયદાની અંદર રહીને રમવું પડે.’

sports news sports cricket news indian womens cricket team