24 October, 2024 08:47 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમમાં આજથી ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝની બીજી ટેસ્ટ શરૂ થશે. સવારે ૯ વાગ્યે ટૉસ થશે અને ૯.૩૦ વાગ્યે મૅચ શરૂ થશે. વેધર-રિપોર્ટ અનુસાર પુણેમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નથી પણ વાદળ ઘેરાયેલાં રહેશે જેને કારણે સાંજના સમયે રમતને અસર થઈ શકે છે.
પુણેમાં હમણાં સુધી બે જ ટેસ્ટ-મૅચ રમાઈ છે જેમાંથી ભારતીય ટીમે એક મૅચમાં સાઉથ આફ્રિકાને એક ઇનિંગ્સ અને ૧૩૭ રનથી હરાવ્યું હતું, જ્યારે બીજી મૅચમાં ઇંગ્લૅન્ડ સામે ૩૩૩ રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
બૅન્ગલોર ટેસ્ટ-મૅચમાં અણધાર્યા પરાજયથી વ્યથિત ભારતે સિરીઝમાં પુનરાગમન કરવું હોય તો બીજી મૅચમાં પ્લેયર્સના યોગ્ય કૉમ્બિનેશન સાથે સંતુલિત ટીમને મેદાનમાં ઉતારવી પડશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમની પ્રાથમિકતા આગામી મહિને પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝ માટે ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાં ન્યુ ઝીલૅન્ડ સામેની આગામી બે મૅચમાં સારું પ્રદર્શન કરવાની રહેશે.
પુણેની પિચ પર કોઈ ઘાસ નથી અને એને કાળી માટીથી તૈયાર કરવામાં આવી હોવાથી બૅન્ગલોરની જેમ આ પિચ પર બાઉન્સ નહીં મળે. શુભમન ગિલ પુનરાગમન કરવા માટે તૈયાર છે ત્યારે ટીમમાંથી કોની બાદબાકી થશે એના પર સૌની નજર રહેશે.