પંતનો પરચો, સુંદર અડીખમ

06 March, 2021 11:12 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પંતનો પરચો, સુંદર અડીખમ

ઘરઆંગણે પહેલી સેન્ચુરી સેલિબ્રેટ કરતો રિષભ પંત (તસવીર: પી.ટી.આઇ.)

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટ મૅચના બીજા દિવસે ભારતીય બૅટ્સમેનોની, ખાસ કરીને વિકેટકીપર રિષભ પંત અને ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરની ઇનિંગ્સને લીધે ટીમ ઇન્ડિયા સારી સ્થિતિમાં પહોંચી ગઈ હતી. એક વિકેટે ૨૪ ૨નથી આગળ રમવા ઊતરેલી ભારતીય ટીમે પંતની સેન્ચુરીને લીધે દિવસના અંત સુધી ૭ વિકેટે ૨૯૪ રન બનાવીને ૮૯ રનની લીડ લીધી હતી.

ટીમ ઇન્ડિયાની નબળી શરૂઆત

૨૪ રનથી આગળ રમવા ઊતરેલી ભારતીય ટીમે ૪૧ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. શુભમન ગિલ બાદ કૅપ્ટન વિરાટ કોહલી પણ વગર ખોલાવ્યા વિના આઉટ થયો હતો. ચેતેશ્વર પુજારા ૧૭ અને અજિંક્ય રહાણે ૨૭ રન કરીને આઉટ થયા હતા, પણ હિટમૅન રોહિત શર્માએ એક છેડો સાચવી રાખી ટીમની આશા જીવંત રાખી હતી. બેન સ્ટોક્સે ૪૯ રને એલબીડબલ્યુ આઉટ કરતાં રોહિત શર્મા હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો, પણ તેની પાંચમી વિકેટ ગુમાવતાં ટીમ ઇન્ડિયા ચિંતામાં મુકાઈ ગઈ હતી. રવિચંદ્રન અશ્વિન પણ ૧૩ રને આઉટ થતાં ભારતની સ્થિતિ નબળી થઈ ગઈ હતી.

પંત-સુંદરની જોડીનાં પરાક્રમ

ઇંગ્લિશ બોલરો સામે ફસડાઈ પડેલી ભારતીય ટીમને ઉગારવા ફરી એક વાર રિષભ પંતની ૧૦૧ રનની ઇનિંગ્સ કારગત સાબિત થઈ હતી. તેણે ૧૧૮ બૉલમાં ૧૩ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી. આમાંની બીજી સિક્સર ફટકારીને તેણે સેન્ચુરી અનોખા અંદાજમાં પૂરી હતી. આ પહેલાં તે ચાર વાર સેન્ચુરીની તક ચૂકી ગયો હતો. ઘરઆંગણે આ તેની પહેલી અને એકંદરે ત્રીજી ટેસ્ટ-સેન્ચુરી હતી. વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે ત્રીજી ટેસ્ટ સેન્ચુરી ૩૩મી ઇનિંગ્સમાં ફટકારી પંતે વૃદ્ધિમાન સાહા (૫૦ ઇનિંગ્સ)ના રેકૉર્ડની બરોબરી કરી લીધી હતી. વૉશિંગ્ટન સુંદરે પણ પંતને સારો સાથ આપ્યો હતો અને બન્નેએ સાતમી વિકેટ માટે ૧૧૩ રનની પાયાની ભાગીદારી કરી હતી. પંત આઉટ થયા બાદ સુંદરે હાફ સેન્ચુરી પૂરી કરી હતી. દિવસના અંત સુધી સુંદરે ૬૦ અને અક્ષર પટેલે ૧૧ રન બનાવી લીધા હતા, જેને લીધે ભારતે ઇંગ્લૅન્ડ પર કુલ ૮૯ રનની સરસાઈ મેળવી લીધી હતી.

ઍન્ડરસન સામે પંતની રિવર્સ સ્વીપ

જેમ્સ ઍન્ડરસન જ્યારે નવા બૉલથી બોલિંગ કરી રહ્યો હતો ત્યારે રિષભ પંતે તેને અફલાતૂન રિવર્સ સ્વીપ મારી હતી જેમાં બૉલ વન બાઉન્સ થઈ બાઉન્ડરીલાઇનની બહાર પહોંચતાં પંત સૌકોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મૅચ બાદ એ રિવર્સ સ્વીપનો ખુલાસો કરતાં પંતે કહ્યું કે ‘રિવર્સ સ્વીપ મારવા તમારે પહેલાંથી ધ્યાન આપવું પડે છે અને જ્યારે બધું તમારા હિસાબે થઈ રહ્યું હોય ત્યારે તમે જોખમ ‍લઈ શકો છો.’

ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અને ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ પંતની ભારોભાર પ્રશંસા કરી હતી.

ઍન્ડરસને મૅક્‍ગ્રાના રેકૉર્ડની કરી બરાબરી

ટીમ ઇન્ડિયાની પહેલી ઇનિંગ્સના પ્રથમ દિવસે જેમ્સ ઍન્ડરસને પહેલી જ ઓવરમાં શુભમન ગિલને ઝીરોમાં આઉટ કરીને કમાલનો રેકૉર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો અને બૅટ્સમેનોને સૌથી વધારે ૧૦૪ વખત વાર ઝીરોમાં આ‍ઉટ કરવાના ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મૅક્‍ગ્રાના રેકૉર્ડની બરોબરી કરી લીધી હતી. મૅક્‍ગ્રા અને ઍન્ડરસન અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૪ વખત બૅટ્સમેનોને ઝીરો પર આઉટ કરી ચૂક્યા છે. આ યાદીમાં ઑસ્ટ્રેલિયાનો દિગ્ગજ સ્પિનર શેન વૉર્ન અને શ્રીલંકાનો મુથૈયા મુરલીધરન ૧૦૨ વાર આ પરાક્રમ કરી બીજા નંબરે છે.

ઍન્ડરસનની ૯૦૦ ઇન્ટરનૅશનલ વિકેટ

ગઈ કાલે ટેસ્ટ મૅચના બીજા દિવસે અજિંક્ય રહાણેની વિકેટ મેળ‍વતા જેમ્સ ઍન્ડરસને ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં મ‍ળીને કુલ ૯૦૦ વિકેટનો આંકડો હાંસલ કરી લીધો હતો. આ ઉપલબ્ધિ મેળવાનારો તે ઇંગ્લૅન્ડનો પહેલો અને વિશ્વનો ત્રીજો ફાસ્ટ બોલર બન્યો હતો. ઍન્ડરસનથી આગળ ગ્લેન મૅકગ્રા ૯૪૯ અને વસીમ અકરમ ૯૧૬ વિકેટ સાથે અનુક્રમે પહેલો અને બીજો ક્રમ ધરાવે છે. ઍન્ડરસને ટેસ્ટ મૅચની ૫૦૭મી ઇનિંગ્સમાં આ પરાક્રમ કરી બતાવ્યો છે.

sports sports news cricket news india england test cricket motera stadium narendra modi stadium