આજે કોહલી-રાહુલને આરામ, પણ બોલર્સની ફરી કસોટી

04 October, 2022 12:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મૅચનો સમય સાંજે ૭.૦૦ વાગ્યાથી

વિરાટ કોહલી અને કે. એલ. રાહુલ

ભારતે રવિવારે ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે પહેલી વાર ટી૨૦ સિરીઝ જીતી લીધી એ પછી હવે આજે રોહિત શર્મા ઍન્ડ કંપની ૩-૦થી ક્લીન સ્વીપ કરવા કોઈ કસર બાકી નહીં રાખે. ટીમ મૅનેજમેન્ટે ઇન્દોર ખાતેની આજની મૅચ માટેની ટીમમાંથી વિરાટ કોહલીને અને વાઇસ-કૅપ્ટન કે. એલ. રાહુલને આરામ આપવાનું નક્કી કર્યું છે. બન્ને ખેલાડીઓ સહિત આગામી ટી૨૦ વર્લ્ડ કપના કોઈ ખેલાડીને ૬ ઑક્ટોબરે સાઉથ આફ્રિકા સામે શરૂ થનારી વન-ડે સિરીઝની ટીમમાં ન સમાવાયા હોવાથી હવે કોહલી અને રાહુલ મુંબઈ આવ્યા બાદ ૬ તારીખે ટી૨૦ ટીમ સાથે જોડાશે અને એ ટીમ એ દિવસે ઑસ્ટ્રેલિયા જવા રવાના થશે, જ્યાં ૧૬મીથી ટી૨૦ વર્લ્ડ કપ રમાશે.આજે રાહુલને રેસ્ટ અપાયો હોવાથી ઓપનિંગમાં રોહિત સાથે સૂર્યકુમાર યાદવ અથવા રિષભ પંત રમશે.બોલિંગમાં મોહમ્મદ સિરાજ અથવા ઉમેશ યાદવને આજે રમવાનો મોકો મળી શકે.

રવિવારે સાઉથ આફ્રિકાની ટીમના ડેવિડ મિલર (૧૦૬ અણનમ, ૪૭ બૉલ, ૭ સિક્સર, ૮ ફોર) અને ક્વિન્ટન ડિકૉક (૬૯ અણનમ, ૪૮ બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) ગજબના ફૉર્મમાં હોવાથી આજે ભારતીય બોલર્સની આકરી કસોટી થશે, કારણ કે રવિવારે આ બન્ને બૅટર્સે પોતાની ટીમને જીતની લગોલગ લાવી દીધી હતી. મહેમાન ટીમ ફક્ત ૧૬ રનથી હારી ગઈ હતી. મૅન ઑફ ધ મૅચ સૂર્યકુમારે બાવીસ બૉલમાં પાંચ સિક્સર, પાંચ ફોરની મદદથી ૬૧ રન બનાવ્યા હતા. ઓપનર રાહુલે ૨૮ બૉલમાં ચાર સિક્સર, પાંચ ફોર સાથે ૫૭ રન બનાવ્યા હતા. કોહલી (૪૯ અણનમ) એક રન માટે ૩૪મી હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો.

રવિવારે મને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો એનાથી ખુદ મને નવાઈ લાગી હતી. ખરેખર તો સૂર્યકુમારે ગેમ બદલી નાખી હતી અને તેને જ આ પુરસ્કાર મળવો જોઈતો હતો.
કે. એલ. રાહુલ

sports sports news indian cricket team cricket news t20 international virat kohli kl rahul