19 December, 2025 08:22 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદના ઍરપોર્ટ પર ગઈ કાલે ભારતનો T20 કૅપ્ટન શુભમન ગિલ તેમ જ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની કહેવાતી ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે જોવા મળ્યો હતો. સંજુ સૅમસન પણ અમદાવાદ પહોંચી ગયો હતો.
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 સિરીઝની અંતિમ અને પાંચમી મૅચ રમાશે. ઘરઆંગણે સતત ૧૮મી T20 સિરીઝમાં અજેય રહેલું ભારત આજે ૩-૧થી સિરીઝ સમાપ્ત કરવાનો ટાર્ગેટ રાખશે. મહેમાન ટીમ સાઉથ આફ્રિકા લખનઉની રદ મૅચ બાદ સિરીઝને ૨-૨થી ડ્રૉ કરવા માટે પૂરેપૂરો પ્રયાસ કરશે.
ગઈ કાલે અમદાવાદના ઍરપોર્ટ પર સાઉથ આફ્રિકાનો કૅપ્ટન એઇડન માર્કરમ, ક્વિન્ટન ડી કૉક, લુન્ગી ઍન્ગિડી અને ટીમનો કોચ માર્ક બાઉચર જોવા મળ્યા હતા
કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને વાઇસ-કૅપ્ટન શુભમન ગિલના ખરાબ પ્રદર્શનને કારણે ભારતને વર્લ્ડ કપ માટે ટીમ-કૉમ્બિનેશન નક્કી કરવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના સ્ટેડિયમમાં બે વર્ષ બાદ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમાશે. ભારત અહીં સાતમાંથી પાંચ મૅચ જીત્યું છે અને ૨૦૨૧માં માત્ર બે મૅચ હાર્યું હતું. સાઉથ આફ્રિકા અહીં પહેલી વખત T20 મૅચ રમશે.