11 February, 2025 07:48 AM IST | Cuttack | Gujarati Mid-day Correspondent
રવીન્દ્ર જાડેજા
ભારતીય ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ હાલમાં તેના શાનદાર ફૉર્મનું શ્રેય ડોમેસ્ટિક ક્રિકેટને આપ્યું છે. રણજી ટ્રોફી ૨૦૨૪-’૨૫માં સૌરાષ્ટ્ર તરફથી રમતાં આ સ્પિનર દિલ્હી સામે ૧૨ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. વન-ડે સિરીઝ પહેલાં ઇન્જરીથી બચવા તેણે આસામ સામેની મૅચમાં બોલિંગ કરી નહોતી.
કટકમાં વન-ડે મૅચ પછી પ્રેસ-કૉન્ફરન્સમાં જાડેજાએ કહ્યું હતું કે ‘ખરેખર સારું લાગે છે. ખાસ કરીને વર્લ્ડ કપ પછી લગભગ બે વર્ષ પછી આ ફૉર્મેટમાં પાછા ફરવા માટે ઝડપી લય મેળવવો જરૂરી છે, પરંતુ મારું માનવું છે કે મેં રમેલી ડોમેસ્ટિક મૅચોથી મને ઘણી મદદ મળી. એ મૅચોમાં મેં ૩૦થી વધુ ઓવર બોલિંગ કરી, જેનાથી મને લય જાળવી રાખવામાં મદદ મળી. ટેસ્ટ-મૅચમાં બોલિંગ કરતી વખતે જે લાઇન અને લેન્થ બોલિંગ કરી હતી એ જ લાઇન અને લેન્થ મેં વન-ડેમાં જાળવી રાખવાનો પ્રયાસ કર્યો. બ્રેક ખૂબ લાંબો ન હોવાથી લય અકબંધ રહ્યો. એથી મને લાગે છે કે ડોમેસ્ટિક મૅચ રમવાથી મને લય જાળવવામાં મદદ મળી.’
ઇંગ્લૅન્ડ સામે પહેલી વન-ડેમાં ૨૬ રન અને બીજીમાં ૩૫ રન આપીને તેણે ૩-૩ વિકેટ ઝડપી છે.
જાડેજાએ માત્ર ૭૩ સેકન્ડમાં ઓવર પૂરી કરી
સામાન્ય રીતે એક બોલરને એક ઓવર પૂરી કરતાં પાંચ મિનિટથી ઓછો સમય લાગે છે, પણ બીજી વન-ડેમાં ૨૪મી ઓવરમાં જાડેજાએ હૅરી બ્રુક સામે એક પણ રન આપ્યા વગર માત્ર ૭૩ સેકન્ડમાં ઓવર પૂરી કરી હતી. આ પહેલાં તેણે ૨૦૨૧માં ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ-મૅચમાં ૬૪ સેકન્ડ અને ૨૦૨૩ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ૯૪ સેકન્ડમાં ઓવર પૂરી કરી હતી.