કોહલી સામે રબાડા જીત્યો : ભારતીય બોલરોની પરીક્ષા

12 January, 2022 11:49 AM IST  |  Cape Town | Gujarati Mid-day Online Correspondent

નિર્ણાયક ટેસ્ટમાં પહેલા દિવસે ભારત ૨૨૩ રનમાં ઑલઆઉટ

વિરાટ કોહલી ગઈ કાલનો સુપર-બૅટર હતો

કેપ ટાઉનમાં ગઈ કાલે સાઉથ આફ્રિકા સામેની નિર્ણાયક ટેસ્ટમાં પ્રથમ દિવસે ભારતીય ટીમે બૅટિંગ લીધી હતી, પરંતુ ૨૨૩ રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી. હવે ભારતીય બોલરોની આકરી કસોટી થશે. ભારત આ મૅચ જીતશે તો સાઉથ આફ્રિકામાં પહેલી જ વાર ટેસ્ટ-સિરીઝની ટ્રોફી પર કબજો કરશે. ગઈ કાલની રમતને અંતે સાઉથ આફ્રિકાનો સ્કોર એક વિકેટે 17 રન હતો. બુમરાહે ગઈ મેચના હીરો ડીન એલગરને આઉટ કર્યો હતો.
કમબૅક-કૅપ્ટન વિરાટ કોહલી (૭૯ રન, ૨૦૧ બૉલ, એક સિક્સર, બાર ફોર) ગઈ કાલનો સુપર-બૅટર હતો. તે ૫૦મી ટેસ્ટ રમી રહેલા ફાસ્ટ બોલર કૅગિસો રબાડા સામે ખૂબ લડ્યો હતો. રબાડાની સચોટ અને ધારદાર બોલિંગ સામે કોહલી ધૈર્ય, સંકલ્પ અને સંયમથી રમ્યો હતો, પણ છેવટે ભારતના દાવની ૭૩મી ઓવરમાં કોહલી ૯મી વિકેટ રૂપે રબાડાનો શિકાર થઈ ગયો હતો. રબાડાના ઑફ તરફના બૉલને અડવા જતાં તે વિકેટકીપર કાઇલ વરેઇનને કૅચ આપી બેઠો હતો.
કોહલીની ત્રણ ભાગીદારી
ચોથા નંબરે રમવા આવ્યા બાદ છેક નવમી વિકેટના રૂપમાં તે આઉટ થયો ત્યાં સુધીમાં તેની સાથે ત્રણ બૅટર્સ સાધારણ પાર્ટનરશિપ કરી શક્યા હતા. ૭૭ બૉલમાં ૭ ફોરની મદદથી ૪૩ રન બનાવનાર ચેતેશ્વર પુજારા સાથે ત્રીજી વિકેટ માટે કોહલીની ૬૨ રનની અને ૫૦ બૉલમાં ચાર ચોક્કા સાથે ૨૭ રન બનાવનાર વિકેટકીપર રિષભ પંત સાથે પાંચમી 
વિકેટ માટે કોહલીની ૫૧ રનની ભાગીદારી થઈ હતી. ૧૨ રનનું યોગદાન આપનાર શાર્દુલ ઠાકુર સાથે સાતમી 
વિકેટ માટે કોહલીની ૩૦ રનની પાર્ટનરશિપ થઈ હતી.
ભારતના ૨૨૩ રન ૭૭.૩ ઓવરમાં બન્યા હતા. રબાડાએ સૌથી વધુ ૪ તથા માર્કો જેન્સેને ૩ વિકેટ લીધી હતી. ઑલિવિયર, લુન્ગી અ’ન્ગિડી અને કેશવ મહારાજને એક-એક વિકેટ મળી હતી.
વિકેટકીપરે પકડ્યા પાંચ કૅચ
સાઉથ આફ્રિકાના વિકેટકીપર કાઇલ વરેઇને ગઈ કાલે પાંચ કૅચ પકડ્યા હતા. તેનો શિકાર બનનાર ભારતીય બૅટર્સમાં કે. એલ. રાહુલ (‍૧૨), પુજારા (૪૩), કોહલી (૭૯), રહાણે (૯) અને અશ્વિન (૨)નો સમાવેશ હતો.
રબાડાએ જે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી એમાં કોહલી ઉપરાંત મયંક અગરવાલ (૧૫ રન), રહાણે તથા બુમરાહ (ઝીરો) સામેલ હતા.
વિરાટ કોહલી ટીમમાં પાછો ફરતાં હનુમા વિહારીને પડતો મુકાયો છે, જ્યારે ઈજાગ્રસ્ત મોહમ્મદ સિરાજના સ્થાને ઉમેશ યાદવને ટીમમાં સમાવાયો છે.

sports sports news cricket news test cricket india south africa