પહેલી ટેસ્ટ પહેલાં ૨૭ જાન્યુઆરીએ ચેન્નઈમાં ભેગી થશે ટીમ ઇન્ડિયા

24 January, 2021 03:26 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પહેલી ટેસ્ટ પહેલાં ૨૭ જાન્યુઆરીએ ચેન્નઈમાં ભેગી થશે ટીમ ઇન્ડિયા

પ્રતીકાત્મક તસવીર

પાંચમી ફેબ્રુઆરીથી ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝનો ઘરઆંગણે શુભારંભ કરવા ટીમ ઇન્ડિયા ૨૭ જાન્યુઆરીએ ચેન્નઈમાં ભેગી થવાની છે. ઑસ્ટ્રેલિયાની ટૂર પરથી આવ્યા બાદ ટીમ ઇન્ડિયાના પ્લેયરો હાલમાં પોતપોતાના પરિવારજનો સાથે સમય વિતાવી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ ૨૭ જાન્યુઆરીએ ચેન્નઈમાં ભેગા થઈને બાયો-બબલમાં પ્રવેશશે, જ્યાં તેમને અને ટીમ મૅનેજમેન્ટને ૭ દિવસ ક્વૉરન્ટીન કરવામાં આવશે.

ઇંગ્લૅન્ડની ટીમ પણ ૨૬ જાન્યુઆરીએ શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પતાવીને ૨૭ જાન્યુઆરીએ સીધી ભારત આવી બાયો-બબલમાં પ્રવેશ કરશે. જોકે બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર અને રૉરી બર્ન્સ શ્રીલંકન ટેસ્ટ સિરીઝનો હિસ્સો ન હોવાથી ડાયરેક્ટ ઇંગ્લૅન્ડથી આવી રહ્યા છે અને આ ત્રિપુટી પોતાની ટીમ કરતાં વહેલી ભારત પહોંચે એવી સંભાવના છે.

બન્ને ટીમના પ્લેયર્સ અને મૅચના અધિકારીઓનો ઉતારો ચેન્નઈની લીલા પૅલેસમાં કરવામાં આવ્યો છે. ઇન્ડિયા અને ઇંગ્લૅન્ડે શરૂઆતની બે ટેસ્ટ મૅચ માટે પોતપોતાની ટીમ જાહેર કરી દીધી છે.

ઇંગ્લૅન્ડ સામે રમશે ‘ચાઇનામૅન’

ટીમ ઇન્ડિયાના મૅનેજમેન્ટે આપેલા અણસાર પ્રમાણે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ચાઇનામૅન કુલદીપ યાદવ રમી શકે છે. આ વર્ષની બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં કુલદીપનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો. ૨૦૧૮-’૧૯માં ઑસ્ટ્રેલિયાની ટૂર દરમ્યાન કુલદીપ પોતાની છેલ્લી ટેસ્ટ મૅચ રમ્યો હતો. હાલની ઑસ્ટ્રેલિયા ટૂર પર તે માત્ર એક વન-ડે અને વૉર્મ-અપ મૅચ રમ્યો હતો. ક્રિકેટ બોર્ડે પોસ્ટ કરેલા એક વિડિયોમાં અજિંક્ય રહાણે કહી રહ્યો છે કે ‘તારા માટે આ અઘરું હશે. તું અહીં એક પણ મૅચ નથી રમ્યો પણ તારો ઍટિટ્યુડ ઘણો સારો છે. આપણે હવે ઇન્ડિયામાં રમીશું. તારો વારો પણ આવશે. મહેનત કરતો રહેજે.’

sports sports news cricket news england india