અંગ્રેજો સામે સૌથી મોટી જીત સાથે ટીમ ઇન્ડિયાનું કમબૅક

17 February, 2021 07:57 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

અંગ્રેજો સામે સૌથી મોટી જીત સાથે ટીમ ઇન્ડિયાનું કમબૅક

આ પહેલાં ૧૯૮૬માં લીડ્સ ટેસ્ટમાં તેમને ૨૭૯ રનથી હરાવ્યા હતા: ૪૮૨ રનના ટાર્ગેટ સામે રૂટ ઍન્ડ કંપની ૧૬૪ રનમાં ઑલઆઉટ: વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં પણ વિરાટસેનાએ ચોથાથી બીજા ક્રમાંકે માર્યો જમ્પ: ગુજરાતના ઑલરાઉન્ડર અક્ષર પટેલની પહેલી ટેસ્ટમાં જ પાંચ વિકેટની કમાલ: ઘરઆંગણે ૨૧મી ટેસ્ટ જીતીને વિરાટે કરી ધોનીની બરોબરી

ભારતીય ટીમે ગઈ કાલે ચોથા દિવસે જ ચેન્નઈમાં બીજી ટેસ્ટ મૅચ ૩૧૭ રનના તોતિંગ માર્જિનથી જીતી લઈને પહેલી ટેસ્ટની હારનો કચકચાવીને બદલો લીધો છે. ૪૮૨ રનના ટાર્ગેટ સામે ઇંગ્લૅન્ડ ગઈ કાલે ૫૩ રનમાં ૩ વિકેટથી આગળ રમતાં ડેન લૉરેન્સ (૫૩ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે ૨૬ રન), જો રૂટ (૯૨ બૉલમાં ૩ ફોર સાથે ૩૩), ઓલી પોપ (૨૦ બૉલમાં એક ફોર સાથે ૧૨ રન) અને મોઇન અલી (૧૮ બૉલમાં પાંચ સિક્સર અને ૩ ફોર સાથે ૪૩ રન)ના ડબલ ડિજિટના પ્રતિકાર છતાં ૫૪.૨ ઓવરમાં ૧૬૩ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ઇંગ્લૅન્ડના ૬ ખેલાડીઓ ડબલ ડિજિટનો સ્કોર પણ નહોતા નોંધાવી શક્યા. ભારત વતી પ્રથમ ટેસ્ટ રમી રહેલા ગુજરાતના ઑલરાઉન્ડર અક્ષર પટેલે ૬૦ રનમાં પાંચ, રવિન્દ્રન અશ્વિનને ૫૩ રનમાં ૩ અને કુલદીપ યાદવે ૨૫ રનમાં બે વિકેટ લીધી હતી.

રનના હિસાબે ભારતની ઇંગ્લૅન્ડ સામે આ સૌથી મોટી જીત હતી. આ પહેલાંનો રેકૉર્ડ ૨૭૯ રનનો હતો જે ભારતે ૧૯૮૬માં લીડ્સ ટેસ્ટમાં નોંધાવ્યો હતો.

ચેન્નઈના બે ટેસ્ટ-જંગ બાદ હવે બાકીની બે મૅચ અમદાવાદમાં રમાશે, જેમાં ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થતી ત્રીજી ટેસ્ટ ડે-નાઇટ હશે.

અશ્વિને કરી કપિલ અને સેહવાગની બરોબરી

મૅચમાં ૮ વિકેટ અને સેન્ચુરી સાથે મૅચ વિનિંગ પર્ફોર્મન્સના જોરે ચેન્નઈના સ્ટાર રવિચંદ્રન અશ્વિન મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. અશ્વિનનો ટેસ્ટમાં આ આઠમો મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ હતો. આ સાથે તેણે કપિલ દેવ અને વીરેન્દર સેહવાગની બરોબરી કરી લીધી હતી. ભારત વતી ટેસ્ટમાં સૌથી વધુ ૧૪ મૅન ઑફ ધ મૅચ સાથે સચિન તેન્ડુલકર ટૉપ પર છે ત્યારે રાહુલ દ્રવિડ (૧૧), અનિલ કુંબલે (૧૦) અને વિરાટ કોહલી (૯)નો નંબર આવે છે.

દસેદસ વિકેટ સ્પિનરોના નામે

બીજી ઇનિંગ્સમાં ઇંગ્લૅન્ડના બધા બૅટ્સમેનો ભારતીય સ્પિનરો સામે ઝૂકી ગયા હતા. અક્ષર પટેલે પાંચ, અશ્વિને ૩ અને કુલદીપ યાદવે બે મળી દસેદસ વિકેટ સ્પિનરોના નામે રહી હતી.

એશિયામાં રૂટનો વિજયરથ અટક્યો

કૅપ્ટન જો રૂટની એશિયામાં આ પહેલી જ હાર હતી. કૅપ્ટન તરીકે એશિયામાં રૂટની આ સાતમી ટેસ્ટ મૅચ હતી. આગળની ૬ મૅચમાં પાંચ શ્રીલંકા સામે અને એક ભારત સામે જીત મળી હતી, પણ ગઈ કાલે સાતમી મૅચમાં હાર સાથે તેનો વિજયરથ અટકી ગયો હતો. આ ઉપરાંત રૂટની ભારતમાં આ આઠમી ટેસ્ટ હતી અને તે પહેલી વાર મૅચમાં ૫૦ પ્લસનો સ્કોર નહોતો નોંધાવી શક્યો.

મોઇન આઉટ, બેરસ્ટો-વુડ ઇન

ચેન્નઈ લેગ બાદ અમદાવાદ લેગ માટે ગઈ કાલે ઇંગ્લૅન્ડે તેની ટીમની જાહેરાત કરી હતી. ઇંગ્લૅન્ડની રોટેશન પૉલિસીનું પાલન કરતાં બીજી ટેસ્ટમાં તેમને બેસ્ટ પર્ફોર્મન્સ મોઇન અલી (૮ વિકેટ અને ૪૯ રન)ને ઇંગ્લૅન્ડ પાછો મોકલી દીધો છે અને શ્રીલંકા સિરીઝ બાદ આરામ અપાયેલા વિકેટકીપર-બૅટ્સમૅન

જૉની બેરસ્ટો અને પેસ બોલર

માર્ક વુડને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ઉપરાંત પહેલી બન્ને ટેસ્ટમાં ફ્લૉપ રહેનાર રોરી બર્ન્સ, ડોમ સિબ્લી અને ડૅનિયલ લૉરેન્સને ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે.

વિરાટ ઘરઆંગણે ધોનીની સમકક્ષ

ભારતની ધરતી પર કૅપ્ટન તરીકે વિરાટ કોહલીની આ ૨૧મી જીત હતી. આ જીત સાથે તેણે મહેન્દ્ર સિંહ ધોનીના રેકૉર્ડની બરોબરી કરી લીધી છે. ધોનીએ ઘરઆંગણે ૩૦ ટેસ્ટમાં ૨૧ જીત મેળવી હતી, જ્યારે કોહલીએ ૨૮મી ટેસ્ટમાં જ તેની બરોબરી કરી લીધી છે.

ભારતના સૌથી સફળ કૅપ્ટન કોહલીએ ૫૮ ટેસ્ટમાંથી ૩૪માં જીત મેળવી છે. તેના નેતૃત્વમાં ભારતને ૧૪માં હાર મળી છે અને ૧૦ ડ્રૉ રહી છે.

પ્રેક્ષકો આવવાથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો: કોહલી

જીત બાદ વિરાટ કોહલીએ સ્વીકાર કર્યો હતો કે પહેલી મૅચમાં પ્રેક્ષકો વગર રમવાની મજા નહોતી આવતી. વિરાટે કહ્યું હતું કે ‘પહેલી ટેસ્ટના પ્રથમ બે દિવસ બાદ અમારામાં કોઈ ઊર્જા જ નહોતી બચી. બીજી ટેસ્ટની બીજી ઇનિંગ્સથી અમે મોમેન્ટ મેળવી લીધું હતું અને અમારી બૉડી-લૅન્ગ્વેજમાં બદલાવ આવી ગયો હતો. પ્રેક્ષકો આવવાથી અમારા આત્મવિશ્વાસમાં ખૂબ વધારો થયો હતો.

આ હાર અમારા માટે આ એક મોટો સબક: રૂટ

એશિયામાં પહેલી અને સૌથી મોટી હાર બાદ રૂટે કહ્યું કે ‘ભારતે અમને ત્રણેય ડિપાર્ટમેન્ટમાં ચીત કરી દીધા હતા. અમારા માટે આ સૌથી મોટો સબક છે. અમારે આમાંથી જલદી શીખવું પડશે, કેમ કે તમારે ક્યારેક ને ક્યારેક આવી પરિસ્થિતિનો સામનો કરવાનો જ હોય છે. અમે પહેલાં પણ વિદેશમાં આવી કઠિન પરિસ્થિતિમાં રમી ચૂક્યા છીએ. અમે આમાંથી શીખીને પ્રયત્ન કરીશું અને હવે પછી બહેતર પર્ફોર્મ કરીશું.’

પહેલી ટેસ્ટમાં પાંચ કે એથી વધુ વિકેટ લેનાર ભારતીયો

બોલર      પર્ફોર્મન્સ   વિરુદ્ધ વર્ષ

વામન કુમાર     ૫/૬૪      પાકિસ્તાન  ૧૯૬૦-’૬૧

દિલીપ દોશી     ૬/૧૦૩    ઑસ્ટ્રેલિયા  ૧૯૭૯-’૮૦

નરેન્દ્ર હિરવાણી   ૮/૬૧      વેસ્ટ ઇન્ડીઝ      ૧૯૮૭-’૮૮

નરેન્દ્ર હિરવાણી   ૮/૭૫      વેસ્ટ ઇન્ડીઝ      ૧૯૮૭-’૮૮

અમિત મિશ્રા      ૫/૭૧      ઑસ્ટ્રેલિયા  ૨૦૦૮-’૦૯

રવિચંદ્રન અશ્વિન  ૬/૪૭      વેસ્ટ ઇન્ડીઝ      ૨૦૧૧-’૧૨

અક્ષર પટેલ      ૫/૬૦      ઇંગ્લૅન્ડ     ૨૦૨૦-’૨૧

 

રનની દૃષ્ટિએ ભારતની ટેસ્ટમાં સૌથી મોટી જીત

રનના હિસાબે ગઈ કાલની જીત ભારતની પાંચમા ક્રમાંકની સૌથી મોટી જીત બની રહી હતી. ઇંગ્લૅન્ડ સામે ભારતની આ સૌથી મોટી જીત છે. નવાઈની વાત કરીએ તો અને રનની દૃષ્ટિએ વાત કરીએ તો ભારતની ટૉપ ૬ જીતમાં પાંચ વિરાટ કોહલીના નેતૃત્વમાં નોંધાવી છે.

રન   વિરુદ્ધ સ્થળ વર્ષ

૩૩૭ સાઉથ આફ્રિકા    દિલ્હી ૨૦૧૫-’૧૬

૩૨૧ ન્યુ ઝીલૅન્ડ ઇન્દોર      ૨૦૧૬-’૧૭

૩૨૦ ઑસ્ટ્રેલિયા  મોહાલી     ૨૦૦૮-’૦૯

૩૧૮ વેસ્ટ ઇન્ડીઝ      નૉર્થ સાઉન્ડ      ૨૦૧૯

૩૧૭ ઇંગ્લૅન્ડ     ચેન્નઈ ૨૦૨૧

૩૦૪ શ્રીલંકા     ગેલે  ૨૦૧૭

 

નંબર ગેમ
317

ગઈ કાલની ઇંગ્લૅન્ડની આટલા રનની હાર તેમની એશિયામાં સૌથી મોટી હાર બની હતી. આ પહેલાં તેમનો ભારત સામે ૨૦૧૬માં ૨૪૬ રનની હારનો રેકૉર્ડ હતો.

26

ઇંગ્લૅન્ડ આટલાં વર્ષ બાદ ટેસ્ટની બન્ને ઇનિંગ્સ મળીને કુલ ૩૦૦ રન પણ નથી બનાવી શક્યું. ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગ્સમાં ૧૩૪ અને બીજી ઇનિંગ્સમાં ૧૬૪ મળી કુલ ૨૯૮ રન બનાવ્યા હતા. આ પહેલાં તેઓ ૧૯૯૫માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૪૭ અને ૮૯ એમ બન્ને ઇનિંગ્સમાં ફ્લૉપ રહ્યા હતા.

4

પોતાના દેશમાં સૌથી વધુ મૅચ જીતનાર કૅપ્ટનમાં વિરાટ ૨૧મી જીત સાથે આટલામા ક્રમાંકે પહોંચી ગયો છે. સાઉથ આફ્રિકાનો ગ્રીમ સ્મિથ (૩૦) પહેલા, ઑસ્ટ્રેલિયાનો રિકી પૉન્ટિંગ (૨૯) બીજા નંબરે અને ઑસ્ટ્રેલિયાનો જ સ્ટીવ વૉ (૨૨) ત્રીજા નંબરે છે.

10

ગઈ કાલે ઘરઆંગણે સતત આટલામી ટેસ્ટનું રિઝલ્ટ આવ્યું હતું, જેમાંથી ૯માં ભારતનો વિજય થયો છે અને માત્ર એકમાં એણે હાર જોવી પડી છે. જોકે આ બાબતે રેકૉર્ડ સતત ૧૩ મૅચના પરિણામનો છે જે ૧૯૮૮થી ૧૯૯૪ દરમ્યાન નોંધાયો હતો.

sports sports news cricket news test cricket india england chennai