ચેન્નઈ પાર્ટ-2માં ભારત શોધી રહ્યું છે સ્પિનરનું યોગ્ય કૉમ્બિનેશન

13 February, 2021 08:00 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

ચેન્નઈ પાર્ટ-2માં ભારત શોધી રહ્યું છે સ્પિનરનું યોગ્ય કૉમ્બિનેશન

નેટ પ્રૅક્ટિસ કરતો વિરાટ કોહલી. (તસવીર: પી.ટી.આઇ.)

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ટકી રહેવા માટે આજથી શરૂ થનારી ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મૅચ ભારત માટે જીતવી અત્યંત જરૂરી છે. પહેલી ટેસ્ટ મૅચમાં ભારતે ૨૨૭ રનના વિશાળ અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ અશ્વિનના જોડીદાર તરીકે સ્પિનર અક્ષર પટેલ કે  ચાઇનામૅન કુલદીપ યાદવને રમાડવા વિશે વિચારણા કરી રહી છે. જ્યારે ઇંગ્લૅન્ડની ટીમ કેટલાક ફેરફાર સાથે મેદાનમાં ઊતરશે અને એ માટે તેમણે પોતાના ૧૨ પ્લેયર્સની સ્ક્વૉડ જાહેર કરી દીધી છે. અગાઉ ભારત ૨૦૧૨-’૧૩ દરમ્યાન પહેલી બે ટેસ્ટ હારી ગયું હતું. આમ ઇંગ્લૅન્ડ પણ આ ઇતિહાસનું પુનરાવર્તન કરવા જોર લગાવશે.

ઇંગ્લૅન્ડની ટીમમાં ફેરફાર

જોફ્રા આર્ચરને જમણા હાથની કોણીમાં ઈજા થતાં તે બીજી ટેસ્ટ મૅચમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે જેમ્સ ઍન્ડરસનને ઇંગ્લૅન્ડની રોટેશન પૉલિસી હેઠળ આરામ આપવામાં આવ્યો છે. આ બે પ્લેયર્સ ઉપરાંત ઑફ-સ્પિનર ડોમ બેસને પણ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રૂટે જણાવ્યા પ્રમાણે ૧૨ પ્લેયર્સમાં બેન ફોક્સ, મોઇન અલી, ક્રિસ વૉક્સ, સ્ટુઅર્ટ બ્રૉડ અને ઓલી સ્ટોનનો સમાવેશ કરવામાં આવ્યો છે, પણ આમાંથી કયા ચાર પ્લેયર્સ મૅચમાં રમશે એ હજી નક્કી નથી. બીજી ટેસ્ટ મૅચ બાદ પણ ભલે જૉની બેરસ્ટો ટીમમાં સામેલ થાય, વિકેટકીપિંગની જવાબદારી ફોક્સ પાસે જ રહેશે. મોઇન અલી, બેન ફોક્સ અને સ્ટુઅર્ટ બ્રૉડ ટીમમાં સામેલ થતાં ટીમે ઓલી સ્ટોન અને ક્રિસ વૉક્સમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે. ધારણા મુજબ જોફ્રા આર્ચરના સ્થાને ટીમ ઓલી સ્ટોનને પસંદ કરી શકે છે.

મેદાનમાં પરસેવો પાડી રહી છે વિરાટસેના

પહેલી ટેસ્ટ મૅચમાં કારમી હાર મળ્યા બાદ વિરાટસેના બીજી ટેસ્ટ મૅચ જીતવા સખત મહેનત કરતી જોવા મળી હતી. વિરાટ કોહલી ઉપરાંત રોહિત શર્મા, શુભમન ગિલ અને અજિંક્ય રહાણે પણ નેટમાં પ્રૅક્ટિસ કરતા જોવા મળ્યા હતા. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ આ પ્લેયરોના ફોટો સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પણ અપલોડ કર્યા હતા. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇલનમાં પ્રવેશવા માટે ભારતે હવે ત્રણ ટેસ્ટ મૅચમાંથી એક પણ મૅચ ગુમાવ્યા વગર કમસે કમ બે મૅચ જીતવાની રહેશે એટલે સ્વાભાવિક છે કે ટીમ ઇન્ડિયા પોતાના બેસ્ટ ખેલાડીઓને લઈને મેદાનમાં ઊતરશે. રવિચંદ્રન અશ્વિનને સપોર્ટ કરવા અક્ષર પટેલ અને લાંબા સમયથી ટીમની બહાર બેસેલો કુલદીપ યાદવ ટીમમાં સ્થાન મેળવે છે કે નહીં એ જોવાનું રહેશે. ઇંગ્લૅન્ડના સ્પિનર સામે રમવા માટે ટીમ હાર્દિક પંડ્યાને પણ પસંદ કરી શકે છે જે બોલિંગમાં પણ ટીમને મદદ કરવામાં સક્ષમ છે.

ભારતીય ઓપનરો પર મોટી જવાબદારી

પહેલી ટેસ્ટ મૅચમાં મોટો સ્કોર કરવામાં ઇન્ડિયન ઓપનર્સ નિષ્ફળ રહ્યા હતા, પણ આ વખતે કોહલીસેનાના ઓપનર્સ પાસેથી ટીમને ઘણી આશા હશે. ટૉસ જીતવાને લીધે પણ મૅચ પર અસર પડી શકે છે અને જો કોહલી ટૉસ જીતે તો પહેલાં બૅટિંગનો નિર્ણય લઈને ઓપનર્સ પાસેથી મોટો સ્કોર ઊભો કરાવવાની ઉમ્મીદ રાખી શકે છે. ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે અને રિષભ પંતે પણ કમાલ દેખાડવી પડશે.

ઇંગ્લૅન્ડની ૧૨ પ્લેયર્સની સ્ક્વૉડ : ડોમ સિબલી, રૉરી બર્ન્સ, ડેન લૉરેન્સ, જો રૂટ (કૅપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, મોઇન અલી, સ્ટુઅર્ટ બ્રૉડ, ક્રિસ વૉક્સ, જેક લીચ અને ઓલી સ્ટોન

sports sports news cricket news test cricket india england chennai