સિરાજની જગ્યાએ કોને મળશે ચાન્સ, ઉમેશ કે ઇશાન્તને?

09 January, 2022 01:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સેકન્ડ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં બોલિંગ દરમ્યાન સિરાજના સ્નાયુઓ ખેંચાઈ ગયા હતા

મોહમ્મદ સિરાજ

સાઉથ આફ્રિકા સામે રમાનારી ત્રીજી અને છેલ્લી ટેસ્ટ માટે ઈજાગ્રસ્ત મોહમ્મદ સિરાજના સ્થાને આઉટ-સ્વિંગર ઉમેશ યાદવને બદલે અનુભવી ઇશાન્ત શર્માને તક મળે એવી શક્યતા વધુ છે. સેકન્ડ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં બોલિંગ દરમ્યાન સિરાજના સ્નાયુઓ ખેંચાઈ ગયા હતા. પરિણામે તે માત્ર ૧૫.૫ ઓવર જ નાખી શક્યો હતો. એને કારણે ૨૪૦ રનના બચાવ કરવા માટેની ભારતની યોજના પર પણ અસર પડી હતી. 
મંગળવારથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાં ભારતના ઇશાન્ત શાર્મને તક મળે એવી શક્યતા છે. ભલે હાલમાં તેનું પ્રદર્શન એટલું સારું નથી રહ્યું, પરંતુ તેની પાસે ૧૦૦ ટેસ્ટ રમવાનો અનુભવ છે. ઈજા બાદ વાપસી કરી રહેલો કૅપ્ટન વિરાટ કોહલી પણ ઇશાન્તને જ પસંદ કરે એવી શક્યતા છે. કારણ કે તેની ૬ ફુટ ૩ ઇંચની ઊંચાઈ સાઉથ આફ્રિકાના બૅટરો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. માર્કો જેનસન અને ડ્યુએન ઑલિવિયર સામે ભારતીય બૅટરો પણ કંઈક આવી જ હાલત અનુભવે છે. દ્રવિડે કહ્યું હતું કે ‘ઊંચાઈને કારણે તેઓ બૉલને કંઈક અલગ પ્રકારની ગતિ આપી શકે છે, જે ઘણી વખત ફરક પાડી શકે છે.’ ભૂતપૂર્વ સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યું કે જોહનિસબર્ગમાં આપણને એક ફાસ્ટ બોલરની ખોટ પડી હતી. આવા ટ્રૅક પર ઉમેશ કરતાં ઇશાન્ત વધુ સારો છે. જો ભારતીય પિચ હોય તો મારી પસંદગી ચોક્કસ ઉમેશ હોઈ શકે, પણ કોહલીને ઇશાન્તની ક્ષમતા પર કેટલો વિશ્વાસ છે એ મામલે કંઈ કહી શકાય નહીં.’

sports sports news cricket news india south africa