31 July, 2025 06:58 AM IST | London | Gujarati Mid-day Correspondent
ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર નેટ-પ્રૅક્ટિસ વખતે પિચ-ક્યુરેટર સાથે બોલાચાલી થઈ એ પહેલાં હેડ કોચ ગૌતમ ગંભીર પોતાના સપોર્ટ સ્ટાફ સાથે ગ્રાઉન્ડ્સમૅન સાથે કંઈક વાતચીત કરતો જોવા મળ્યો હતો.
ઇંગ્લૅન્ડ સામેની પાંચમી ટેસ્ટ-મૅચની તૈયારી માટે જ્યારે ભારતીય ટીમ ધ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર હતી ત્યારે હેડ કોચ ગૌતમ ગંભીર અને ધ ઓવલના ચીફ પિચ ક્યુરેટર વચ્ચે બોલાચાલી થઈ હતી. ચીફ ક્યુરેટર લી ફોર્ટિસ ભારતીય સપોર્ટ સ્ટાફને પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન પિચથી અઢી મીટર દૂર રહેવાની સૂચના આપી રહ્યો હતો જે સાંભળીને હેડ કોચ ગૌતમ ગંભીરે તેની ઝાટકણી કાઢતાં આંગળી ચીંધીને કહ્યું, અમને કઈક કહેવાનો તને કોઈ અધિકાર નથી, તું ફક્ત ગ્રાઉન્ડ્સમૅન છે એનાથી વધુ કઈ જ નહીં.
ફોર્ટિસ પિચથી આઇસ બૉક્સને પણ દૂર રાખવાની સૂચના આપી રહ્યો હતો. વાઇરલ વિડિયોમાં પિચ ક્યુરેટર એવું કહેતો સાંભળવા મળ્યો હતો કે મારે આનો રિપોર્ટ મૅચ-રેફરીને કરવો પડશે. અહેવાલ અનુસાર પિચ ક્યુરેટરની ફરિયાદ પર ઇંગ્લૅન્ડ અને ભારતના અધિકારીઓ વચ્ચે આ ઘટના વિશે વાતચીત પણ થઈ છે.
ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર નેટ-પ્રૅક્ટિસ વખતે હેડ કોચ ગૌતમ ગંભીર અને ધ ઓવલના ચીફ પિચ-ક્યુરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ભારતના બૅટિંગ કોચ સિતાંશુ કોટક પ્રેસ-કૉન્ફરન્સમાં કહે છે, ‘ક્યુરેટરોએ એ પણ સમજવું પડશે કે તેઓ જે લોકો સાથે વાત કરી રહ્યા છે તેઓ અત્યંત કુશળ અને બુદ્ધિશાળી છે. પિચ એવી જૂની વસ્તુ નથી જેને તમે સ્પર્શી ન શકો, કારણ કે એ ૨૦૦ વર્ષ જૂની નથી. થોડું પઝેસિવ અને થોડું ડિફેન્સિવ બનવું સારું છે, પણ વધારે પડતું નહીં. ક્યુરેટર દ્વારા બૂમાબૂમ કરવાથી પણ પરિસ્થિતિ ખરાબ થઈ હતી.’