પંતની પલ્ટન માટે આજે ‘ડૂ ઑર ડાઇ’

14 June, 2022 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતે સિરીઝની હારથી બચવા સાઉથ આફ્રિકા સામે જીતવું જ પડશે

આજે પંત ભારતને હારથી બચાવશે કે બવુમા સાઉથ આફ્રિકાને જિતાડશે?

ઑક્ટોબર ૨૦૧૫માં એટલે પોણાસાત વર્ષ પહેલાં સાઉથ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસમાં પહેલી વાર ટી૨૦ સિરીઝ ૨-૦થી જીતી હતી ત્યારે ફૅફ ડુ પ્લેસીની એ ટીમમાં ડેવિડ મિલર તથા કૅગિસો રબાડા હતા અને અત્યારે એ બે ખેલાડી વર્તમાન શ્રેણીમાં પણ છે અને આજે તેમના દેશને ભારત સામે બીજી વાર સિરીઝ જીતવાનો મોકો છે. ટેમ્બા બવુમાના નેતૃત્વ હેઠળની ટીમ આજે વિશાખાપટનમમાં (સાંજે ૭.૦૦ વાગ્યાથી) રમાનારી પાંચ મૅચવાળી શ્રેણીની ત્રીજી મૅચ પણ જીતી લેશે તો શ્રેણી પર ૩-૦ની વિજયી સરસાઈ મેળવી લેશે.

મુખ્ય કૅપ્ટન રોહિત શર્મા અને કાર્યવાહક સુકાની કે. એલ. રાહુલની ગેરહાજરીમાં રિષભ પંતની કૅપ્ટન્સીની અત્યારે આકરી કસોટી થઈ રહી છે.

સ્પિનરો પર મોટો મદાર
આજે હારની હૅટ-ટ્રિકથી બચવા ખુદ કૅપ્ટન રિષભ પંત (૨૯ અને ૫ રન) પર તેમ જ (જો ઇલેવનમાં સમાવેશ થાય તો) ઓપનર ઋતુરાજ ગાયકવાડ (૨૩ અને ૧ રન) પર પ્રચંડ પ્રેશર રહેશે. પંત ૪૫ ટી૨૦માં માત્ર ત્રણ હાફ સેન્ચુરી કરી શક્યો છે. ભારતીય સ્પિનરો યુઝવેન્દ્ર ચહલ (બે મૅચમાં કુલ ૬ ઓવરમાં આપ્યા ૭૫ રન) અને અક્ષર પટેલ (કુલ પાંચ ઓવરમાં આપ્યા ૫૯ રન) પર પણ આજે દબાણ રહેશે. ભારતીય ટીમ સતત ૧૨ ટી૨૦ જીતીને આ સિરીઝમાં રમવા ઊતરી હતી, પણ હવે લાગલગાટ બે પરાજયને પગલે સિરીઝની હારથી બચવાનો સમય આવી ગયો છે.

હાર્દિક માટે કપરી પરીક્ષા
પહેલી મૅચમાં ભારત ટીમ નબળી બોલિંગને કારણે અને બીજી મૅચમાં નબળી બૅટિંગને લીધે હારી હતી. ગુજરાત ટાઇટન્સનો ચૅમ્પિયન કૅપ્ટન હાર્દિક પંડ્યા પહેલી મૅચમાં આક્રમક મૂડમાં રમ્યો હતો, પરંતુ બીજી મૅચમાં પેસ આક્રમણ સામે સસ્તામાં આઉટ થઈ ગયો હતો. તેની બોલિંગ આઇપીએલમાં ખૂબ જ અસરદાર હતી, પણ સાઉથ આફ્રિકા સામેની બે મૅચમાં તેની કુલ ૪ ઓવરમાં ૪૯ રન બન્યા છે.

"દિનેશ કાર્તિકની ગણના ‘મૅચ-ફિનિશર’ તરીકે થઈ રહી છે તો ભારતે રવિવારે બહુ જલદી વિકેટો ગુમાવી ત્યારે તેને અક્ષર પટેલ પછી મોકલવાનો શું મતલબ હતો? સ્લૉગ ઓવર્સ માટે તેને રાખી મૂકવાનો શું અર્થ?" : સુનીલ ગાવસકર

"દિનેશ કાર્તિક ટીમ ઇન્ડિયામાં સૌથી અનુભવી ટી૨૦ પ્લેયર છે તો પછી તેના પહેલાં અક્ષર પટેલને બૅટિંગમાં મોકલ્યો જ શું કામ? કાર્તિકને જો વહેલો મોકલવામાં આવ્યો હોત તો તેણે સાઉથ આફ્રિકાની બોલિંગને ખૂબ નુકસાન કર્યું હોત." : ગ્રેમ સ્મિથ

sports sports news cricket news t20 international india south africa