રાજકોટમાં ભારતને સિરીઝ જીવંત રાખવાનો આજે મોકો

17 June, 2022 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખંઢેરીમાં ભારત ત્રણમાંથી બે ટી૨૦ જીત્યું છે : મંગળવારની જીતથી ભારતીયોનો જુસ્સો બુલંદ છે

રિષભ પંત

રાજકોટ નજીક ખંઢેરી ખાતેના મેદાન પર આજે રિષભ પંતના સુકાનમાં ભારતીય ટીમ ટેમ્બા બવુમાના સુકાન હેઠળની સાઉથ આફ્રિકા સામે જીતીને ટી૨૦ સિરીઝને ૨-૨થી લેવલ કરીને જીવંત રાખવા માટે ફેવરિટ છે. જો આવું બનશે તો રવિવારની બૅન્ગલોર ખાતેની છેલ્લી મૅચ નિર્ણાયક બનશે.

ખુદ કૅપ્ટન રિષભ પંત ફૉર્મમાં આવશે તો સોનામાં સુગંધ ભળશે, પરંતુ જો એવું નહીં બને તો પણ ઓપનર્સ ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશનના ફૉર્મને જોતાં ભારતને આજે પણ સારી શરૂઆત મળશે એવું કહી શકાય. મંગળવારે તેમની વચ્ચેની ૯૭ રનની ભાગીદારીથી જ ભારતની જીતનો પાયો નખાયો હતો અને પછી મૅન ઑફ ધ મૅચ યુઝવેન્દ્ર ચહલની મુખ્ય ત્રણ વિકેટને કારણે તેમ જ સૌથી વધુ ચાર વિકેટ લેનાર હર્ષલ પટેલના તરખાટથી ભારતે છેવટે સિરીઝમાં જીતવાની શરૂઆત કરી હતી.

રાજકોટમાં ભારત ત્રણ ટી૨૦ રમ્યું છે. ૨૦૧૩માં ભારતે ઑસ્ટ્રેલિયાને ૬ વિકેટે હરાવ્યું હતું, ૨૦૧૭માં ન્યુ ઝીલૅન્ડ સામે ભારતનો ૪૦ રનથી પરાજય થયો હતો, પરંતુ ૨૦૧૯માં ભારતે બંગલાદેશ સામે ૮ વિકેટે જીત મેળવી હતી. સાઉથ આફ્રિકા અહીંના મેદાન પર વન-ડે જીત્યું છે, પરંતુ એકેય ટી૨૦ નથી રમ્યું.

sports sports news cricket news india south africa t20 international