વાઇટવૉશ ટાળવાનો ટીમ ઇન્ડિયા સામે કપરો પડકાર

23 January, 2022 02:57 PM IST  |  Cape Town | Gujarati Mid-day Online Correspondent

ટેસ્ટ બાદ વન-ડે સિરીઝ પણ ગુમાવ્યા બાદ આજે ત્રીજી અને છેલ્લી વન-ડે જીતીને રાહુલસેના માનભેર ભારત પાછા ફરવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે

ગઇકાલે પ્રેક્ટિસ દરમિયાન રાહુલ દ્રવિડ અને શ્રેયસ અય્યર

ફેવરિટ તરીકે સાઉથ આફ્રિકાની ટૂર માટે રવાના થયેલી ભારતીય ટીમે ભારત પાછી ફરતાં પહેલાં આજે કેપ ટાઉનમાં (બપોરે બે વાગ્યાથી) છેલ્લી મૅચમાં વાઇટ‍વૉશની નામોશી ટાળવાનો વારો આવ્યો છે. ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ જીતીને ટૂરની શાનદાર શરૂઆત કરી હતી, પણ ત્યાર બાદ બન્ને ટેસ્ટ હારીને સિરીઝ ૧-૨થી હારી ગયું હતું. ટેસ્ટમાં સંઘર્ષને લીધે સ્ટાર ખેલાડીઓવાળી ભારતીય ટીમ વન-ડે સિરીઝમાં કમાલ કરશે એવું ચાહકોને લાગી રહ્યું હતું, પણ પહેલી બન્ને વન-ડેમાં સાવ સહેલાઈથી હથિયાર નાખી દઈને સિરીઝ ૦-૨થી ગુમાવી દીધી છે. હવે આજે નવા કૅપ્ટન લોકેશ રાહુલ અને કોચ રાહુલ દ્રવિડ સામે આજે ટીમને આ આઘાતમાંથી ઉગારી ફરી ટીમને જીતના રાહ પર લાવવાની કપરી કામગીરી બજાવવી પડશે. 
બન્ને મૅચમાં કારમી હાર મળ્યા બાદ ભારતીય ટીમે આજે નવા ગેમ-પ્લાન સાથે મેદાનમાં ઊતરવું પડશે. ભારતીય ટીમનો મિડલ ઑર્ડર સાવ નબળો જણાયો છે અને બોલિંગમાં પણ જસપ્રીત બુમરાહ સિવાય કોઈ અસરકારક નથી લાગી રહ્યું. ભારતીય બોલરો બે મૅચમાં ફક્ત સાત જ વિકેટ લઈ શક્યા છે. અનુભવીઓ રવિચન્દ્રન અશ્વિન અને ભુવનેશ્વરકુમારે ભારે નિરાશ કર્યા છે. આજે ટીમ તેમને બદલે જયંત યાદવ અને દીપક ચાહરને મોકો આપી શકે છે. 
આગલી બન્ને મૅચમાં પરિસ્થિતિ ભારતીય ટીમને અનુરૂપ હોવા છતાં ટીમ ફસડાઈ પડી હતી, જ્યારે આજની મૅચ જ્યાં રમાવાની છે એ કેપ ટાઉનની આફ્રિકનોને વધુ મદદરૂપ થતી પિચ પર વાઇટવૉશની નામોશી ટાળવાનો રાહુલસેના સામે કપરો પડકાર છે. પહેલી ટેસ્ટમાં સેન્ચુરી સિવાય લોકેશ રાહુલ અત્યાર સુધી બૅટથી કોઈ કમાલ નથી કરી શક્યો અને તેની કૅપ્ટન્સીની પણ ભારે ટીકા થઈ રહી છે. પહેલી મૅચમાં વેન્કટેશ ઐયર પાસે એક પણ ઓવર નહોતી કરાવી અને બીજી મૅચમાં તે ખૂબ ધીમું રમ્યો હતો. 
વેકન્ટેશ ઐયરે બન્ને મૅચમાં નિરાશ કર્યા હોવાથી આજે તેની સામે સૂર્યકુમાર યાદવ કે ઈશાન કિશનને મોકો મળી શકે છે. 

સાઉથ આફ્રિકન ટીમને દંડ
સાઉથ આફ્રિકાએ બીજી વન-ડે જીતીને સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી લીધી હતી, પણ એ મૅચ દરમ્યાન સ્લો ઓવર રેટને લીધે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. આઇસીસીએ ગઈ કાલે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકાએ નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી બોલિંગ કરી હતી, આથી નિયમ પ્રમાણે પ્રત્યેક ઓવરદીઠ ૨૦ ટકા પ્રમાણે ટીમને ૨૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. કૅપ્ટન ટેમ્બા બવુમાએ આ આરોપ સ્વીકારી લીધો છે. 

31
કેપ ટાઉન સાઉથ આફ્રિકાનો ગઢ ગણાય છે અને તેમણે અહીં રમાયેલી ૩૭ મૅચમાંથી આટલી મૅચમાં વિજય મેળવ્યો છે.

64
વિરાટ કોહલીએ છેલ્લી આટલી ઇનિંગ્સથી કોઈ ઇન્ટરનૅશનલ સેન્ચુરી નથી કરી. 

3
ભારત વિદેશમાં છેલ્લી ચાર વન-ડે સિરીઝમાંથી આટલી સિરીઝ હાર્યું છે.

બુમરાહ, ભુવી, અશ્વિનને આરામ આપો : ગંભીર

ભૂતપૂર્વ ઓપનર બૅટર ગૌતમ ગંભીર માને છે કે આજે છેલ્લી મૅચ માટે ભારતીય ટીમને ત્રણથી ચાર વિકલ્પ સૂચવ્યા છે. ગંભીર માને છે કે ટીમ મૅનેજમેન્ટે બેન્ચ સ્ટ્રેન્ગ્થ પર ધ્યાન આપવું જોઈએ. ગંભીર માને છે કે ભારતે આજે જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વરકુમાર અને રવિચન્દ્રન અશ્વિનને આરામ આપવાની જરૂર છે. તેમની જગ્યાએ નવદીપ સૈની, આવેશ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ણા અને મોહમ્મદ સિરાજ તેમ જ જયંત યાદવને મોકો આપવો જોઈએ. જોકે ગંભીરને બૅટિંગ વિભાગમાં કોઈ બદલાવ કરવાની જરૂર નથી લાગતી.

sports sports news cricket news india south africa