બન્ને કૅપ્ટન બે-બે જીતથી ખુશ

21 June, 2022 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિષભ પંત માટે કૅપ્ટન તરીકે આ પહેલી જ સિરીઝ હતી જેમાં તેણે શ્રેણીની ન તો હાર જોવી પડી કે ન તે ટીમને જીતતી જોઈ શક્યો

મહેમાન ટીમનો કાર્યવાહક સુકાની કેશવ મહારાજ કૅઝ્‍યુઅલ ડ્રેસમાં ટ્રોફી લેવા આવ્યો હતો, જ્યારે યજમાન ટીમનો નવો કૅપ્ટન રિષભ પંત મૅચના જ ડ્રેસમાં હતો

રવિવારે બૅન્ગલોરમાં વરસાદને કારણે નિર્ણાયક ટી૨૦ મૅચ ૩.૩ ઓવર્સ બાદ રદ કરવામાં આવતાં ભારત અને સાઉથ આફ્રિકાની સિરીઝ ૨-૨થી ડ્રૉ રહી હતી. મહેમાન ટીમનો કાર્યવાહક સુકાની કેશવ મહારાજ કૅઝ્‍યુઅલ ડ્રેસમાં ટ્રોફી લેવા આવ્યો હતો, જ્યારે યજમાન ટીમનો નવો કૅપ્ટન રિષભ પંત મૅચના જ ડ્રેસમાં હતો. મહારાજે કહ્યું કે ‘અમે પહેલી બે મૅચમાં જે રીતે રમ્યા એનાથી અમે સંતુષ્ટ છીએ અને એમાં પ્લેયર્સનાં જે કૉમ્બિનેશન અપનાવ્યાં એનાથી ખુશ છીએ. અમે ભારતની મજબૂત ટીમ સામે શ્રેણી ડ્રૉ કરાવવામાં સફળ રહ્યા.’ સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે પોતાની ટીમને ભારત સામેની શ્રેણી ૨-૨થી ડ્રૉ કરાવવા બદલ શાબાશી આપી છે.

રિષભ પંત માટે કૅપ્ટન તરીકે આ પહેલી જ સિરીઝ હતી જેમાં તેણે શ્રેણીની ન તો હાર જોવી પડી કે ન તે ટીમને જીતતી જોઈ શક્યો. જોકે આઇપીએલમાં દિલ્હી કૅપિટલ્સની કૅપ્ટન્સી સંભાળ્યા પછી હવે ભારતનું સુકાન સંભાળનાર રિષભ પંતે રવિવારે કહ્યું, ‘અમે તો આ સિરીઝમાંથી ઘણા પૉઝિટિવ્સ મેળવ્યા. ૦-૨થી પાછળ રહ્યા બાદ ટીમ ઇન્ડિયાએ બહુ સારું પર્ફોર્મ કર્યું. ભૂલો થઈ, પણ અમારી ટીમ યોગ્ય દિશામાં જઈ રહી છે. હું એકસાથે પાંચ ટૉસ પહેલી વાર હાર્યો છું, પરંતુ એના વિશે હું ખાસ કંઈ વિચારતો નથી. હવે હું વિકેટકીપર-બૅટર તરીકે ઇંગ્લૅન્ડમાં એકમાત્ર ટેસ્ટ જિતાડવા પર ધ્યાન આપીશ.’

ભારતીય ટીમ ગઈ કાલે બૅન્ગલોરથી ખુશખુશાલ હાલતમાં રવાના થઈ હતી.

sports sports news cricket news india south africa