છેલ્લી ટેસ્ટમાં પિચ હશે બૅટ્સમેનો માટે સ્વર્ગ

28 February, 2021 12:42 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

છેલ્લી ટેસ્ટમાં પિચ હશે બૅટ્સમેનો માટે સ્વર્ગ

મોટેરાના સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ માત્ર બે દિવસમાં જ પૂરી થતાં અનેક ભૂતપૂર્વ ખેલાડીઓ પિચને વગોવી રહ્યા છે અને એને ટેસ્ટ ક્રિકેટ માટે જરાય લાયક ન હોવાનું કહી રહ્યા છે. જોકે આ કાગારોળ છતાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) કોઈ કડક પગલાં લે એની શક્યતા ખૂબ ઓછી છે, કેમ કે એ જ મેદાનમાં આગામી ચોથી ટેસ્ટ માટેની પિચ બૅટ્સમેનો માટે સ્વર્ગ બની રહેવાની શક્યતા છે.

ભારત આ સિરીઝમાં ૨-૧થી આગળ છે અને ૧૮થી ૨૨ જૂન દરમ્યાન લૉર્ડ્સમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશવા ભારતે આ ચોથી ટેસ્ટ ફક્ત ડ્રૉ કરવાની જ જરૂર હોવાથી ટીમ મૅનેજમેન્ટ કોઈ રિસ્ક લેવાના મૂડમાં નથી. વધુ એક ટર્નિંગ ટ્રૅક બનાવે અને વધુ ટીકા બાદ આઇસીસી કોઈ પગલાં લે અને પૉઇન્ટ કાપી નાખે તો ભારતનો ફાઇનલમાં પ્રવેશ અટકી જવાનો ખતરો છે એથી સલામત ગેમ રમતાં આગામી મૅચમાં પિચ સપાટ, સખત અને બૅટ્સમૅન-ફ્રેન્ડ્લી જ રહેશે.

ક્રિકેટ બોર્ડના માંધાતાઓ પણ વધુ એક ટર્નિંગ ટ્રૅક બનાવીને આ નવા વેન્યુના નામને ધબ્બો લગાડવાના મૂડમાં નથી, કેમ કે અહીં આઇપીએલ ઉપરાંત ટી૨૦ વર્લ્ડ કપની મૅચો પણ યોજાવાની છે.

ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે જો એક મેદાનમાં બે મૅચ રમાય તો એક મૅચના પરિણામને અલગથી મૂલવી ન શકો, એથી ચોથી ટેસ્ટ પૂરી થવા દો અને ત્યાર બાદ રેફરી જાવાલગ શ્રીનાથના રિપોર્ટના આધારે આઇસીસી એને જે કાર્યવાહી કરવી હોય એ કરશે. બીજું, ઇંગ્લૅન્ડની ટીમે તો અત્યાર સુધી કોઈ ઑફિશ્યલ ફરિયાદ પણ નથી કરી.’

જો એક જ મેદાનમાં એક પિચ સારી હોય અને એક ખરાબ હોય તો આઇસીસી મોટા ભાગે કોઈ સખત પગલાં ન લે. બીજું, ભારતીય ટીમ જો સિરીઝમાં ૩-૧થી જીત મળે તો ખુશ થશે, પણ જો ડ્રૉથી જ તમારું કામ થઈ જતું હોય તો રિઝલ્ટ માટેનું રિસ્ક લેવાની કોઈ જરૂર નથી.

અધિકારીએ વધુમાં કહ્યું કે ‘પિન્ક બૉલ ટેસ્ટ બરાબર જ હતી, કેમ કે એમાં પિચ કરતાં બૉલનું વધુ મહત્ત્વ હોય છે અને ઇંગ્લૅન્ડના અનેક ભૂતપૂર્વ ક્રિકેટરો પણ એ જ લખી રહ્યા છે કે મોટા ભાગના બૅટ્સમેનો સીધા બૉલમાં જ આઉટ થયા છે.’

આમ ભારતીય ટીમ મૅનેજમેન્ટ છેલ્લી ટેસ્ટમાં ટર્નિંગ ટ્રૅક બનાવી કોઈ રિસ્ક નહીં લે, કેમ કે આ મહત્ત્વપૂર્ણ ટેસ્ટમાં એ દાવ ઊંધો પડવાની ભારોભાર શક્યતા રહેતી હોય છે

sports sports news cricket news test cricket india england motera stadium