સાઉથ આફ્રિકામાં વિરાટસેનાની શરણાગતિ

15 January, 2022 02:42 PM IST  |  Cape Town | Gujarati Mid-day Online Correspondent

આફ્રિકાની સાધારણ ટીમે ભારતના સ્ટાર પ્લેયરવાળી ટીમને ત્રીજી ટેસ્ટ અને સિરીઝમાં હરાવી દીધી ઃ પીટરસન શ્રેણીનો સુપરસ્ટાર

નંબર વન ભારતને હરાવનાર સાઉથ આફ્રિકાની ચૅમ્પિયન ટીમ. (તસવીર : એ.પી.)

સાઉથ આફ્રિકામાં રમાયેલી ફ્રીડમ ટ્રોફી ટેસ્ટ-સિરીઝમાં ૩૦ ડિસેમ્બરે ભારતીયો સેન્ચુરિયનની પ્રથમ મૅચ જીત્યા ત્યારે કહેવાતું હતું કે ભારતે યજમાન ટીમનો ગઢ જીતી લીધો અને ૨૦૨૧ના વર્ષને વિજય સાથે વિદાય આપી એટલે હવે પહેલી વાર સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ-શ્રેણી જીતવાનો દિવસ બહુ દૂર નથી. જોકે ૧-૦ની એ સરસાઈ બાદ ટીમ ઇન્ડિયા વર્ષ ૨૦૨૨ની શરૂઆતમાં જોતજોતામાં ઉપરાઉપરી બે ટેસ્ટ હારી ગઈ અને ઐતિહાસિક શ્રેણી-વિજયનું દાયકાઓ જૂનું સપનું ફરી અધૂરું રહી ગયું.
સાઉથ આફ્રિકાની સાધારણ ટીમે ભારતના સ્ટાર ખેલાડીઓવાળી ટીમને આસાનીથી હરાવી દીધી છે.
ગઈ કાલે નિર્ણાયક ટેસ્ટના ચોથા દિવસે સાઉથ આફ્રિકાએ ૨૧૨ રનનો નાનો લક્ષ્યાંક આસાનીથી ત્રણ જ વિકેટના ભોગે મેળવી લીધો અને એ સાથે ૨-૧ના માર્જિન સાથે સિરીઝની ટ્રોફી પર સહજતાપૂર્વક કબજો કરી લીધો. સાઉથ આફ્રિકાએ ૧૦૧/૨ના સ્કોર પરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું અને યુવા પ્લેયર કીગન પીટરસન (૧૧૩ બૉલમાં ૮૨ રન) અને રૅસી વૅન ડર ડુસેન (૪૧ અણનમ)ની જોડીએ ત્રીજી વિકેટ માટે ૫૪ રનની ભાગીદારી કરીને સિરીઝ પોતાની તરફેણમાં કરી લીધી હતી. અધૂરામાં પૂરું, ટેમ્બા બવુમા (૩૨ અણનમ)એ ભારતીયો માટે કોઈ મોકો નહોતો છોડ્યો. એ પહેલાં ડીન એલ્ગરે ૩૦ રન બનાવ્યા હતા. ભારતીયોમાંથી બુમરાહ, શમી અને શાર્દુલને એક-એક વિકેટ મળી હતી.
નવાસવા પીટરસનને બન્ને અવૉર્ડ
ભારતની અનુભવી ટીમ સામે હજી એક વર્ષથી ટેસ્ટ રમતા અને પાંચ જ ટેસ્ટ રમેલો કીગન પીટરસન ગઈ કાલે મૅન ઑફ ધ મૅચ અને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર જીતી ગયો હતો. સિરીઝમાં તેના ૨૭૬ રન હાઇએસ્ટ હતા.
આફ્રિકાને બે વાર ૧૨ પૉઇન્ટ મળ્યા
ભારતે પહેલી ટેસ્ટ જીતેલી ત્યારે ભારતને ૧૧ પૉઇન્ટ મળ્યા હતા અને સાઉથ આફ્રિકાને એકેય પૉઇન્ટ નહોતો મળ્યો. બીજી ટેસ્ટના વિજય સાથે યજમાન ટીમના ૧૨ પૉઇન્ટ સાથે ભારતના નસીબમાં ૦ આવ્યો હતો. ગઈ કાલે પણ ૧૨-૦નું પુનરાવર્તન થયું હતું.
કોહલીની કૅપ્ટન્સી ભયમાં
વિરાટ કોહલી ટી-૨૦ અને વન-ડેમાં કૅપ્ટન હતો ત્યારે ભારત ક્યારેય કોઈ મોટી આઇસીસી ટુર્નામેન્ટ નહોતું જીત્યું અને હવે ટેસ્ટમાં પણ તેને મોટી જીત હાથતાળી આપી રહી છે. એ જોતાં તેની ટેસ્ટ-કૅપ્ટન્સી પણ ભયમાં કહી શકાય. ખુદ ભૂતપૂર્વ હેડ-કોચ અને કોહલીના નજીકના મિત્ર રવિ શાસ્ત્રીએ થોડા દિવસ પહેલાં આગાહી કરી હતી કે કોહલી થોડા સમયમાં બધી કૅપ્ટન્સી છોડી દેશે.

1
આટલામી ટેસ્ટ-રૅન્ક ધરાવતું ભારત ગઈ કાલે ૬ નંબરની રૅન્કના સાઉથ આફ્રિકા સામે સિરીઝ ૧-૨થી હારી ગયું.

"ટીમ ઇન્ડિયાની બૅટિંગમાં ઘણો સુધારો કરવાની જરૂર છે. વારંવાર ધબડકો થાય છે અને એ વાસ્તવિકતાથી કોઈ છટકી ન શકે. આ સ્થિતિ જરાય સારી ન કહેવાય." વિરાટ કોહલી

ભારતની હારનાં સાત કારણો

(૧) સાઉથ આફ્રિકા સામે સિરીઝમાં રમેલી બે ટેસ્ટના ચારમાંથી એક જ દાવમાં હાફ સેન્ચુરી કરી શકનાર ખુદ કૅપ્ટન કોહલીએ ગઈ કાલના પરાજય પછી કહ્યું, ‘અમારી ટીમ સતત સારું ન રમી શકી, ખેલાડીઓએ બૅટિંગમાં સમજદારી પણ ન બતાવી, તેમની એકાગ્રતામાં ખામી હતી અને કટોકટીના સમયે ફાયદો ઉઠાવી સારો પર્ફોર્મન્સ બતાવવામાં અસમર્થ પણ રહ્યા.’
(૨) કે. એલ. રાહુલ અને મયંક અગરવાલની ભારતની મજબૂત મનાતી ઓપનિંગ પાર્ટનરશિપની ત્રણ ટેસ્ટના છમાંથી માત્ર એક જ દાવમાં કમાલ જોવા મળી. ‘સારી શરૂઆત થાય તો મૅચ અડધી જીતી ગઈ કહેવાય’ એવું ક્રિકેટમાં કહેવાય છે, પણ રાહુલ-મયંકે એ બાબતમાં સાઉથ આફ્રિકામાં ભારતને નિરાશ કર્યું. તેમની છ દાવની ભાગીદારીઓ આ પ્રમાણે હતી ઃ ૧૧૭ રન, ૧૨ રન, ૩૬ રન, ૨૪ રન, ૩૧ રન અને ૨૦ રન.
(૩) મિડલ-ઑર્ડર દરેક ટીમનો બૅક-બૉન કહેવાય એટલે ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે પાસે મોટી આશા હતી, પણ તેમણે સદંતર નિરાશ કર્યા. પુજારાના છ દાવના રન ઃ ૦, ૧૬, ૩, ૫૩, ૪૩ અને ૯. રહાણેના છ દાવના રન ઃ ૪૮, ૨૦, ૦, ૮, ૯ અને ૧.
(૪) રિષભ પંત બન્ને દેશના વિકેટકીપરોમાં કુલ ૧૩ શિકાર સાથે બીજા નંબર પર હતો, પરંતુ ક્રિકેટમાં તો સારા વિકેટકીપરે સારી બૅટિંગ પણ કરવાની હોય છે. જોકે પંત ત્રીજી ટેસ્ટના બીજા દાવના અણનમ ૧૦૦ રનને બાદ કરતાં આગલા પાંચેય દાવમાં ફ્લૉપ ગયો હતો. સિરીઝમાં તેના પહેલી પાંચ ઇનિંગ્સના રન આ મુજબ હતા ઃ ૮, ૩૪, ૧૭, ૦ અને ૨૭.
(૫) સાઉથ આફ્રિકા કરતાં ભારતની બૅટિંગ લાઇન-અપ ઘણી અનુભવી હતી, પણ તેમની સામે વિરાટસેના વામણી પુરવાર થઈ. બન્ને ટીમમાંથી માત્ર બે ભારતીયો (રાહુલ અને પંત) એક-એક સદી ફટકારી શક્યા, પરંતુ બેઉ ટીમમાં જે કુલ ૧૨ હાફ સેન્ચુરીઓ નોંધાઈ એમાંથી સાત સાઉથ આફ્રિકનોની અને માત્ર પાંચ ભારતીયોની હતી.
(૬) સિરીઝના ટોચના ચારમાંથી ત્રણ બૅટર્સ સાઉથ આફ્રિકાના હતા ઃ કીગન પીટરસન (કુલ ૨૭૬ રન), ડીન એલ્ગર (કુલ ૨૩૫ રન), કે. એલ. રાહુલ (૨૨૬ રન) અને ટેમ્બા બવુમા (૨૨૧ રન).
(૭) સાઉથ આફ્રિકાની ત્રણેય મૅચની પિચ પેસ બોલરોને સૌથી વધુ માફક આવે એવી હતી. રવિચન્દ્રન અશ્વિન ટેસ્ટ બોલરોમાં નંબર-ટૂ અને ઑલરાઉન્ડરોમાં નંબર-ટૂ છે, પરંતુ આ સિરીઝમાં તેને બહુ બોલિંગ જ ન કરવા મળી અને મળી ત્યારે વિકેટનો મોકો ન મળ્યો. છ ઇનિંગ્સમાં તેણે ૬૪ ઓવર બોલિંગ કરી જેમાં તે ત્રણ જ વિકેટ લઈ શક્યો. બીજી તરફ, ભારતીય પેસ બોલરોએ કુલ ૪૩ વિકેટ લીધી હતી. એ તો ઠીક, પણ ભારતીય બૅટર્સ ખાસ કરીને સાઉથ આફ્રિકાના ટોચના ત્રણ પેસ બોલર્સ સામે ઝૂકી ગયા હતા. કૅગિસો રબાડાએ સિરીઝમાં સૌથી વધુ ૨૦ વિકેટ, બીજા નંબરના માર્કો જેન્સને ૧૯ વિકેટ લીધી, જ્યારે ત્રીજા નંબરે લુન્જી ઍન્ગિડીએ ૧૫ વિકેટ લીધી હતી.

sports sports news cricket news test cricket india south africa