24 June, 2025 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કે. એલ. રાહુલ
પહેલી ઇનિંગ્સની જેમ બીજીમાં પણ ભારતનો ધબડકો, છેલ્લી ૬ વિકેટ ૩૧ રનમાં ગુમાવીને ૩૬૪ રનમાં ઑલઆઉટ : ૩૭૧ રનના ટાર્ગેટ સામે ઇંગ્લૅન્ડે બનાવ્યા વિના વિકેટે ૨૧
હેડિંગ્લી ટેસ્ટ-મૅચમાં ચોથા દિવસે ભારતીય બૅટર્સે ઇંગ્લૅન્ડ પર જબરદસ્ત પ્રહાર કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૪૭૧ રન કરનાર ભારતીય ટીમ ગઈ કાલે રિષભ પંતની સતત બીજી ધમાકેદાર સદી અને કે. એલ. રાહુલની શાનદાર સેન્ચુરીના આધારે ૯૬ ઓવર્સમાં બીજી ઇનિંગ્સમાં ૩૬૪ રનનો સ્કોર કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૪૬૫ રન કરનાર ઇંગ્લૅન્ડને ચોથા દિવસના અંતે જીત માટે ૩૭૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ચોથા દિવસના અંતે ઈંગ્લૅન્ડે વિકેટ ગુમાવ્યા વગર ૬ ઓવરમાં ૨૧ રન કરતાં ભારત પાસે ૩૫૦ રનની લીડ બચી હતી.
ચોથા દિવસે ભારતે પચીસમી ઓવરમાં ૯૦-૨ના સ્કોરથી બીજી ઇનિંગ્સને આગળ વધારી હતી. શરૂઆતમાં જ કૅપ્ટન શુભમન ગિલ (૧૬ બૉલમાં ૮ રન)ની વિકેટ ગુમાવ્યા બાદ ભારતના બે પ્રતિભાશાળી વિકેટકીપર્સે બાજી સંભાળી લીધી હતી. ઓપનર કે. એલ. રાહુલ (૨૪૭ બૉલમાં ૧૩૭ રન) અને વાઇસ-કૅપ્ટન રિષભ પંતે (૧૪૦ બૉલમાં ૧૧૮ રન) ચોથી વિકેટ માટે ૨૮૩ બૉલમાં ૧૯૫ રનની ભાગીદારી કરી હતી. ૧૫ ફોર અને ૩ સિક્સ ફટકારનાર રિષભ પંતે ઇંગ્લૅન્ડની ધરતી પર ટેસ્ટમાં સતત પાંચમી વાર ૫૦ પ્લસ રનનો સ્કોર કરવાનો ભારતીય રેકૉર્ડ કર્યો હતો.
૧૮ ફોર ફટકારનાર રાહુલે પાંચમી વિકેટ માટે કરુણ નાયર (૫૪ બૉલમાં ૨૦ રન) સાથે ૭૭ બૉલમાં ૪૬ રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર ૩૩૩ સુધી પહોંચાડ્યો હતો. બે ફોર અને એક સિક્સ ફટકારનાર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (૪૦ બૉલમાં પચીસ રન અણનમ)એ અંતિમ ઓવર્સ સુધી ટાર્ગેટ વધારવાનો પ્રયાસ કર્યો હતો. બીજી ઇનિંગ્સમાં ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર્સ બ્રાયડન કાર્સ (૮૦ રનમાં ૩ વિકેટ) અને જૉશ ટૉન્ગ (૭૨ રનમાં ૩ વિકેટ)ની સાથે સ્પિનર શોએબ બશીર (૯૦ રનમાં બે વિકેટ) સૌથી પ્રભાવશાળી રહ્યા હતા. ભારતીય ટીમે ઑલમોસ્ટ ૧૨ ઓવરની અંદર ૩૧ રનમાં છેલ્લી ૬ વિકેટ ગુમાવી દીધી હતી.
૭૦ વર્ષ બાદ એક ટેસ્ટમાં કોઈ ટીમની પાંચ સેન્ચુરી
એક ટેસ્ટમાં પાંચ વ્યક્તિગત સદીની આ છઠ્ઠી ઘટના છે. ઑસ્ટ્રેલિયા (૧૯૫૫), પાકિસ્તાન (૨૦૦૧ અને ૨૦૧૪), ઇંગ્લૅન્ડ (૨૦૦૭) અને શ્રીલંકા (૨૦૧૩)ના પ્લેયર્સ આ કમાલ કરી ચૂક્યા છે. ૭૦ વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડીઝમાં જઈને આ કમાલ કરી હતી. ત્યાર બાદ પહેલી વાર એક ટેસ્ટમાં એટલે કે કોઈ ટીમે વિદેશી ટીમની ધરતી પર એક ટેસ્ટમાં પાંચ સદી કરી છે.