અમેરિકામાં આજે ભારતીય ખેલાડીઓમાં ‘એશિયા કપ માટે સ્પર્ધા’ : સિરીઝ વિનનો મોકો

06 August, 2022 03:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટૂંકી બાઉન્ડરીવાળા ગ્રાઉન્ડ પર વેસ્ટ ઇન્ડીઝ સામે શ્રેણીની ચોથી ટી૨૦ મૅચ : મૅચનો સમય - રાત્રે ૮ વાગ્યાથી

હાર્દિક પંડ્યા બન્યો પોલાર્ડનો મહેમાન : આજની અમેરિકા ખાતેની ચોથી ટી૨૦ પહેલાં હાર્દિક પંડ્યા વેસ્ટ ઇન્ડીઝમાં મુંબઈ ઇન્ડિયન્સના તેના ભૂતપૂર્વ સાથી ખેલાડી કીરોન પોલાર્ડનો મહેમાન બન્યો હતો. હાર્દિકે તેના પરિવારને મળ્યા પછી ટ્વીટમાં લખેલું, ‘કિંગના ઘરે ન જાઉં તો મારો કૅરિબિયન પ્રવાસ અધૂરો કહેવાય. પૉલી મારા ફેવરિટ ખેલાડી, તને અને તારા સુંદર પરિવારનો ખૂબ ખૂબ આભાર.’

વેસ્ટ ઇન્ડીઝમાં રમાયેલી પહેલી ત્રણ ટી૨૦માં ભારત ૨-૧થી આગળ છે અને હવે આજે અમેરિકાના ફ્લૉરિડામાં રમાનારી શ્રેણીની ચોથી મૅચ જીતીને ભારત ૩-૧ના માર્જિન સાથે ટ્રોફી પર કબજો કરી શકશે. સિરીઝની પાંચમી અને આખરી મૅચ આવતી કાલે આ જ સ્થળે રમાશે.

ફ્લૉરિડામાં લોડરહિલના ટૂંકી બાઉન્ડરીવાળા મેદાન પર ભારતે વેસ્ટ ઇન્ડીઝને ત્રણમાંથી બે ટી૨૦માં હરાવ્યું છે. ભારતીય ખેલાડીઓ મહામહેનતે વિઝા મળ્યા બાદ અમેરિકા પહોંચ્યા છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પાંચ ટી૨૦ની સિરીઝ આવતી કાલે પૂરી થયા બાદ ભારતની ઝિમ્બાબ્વે સામે હરારેમાં ત્રણ વન-ડે રમાશે અને પછી ૨૭ ઑગસ્ટે યુએઈમાં ટી૨૦ એશિયા કપ શરૂ થશે, જેમાં ભારતની પહેલી મૅચ ૨૮ ઑગસ્ટે પાકિસ્તાન સામે રમાશે. એશિયા કપ પછી ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયામાં ટી૨૦ વર્લ્ડ કપ પણ રમાવાનો છે.

એશિયા કપ માટેની ટીમમાં સ્થાન મેળવવા ભારતના કેટલાક ખેલાડીઓ વચ્ચે સુખદ હરીફાઈ જોવા મળશે. ખાસ કરીને બૅટિંગ લાઇન-અપમાં ચડિયાતા પુરવાર થવા શ્રેયસ ઐયર અને દીપક હૂડા વચ્ચે સ્પર્ધા જોવા મળી શકે. ઐયર થોડા દિવસથી બહુ સારા ફૉર્મમાં છે. ત્રણ મૅચ પહેલાંની તેની ત્રણ ઇનિંગ્સના સ્કોર્સ (૫૪, ૬૩, ૪૪) સૌથી ધ્યાન ખેંચનારા છે. જોકે દીપક હૂડાને જ્યારે પણ ઇલેવનમાં આવવાનો મોકો મળ્યો છે ત્યારે તેણે તક ઝડપી લીધી છે. બીજી ઑગસ્ટની મૅચના અણનમ ૧૦ રનને બાદ કરતાં તેની આગલી ૭ ઇનિંગ્સના સ્કોર આ મુજબ હતા ઃ ૩૩, ૨૭, ૩૩, ૫૯, ૧૦૪, અણનમ ૪૭ અને ૪૫. કે. એલ. રાહુલ અને વિરાટ કોહલી એશિયા કપથી ટીમમાં કમબૅક કરવાના છે એટલે બૅટિંગ લાઇન-અપમાં જોરદાર હરીફાઈ જામશે.

આજે રોહિત રમશે કે નહીં?

રોહિત શર્માને ત્રીજી ટી૨૦માં પીઠમાં ઈજા થઈ હતી. તે આજે રમશે કે નહીં એનો આધાર તેની ૧૦૦ ટકા ફિટનેસ પર હશે. તે વિરાટ કોહલી પછી કૅપ્ટન બન્યો ત્યાર બાદ તે જેટલી મૅચ રમ્યો છે એનાથી વધુ મૅચ તેણે ઈજાને કારણે ગુમાવી છે.

બન્નેની સંભવિત ટીમ?

ભારત : રોહિત શર્મા (કૅપ્ટન), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવીન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, આર. અશ્વિન, ચહલ અને અર્શદીપ સિંહ.

વેસ્ટ ઇન્ડીઝ : નિકોલસ પૂરન (કૅપ્ટન), ડેવોન થોમસ (વિકેટકીપર), કાઇલ માયર્સ, બ્રેન્ડન કિંગ, શિમરન હેટમાયર, રૉવમૅન પૉવેલ, જેસન હોલ્ડર, અકીલ હોસૈન, ડોમિનિક ડ્રેક્સ, અલ્ઝારી જોસેફ અને ઑબેડ મૅકોય.

sports sports news cricket news india west indies