અશ્વિન કહે છે, ‘બોલર દીપ્તિને બહાદુરીનો અવૉર્ડ આપો’ : સેહવાગ, જાફર અને ઍલેક્સ હેલ્ઝ પણ દીપ્તિની ફેવરમાં

26 September, 2022 02:29 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રવિચન્દ્રન અશ્વિને જૉસ બટલરને પોતે રનઆઉટ કરેલો એને નજરમાં રાખીને આપેલી પ્રતિક્રિયા

દીપ્તિ શર્મા એ શાર્લી ડીનને રન આઉટ કરી

રવિચન્દ્રન અશ્વિન (જૉસ બટલરને પોતે રનઆઉટ કરેલો એને નજરમાં રાખીને આપેલી પ્રતિક્રિયા) : બધાએ અશ્વિનના નામ પર બહુ ચર્ચા કરી. હવે જુઓ! આપણે બધાએ હવે બીજા બોલિંગ-હીરો દીપ્તિ શર્મા પર ચર્ચા કરવાની છે. હું તો કહું છું કે નૉન-સ્ટ્રાઇકર્સ એન્ડ પર બૅટરને રનઆઉટ કરવા બદલ બોલર્સ માટે બહાદુરીનો પુરસ્કાર જાહેર થવો જોઈએ. ભારે માનસિક દબાણમાં સમયસૂચકતા વાપરીને વિકેટ લેવા બદલ બોલરને અવૉર્ડ મળવો જોઈએ. બીજી રીતે કહું તો બોલરને આ રીતે સમયસૂચકતાથી વિકેટ અપાવવા બદલ આ વિકેટ રનઆઉટને બદલે તેના નામે જ લખાવી જોઈએ.

વીરેન્દર સેહવાગ (દીપ્તિએ કરેલા રનઆઉટ વિશે ઇંગ્લૅન્ડના ક્રિકેટર્સ ક્રોધિત થયા એ મુદ્દે) : બિચારા ઇંગ્લિશ પ્લેયર્સ હારી ગયા (ઓહ! રનઆઉટ થઈ ગયા) એ જોઈને બહુ મજા પડી.

વસીમ જાફર (ભૂતપૂર્વ ભારતીય ઓપનર) : સીધી વાત કરું તો બોલર રન-અપ શરૂ કરે ત્યારથી જ બૉલ ‘ઇન પ્લે’ ગણાતો હોય. બન્ને છેડા પરના બૅટરે ત્યારથી બૉલ પર જ નજર રાખવી પડે અને એમાં જો તેઓ લાપરવાહી બતાવે તો બોલર કે ફીલ્ડર બેમાંથી કોઈને પણ રનઆઉટ કરી શકે.

ઍલેક્સ હેલ્ઝ (ઇંગ્લૅન્ડનો ઓપનર) : હું તો માનું છું કે બોલરના હાથમાંથી બૉલ રિલીઝ થાય ત્યાં સુધી પોતાની ક્રીઝમાં જ રહેવામાં નૉન-સ્ટ્રાઇકર્સ એન્ડ પરના બૅટરને કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ.

sports news sports cricket news indian womens cricket team ravichandran ashwin virender sehwag